Gujarati News

Gujarati News

News of Tuesday, 12th January 2021

લોધીકાના ખાંભા ગામની ખેડવાણ જમીનો દિકરીઓની સંમતિ વિના વેચાણ દસ્તાવેજ થતા લોધીકાની અદાલતમાં દાવો

રાજકોટ, તા.૧ર : લોધીકા તાલુકાના ગામ ખાંભાના જુના રેવન્યુ સર્વે નં. ૯૪/૧ પૈકી ૩ નવા રેવન્યુ સર્વે નં. ર૧૬ની ખેડવાણ જમીન જે દિકરીઓનો પણ સહ-વારસ વાળી હોય તે જમીન દિકરીઓની સંમતિ વિના વેચાણ થતાં દસ્તાવેજ રદ કરવા દાવો કરેલ છે.

આ દાવાની ટુંકમાં હકીકત એવી છે કે, આ કામમાં વાદી ગીતાબેન હકાભાઇ ચૌહાણ, ભારતીબેન હકાભાઇ ચૌહાણ, નૂતનબેન હકાભાઇ ચૌહાણ, ભાનુબેન હકાભાઇ ચૌહાણના  કુલમુખત્યાર દરજ્જે શ્રી રાજેશ્વર મનુભાઇ સોલંકીએ પ્રતિવાદી ગુજરનાર ગાંગાભાઇ હમીરભાઇ ભરવાડના કાયદેસરના અને સીધીલીટીના વારસદારો (૧) શાંતાબેન ગાંગાભાઇ ભરવાડ, (ર) નાગજીભાઇ ગાંગાભાઇ ભરવાડ, (૩) વિજુબેન ગાંગાભાઇ ભરવાડ, (૪) જયેશભાઇ ગાંગાભાઇ ભરવાડ વિરૂદ્ લોધીકાની દિવાની અદાલત સમક્ષ એ બાબતનો દાવો કરેલ કે, રાજકોટ જીલ્લાના લોધીકા તાલુકાના ગામ ખાંભાના જુના રેવન્યુ સર્વે નં. ૯૪ર/૩ પૈકી ૩ જેના રેવન્યુ સર્વે નં. ર૧૬ની ખેડવાણ જમીન એકર પ-ર૧ ગુંઠા જેના હે.આર.ચો.મી. ર-ર૩-૩૧ જે મૂળ ગુજરનાર કરશનભાઇ દેવાભાઇના નામે આવેલ.

ત્યારબાદ તેમનું અવસાન થતા તેમના સીધીલીટીના વારસો ગોવિદ કરશન, બાબુભાઇ કરશનભાઇ, મોહનભાઇ કરશનભાઇ, હકાભાઇ કરશનભાઇના નામે વારસાઇ નોંધ દાખલ કરી અને ત્યારબાદ ભાયુભાગે ઘરમેળે સમજૂતી કરી સદરહું ખેડવાણ જમીન જુના રે.સ.નં. ૯૪/૧ પૈકી ૩ જેના રેવન્યુ સર્વે નં. ર૧૬ વાળી જમીન હકાભાઇ કરશનભાઇનું નામ દાખલ થયેલ. હકાભાઇ કરશનભાઇને સદરહુ જમીન પોતાના વડીલો તરફથી પ્રાપ્ત થયેલ હોય તેવોએ કોઇ જાતકમાણીમાંથી સદરહુ જમીન મેળવેલ ન હોય તેથી તે જમીનમાં તેમના કાયદેસરના સીધીલીટીના તમામ વારસદારોનો સહ કિસ્સો રહેલો હોય અને તેમને એકલાને સદરહુ જમીન વેચાણ કે વ્યવસ્થા કરવા હકક કે અધિકાર ન હોય અને તેમના સીધીલીટીના વારસદારો તમામનો હકક, હિસ્સો રહેલ હોય તેમ છતાં આ કામમાં સદરહું દેડવાણ જમીન એક યા બીજી રીતે પ્રતિવાદી ગંગાભાઇ હમીરભાઇ ભરવાડે અમો વાદીઓના પિતાશ્રી સ્વ. હકાભાઇ કરશનભાઇ કે જે વૃદ્ધ ઉમરના હોય, અભણ હોય તેમના એકલા પાસેથી અંગુઠાના નિશાનો કરાવી અને વેચાણ દસ્તાવેજ કરાવી લેવામાં આવેલ.

આ વેચાણ દસ્તાવેજમાં હકાભાઇ કરશનભાઇને પુત્રીઓ કે જેમને પણ હિન્દુ વારસા ધારાની જોગવાઇ મુજબ વડીલોપાર્જીત મીલ્કતમાં વારસાઇ હકક આપવામાં  આવેલ હોય તેઓની કોઇ સંમતિ લેવામાં આવેલ નહીં અને તેઓ વાદી પુત્રીઓ તમામ ઘણા વારસોથી લગ્ન થઇ ગયેલ હોય પોતાના સાસરે હોય તેમને અંધારામાં રાખી કોઇપણ જાતની જાણ કર્યા વિના પ્રતિવાદી ગાંગાભાઇ હમીરભાઇ ભરવાડએ પોતાના જોગનો વેચાણ દસ્તાવેજ ગોંડલ સબ-રજી. કચેરીના અનુક્રમ નં. ૧૭પપ, તા. ૧ર-૧૦-૧૯૮૮ ના રોજથી કરાવી લેવામાં આવેલ. જે હકીકતની જાણ વાદી પુત્રીઓને થતા પોતાના કાયદેસરના હકકોનું રક્ષણ કરવા અને સહ-વારસ વાળી મીલ્કત ખેડવાણ જમીન સંમતિ વિના વેચાણ થયેલ હોય તે રદ કરવા લોધીકાના પ્રીન્સીપાલ સીવીલ જજ સમક્ષ દાવો દાખલ કરેલ છે. આ કામમાં વાદી વતી એડવોકેટ તરીકે જતીન ડી. કારીયા, ચિરાગ એસ. કારીયા, દિવ્યરાજસિંહ એન. જાડેજા, સંદીપ જી. વડોદરીયા, ભરત કે. પરમાર રોકાયેલ છે.

(3:58 pm IST)