Gujarati News

Gujarati News

News of Tuesday, 12th January 2021

ગોકુલ હોસ્પિટલની ક્રિટિકલ કેર અને ECMO ટીમ દ્વારા કોવીડ દર્દીની સારવાર

રાજકોટ : ગોકુલ હોસ્પિટલ, રાજકોટની ક્રિટિકલ કે અને ECMO ટીમ એ સમગ્ર ગુજરાતમાં ગંભીર દર્દીઓની સફળ સારવાર કરી અનેક સીમા ચિન્હો હાંસલ કર્યા છે. છેલ્લા બે વર્ષમાં ર૦ થી વધુ દર્દીઓને ECMO દ્વારા સારવાર આપવામાં આવી છે. ECMO ની ટીમમાં ડો. તેજસ મોતીવરસ, ડો. દિગ્વિજયસિંહ જાડેજા, ડો. તેજસ કરમટા, ડો. પ્રિયંકાબા જાડેજા, ડો. હાર્દિક વેકરીયા, ડો. સંજય સદાતીયા, ડો. તુષાર બુધવાણી, ડો. વિષ્ણુ વંદુર તેમજ કાર્ડીઓલોજીસ્ટ ડો. તુષાર ભટ્ટી અને કાર્ડીઓ વાસ્કયુલર એન્ડ થોરેસિક સર્જન ડો. મનિષ મેસ્વાણી વગેરે કટિબદ્ધ છે, તેમજ ECMO માટેનો નર્સીંગ સ્ટાફ પણ ખાસ તાલિમબદ્ધ છે. તાજેતરમાં એર એમ્બ્યુલન્સ સર્વિસ ચલાવતી કંપની દ્વારા ડોકટર હાર્દિક વેકરીયાનો કેન્યા નાઇરોબીથી એક અત્યંત ગંભીર દર્દીને કે જેને કોવિડ પોઝિટિવ પણ હતો તેને અબુધાબી દુબઇ હોસ્પિટલમાં શિફટ કરવા માટે મદદ માટે સંપર્ક કરવામાં આવ્યો હતો. ડોકટર હાર્દિક વેકરીયા દ્વારા દર્દીના ડોકટર સાથે વાત કરી અને દર્દીને ઇકમો મશીન ઉપર મુકવાની સલાહ આપેલ. દર્દીના સંબંધીઓ દ્વારા સંમતિ મળતાં ટીમ સાથે ઇકમો સ્પેશિયાલિસ્ટ ડોકટર તરીકે ડો. હાર્દિક વેકરીયા કેન્યા નાઇરોબી ગયા હતા અને ત્યાં કોવિડ પોઝિટિવ દર્દીમાં સૌ પ્રથમ ઇકમો મશીનનો ઉપયોગ કર્યો હતો. એવી જ રીતે ૧ મહિના પહેલા ''લંગ ફેલ્યોર''ના દર્દી કે જેને ૪૭ દિવસ ECMO સારવાર આપી રેકોર્ડ કાયમ કરેલ તેમજ તે દર્દીને  ECMO સાથે જ એક એમ્બ્યુલન્સ દ્વારા રાજકોટથી ચેન્નઇ સ્થળાન્તરિત કરાયા હતા અને ચેન્નાઇની હોસ્પિટલ ખાતે પણ ગોકુલ હોસ્પિટલ દ્વારા અપાયેલ સારવારની પ્રશંસા થઇ હતી. હાલમાં, થોડા દિવસ પહેલા ગોવા મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ ખાતે દાખલ કરાયેલ એક દર્દીને ફેફસામાં ગંભીર ઇન્ફેકસન થયું હતું અને આગળની સારવાર માટે બેંગ્લુરુ ખાતેની મનિપાલ હોસ્પિટલ ખાતે સ્થાળાંતરિત કરવા પડે તેમ હતા. ત્યાં ડો. વેકરીયાનો સંપર્ક કરવામાં આવ્યો. તુરંત જ ગોવા ખાતે દર્દી જે હોસ્પિટલમાં દાખલ કરેલા હતા ત્યાં પહોંચી દર્દીને ECMO દ્વારા સારવાર ચાલુ કરી બેંગ્લુરૂ સ્થળાંતરિત કરવાની વ્યવસ્થા કરી હતી.

(3:44 pm IST)