Gujarati News

Gujarati News

News of Tuesday, 12th January 2021

ઉત્તરાયણ પર્વે શ્રી પંચનાથ એનીમલ હોસ્પિટલ દ્વારા 'પક્ષી બચાવો અભિયાન'

એક વર્ષમાં ૭૨૦૩થી વધુ પશુપક્ષીઓની સારવારઃ શેરીઓમાં રખડતા શ્વાનોની સારવાર માટે કોઇ ચાર્જ લેવાતો નથી

રાજકોટ : સૌરાષ્ટ્રના પાટનગર સમા રાજકોટ શહેરનાં મધ્યમાં આવેલ શ્રી પંચનાથ સાર્વજનેક મેડિકલ ટ્રસ્ટ સંચાલીત એનીમલ હોસ્પિટલમાં જીવદયા પ્રેમી દાતાઓના  સહયોગના સમન્વયથી મૂક પશુ-પંખીઓની છેલ્લા ૭ વર્ષથી નિઃશુલ્ક રીતે સારવાર કરવામા આવી રહી છે.

 આ ડીસપેનસરીમા મુખ્યત્વે શ્વાન, બીલાડી, બકરી, પક્ષીઓ, સસલા, ખિસકોલી, કાચબા, ઉદર જેવા મૂક પશુ અને પંખીઓની સારવાર કરવામા આવે છે. તદ્દઉપરાંત માદા શ્વાનની સ્તનની ગાંઠ ગર્ભાશયની કોથળીમા રસી નર અને માદા શ્વાનની નસબંધી કેન્સરની ગાંઠની સર્જરી કરવામા આવે છે. મોટા ભાગે શ્વાનોમા જે ટી.વી.ટી. રોગ થાય છે તેનો કેમોથેરાપીના ડોઝ દ્વારા સારવાર આપવામાં આવે છે.

 છેલ્લા એક વર્ષમાં ૭૨૦૩ થી પણ વધારે પશુ પંખીઓની સારવાર કરેલ છે. તેમાં અતિ સંવેદનશીલ (મેજર) કહી શકાય તેવા ૬૩ અને જરૂરી (માઇનોર) ૭૭ જેટલા શરીરના અંગોની સફળ રીતે સર્જરી કરવામાં સફળ રહ્યા છે. તદુપરાંત ૧૧૦ થી પણ વધારે એકસ-રે પરીક્ષણ દ્વારા અકસ્માતે થયેલા હાડકાના ફ્રેકચરની સારવાર કરવામાં આવી છે.

 હોસ્પિટલ માટે ગૌરવની અને સન્માનનીય બાબત એ છે કે આ પૃથ્વી પરનું સૌથી વધુ ગભરૂ ગણાતુ પ્રાણી સસલાને થોડાક સમય પહેલા અકસ્માતે પેટમાં લોખંડનો પાઇપ લાગી જતા તેમનુ આખુ પેટ ચીરાય ગયુ હતું જેને પરીણામે તેમના શરીરના આંતરડા બહાર આવી ગયા હતા. આ અતિગંભીર રીતે ઘવાયેલા પ્રાણીને હોસ્પિટલમાં લાવવામાં આવતા પંચનાથ એનીમલ ડીસપેનસરીની ટીમે ગંભીર સમય પારખીને તાત્કાલિક ઓકસીજન સપોર્ટ આપીને અતિસંવેદનશીલ કહી શકાય તેવી સર્જરી કરીને તેને હેમખેમ બચાવી લેવામા કલ્પી ન શકાય તેવી સફળતા પ્રાપ્ત કરેલ છે.

 તેવી જ રીતે બીજી ગૌરવની વાત એ છે કે સૌથી વધુ નિદોંષ ગણાતુ અબોલ જીવ ખિસકોલીને બેભાન અવસ્થામાં જ નિહાળતા જીવદયા પેમી એવા એક બહેન દ્વારા હોસ્પિટલ પર લાવતા ડીસપેનસરીની ટીમે તાત્કાલિક પાઇમરી તપાસ કરતા સદનસીબે તેમના શ્વાસ અને ધબકારા સામાન્ય જણાતા તરતજ તેમની શારીરિક તપાસ શરૂ કરવામાં આવી તપાસણીના રીપોર્ટ મુજબ આ નિર્દોષ જીવ તો ગર્ભાઅવસથામા માલૂમ પડયો તરતજ ઓકસીજન સપોર્ટ દ્વારા તેમને સ્થિર કરવા મા આવી ત્યારબાદ એનેસ્થેસીયા આપી બેહોશ કાર્ય બાદ કલ્પી ન શકાય તેવું અતિ સંવેદનશીલ ઓપરેશન કરીને નિર્દોષ જીવ ખિસકોલીને તથા તેમના બચ્ચાને બચાવી લેવામા જંગી કામયાબી મેળવી હતી.

 સામાન્ય સંજોગોમાં પશુ અને પંખીઓમાં થતા રોગો માટે તપાસનો કોઈપણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી પરંતુ જરૂર પડ્યે એકસ-રેનો ફકત રૂ. ૧૦૦ ચાર્જ લેવામાં આવે છે. સૌથી અગત્યની બાબત એ છે કે શેરી-ગલીઓમાં વસતા શ્વાનોની સારવાર માટેનો કોઈપણ પ્રકારનો ચાર્જ વસુલ કરવામાં આવતો નથી. હોસ્પિટલનો સમય સવારે ૯ થીબપોરે ૧ અને બપોરે ૩ થી સાંજના ૭ સુધીનો રાખવામાં આવેલ છે. ઇમરજન્સી સારવાર માટે ડો. વિેવેક કલોલાનો મો.૯૯૦૪૯ ૭૪૯૫૫

 પક્ષી બચાવો અભિયાનના ચેરમેનશ્રી તથા જૈન અગણીશ્રી મયૂરભાઇ શાહ દ્વારા સૌરાષ્ટ્રની ધર્મપ્રેમી જનતાને અપીલ કરતા જણાવેલ છે કે આગામી મકર સંક્રાંતિનો તહેવાર જરૂર આનંદ અને ઉલ્લાસ સાથે માણો પણ સાથોસાથ કુદરતના ખોળામાં ગગનમાં મુકત રીતે વિહાર કરતા મૂક પંખીઓનો પણ ખ્યાલ રાખશો અને આ તહેવાર દાન દ્વારા પુણ્યનું ભાથુ બાંધવાનો પરમ અવસર હોય શ્રી પંચનાથ એનીમલ હોસ્પિટલમાં ચાલી રહેલી સેવાકીય પ્રવૃત્તિને વેગ આપવા માટે સહયોગ આપવા મયૂરભાઇ શાહની અખબારી યાદીમાં જણાવેલ છે. 

મકરસંક્રાંતિએ ઇમરજન્સી સારવાર માટે મો.૯૯૦૪૯ ૭૪૯૫૫ ઉપર સંપર્ક કરવો.

(4:17 pm IST)