Gujarati News

Gujarati News

News of Tuesday, 12th January 2021

સંક્રાંતના તહેવાર પર 'અછત' વચ્ચે કમાઇ લેવાનો 'ઇરાદો' નિષ્ફળ નિવડ્યો

૧.૮૭ હજારનો દારૂ ભરેલી કાર સાથે સંજય ઉર્ફ માજન અને દિપેશને ક્રાઇમ બ્રાંચે પકડ્યા

પીઆઇ એચ. એમ. ગઢવી, પીએસઆઇ એચ. બી. ધાંધલ્યાની ટીમનો ડો. રાધાકૃષ્ણ રોડ ગોપાલ મંડપ સર્વિસ પાસે કાર્યવાહીઃ બંને શખ્સ અગાઉ પણ દારૂના ગુનામાં પકડાયા'તાઃ રાજસ્થાનથી 'ખેપ' માર્યાનું રટણ : હેડકોન્સ. રઘુવીરસિંહ વાળા, સુભાષભાઇ ઘોઘારી સહિતની બાતમી પરથી દારૂનો જથ્થો ઝડપી લેવાયો હતો

રાજકોટ તા. ૧૨: તહેવાર પર બાટલીઓ ખોલવાનો શોખ ધરાવનારા પ્યાસીઓને હાલમાં વિદેશી દારૂ મળવો અઘરો પડી ગયો છે. મળે તો પણ ત્રણ કે ચાર ગણા વધુ ભાવથી લેવો પડે તેવી હાલત છે. આવી અછત વચ્ચે સંક્રાંતિના તહેવારમાં કમાઇ લેવાના ઇરાદે બે શખ્સ રાજસ્થાનથી વિદેશી દારૂનો જથ્થો રાજકોટ લાવતાં અને આ જથ્થો સગેવગે કરે એ પહેલા ક્રાઇમ બ્રાંચના હાથે પકડાઇ જતાં તેની કમાઇ લેવાની ઇચ્છાનું બાળમરણ થયું હતું.

ક્રાઇમ બ્રાંચના હેડકોન્સ. રઘુવીરસિંહ વાળા, સુભાષભાઇ ઘોઘારી સહિતને મળેલી ચોક્કસ બાતમીને આધારે પીએસઆઇ એચ. બી. ધાંધલ્યાની ટીમે ડો. રાધાકૃષ્ણ રોડ પર આવેલા ગોપાલ મંડપ સર્વિસ નજીકથી રૂ. ૧,૮૭,૭૭૦નો દારૂ ભરેલી કાર સાથે રૈયા રોડ પર વોચ રાખી જીજે૦૩એલબી-૯૪૧૪ નંબરની કાર પકડી લીધી હતી. તેમાં તપાસ કરતાં સિગ્નેચર વ્હીસ્કીની રૂ. ૪૯૨૦૦ની ૬૦ બોટલો, બ્લેન્ડર્સ પ્રાઇડની રૂ. ૧,૦૧,૧૫૦ની ૧૧૯ બોટલો, કેપ્ટન મોર્ગન રમની રૂ. ૧૪૨૮૦ની ૨૪ બોટલો, રોયલ ચેલેન્જની રૂ. ૧૭૬૮૦ની ૩૪ બોટલો, મેકડોવેલ્સ નંબર વન રમની રૂ. ૫૪૬૦ની  ૧૨ બોટલો મળી આવી હતી.

પોલીસે આ દારૂ અને કાર તથા બે મોબાઇલ ફોન મળી કુલ રૂ. ૬,૪૦,૨૭૦નો મુદ્દામાલ કબ્જે કરી કારમાંથી સંજય ઉર્ફ માજન પ્રફુલભાઇ લાઠીગરા (ઉ.વ.૪૮-રહે. રૈયા રોડ બ્રહ્મસમાજ ગ્રામજીવન સોસાયટી-૪/૧ પિતૃકૃપા) તથા દિપેશ નરસીભાઇ રાજાણી (ઉ.વ.૩૩-રહે. જસદણ પુષ્કરધામ સોસાયટી-૧, બ્લોક નં. ૧)ને પકડી લીધા હતાં. દિપેશ ઘરે બેઠા પ્લાસ્ટીકની થેલીઓ બનાવે છે અને સંજય છુટક કામ કરે છે. પોલીસના કહેવા મુજબ આ બંને અગાઉ પણ આવા ગુનામાં પકડાઇ ચુકયા છે.  પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ ડી. વી. બસીયા અને પીઆઇ વી. કે. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ એચ. બી. ધાંધલ્યા, હેડકોન્સ. સુભાષભાઇ ઘોઘારી, રઘુવીરસિંહ વાળા, સિધ્ધરાજસિંહ જાડેજા, રાજેશભાઇ બાળા, પ્રદિપસિંહ જાડેજા, કોન્સ. શકિતસિંહ ગોહિલ, અશોકભાઇ ડાંગર સહિતે આ કામગીરી કરી હતી.

(3:53 pm IST)