Gujarati News

Gujarati News

News of Thursday, 12th January 2023

સાંઢીયા પુલ પ્રોજેકટ ઢીલમાં ? રેલ્‍વેમાં NOC-ખર્ચ અટવાયા

મનપા દ્વારા સાંઢીયા પુલની બંને તરફ એંગલ ફીટ કરી ભારે વાહનો શહેરમાં ડાયવર્ટ કરાયા : ટ્રાફીકની સમસ્‍યા : પુલનું કામ શરૂ થયાથી પૂર્ણ થવામાં બે વર્ષ લાગશે : કુલ ૫૪ કરોડના ખર્ચે ફોર લેન બ્રીજ બનાવવા ડીઝાઇન રેલ્‍વેમાં સુપ્રતઃ મનપાના આગામી બજેટમાં વધુ ૨૭ કરોડની જોગવાઇ કરશે

રાજકોટ,તા૧૧: શહેરના જામનગર રોડ પર આવેલ સાંઢીયા પુલને પહોળો કરવા મનપા તંત્ર દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે. ૫૪ કરોડના ખર્ચે ફોર લેન બ્રીજ બનાવાશે. આ બ્રીજની નવી ડિઝાઇન તૈયાર કરી રેલ્‍વેમાં રજુ કરવામાં આવી છે. રેલ્‍વેની મંજુરી નહિ આવતા આ બ્રિજનું કામ ધોંચમાં પડયું છે.

મનપાના બજેટમાં અનેક વખત સમાવવામાં આવેલા અને કયારેય યોજના તરીકે હાથ પર લેવામાં નહીં આવેલા સાંઢીયા પુલ રીનોવેશનની યોજના ફરી તંત્રના દિમાગમાં પ્રગટ થઇ છે. ભુતકાળમાં અનેક વખત સર્વે અને રીપેરીંગ કરાયા છે. રેલવેએ આ બ્રીજને જોખમી જાહેર કર્યો છે. પરંતુ સરકાર અને કોર્પો.એ ઉપયોગ માટે કોઇ જોખમ નહીં હોવાનું કહ્યું હતું અને સરળતાથી વાહન વ્‍યવહાર પસાર થઇ રહ્યા છે.

ઉપરાંત આ વર્ષનું બજેટ તૈયાર કરવાનો મનપામાં ધમધમાટ ચાલી રહ્યો છે. તેમાં સાઠીયા પુલ માટે ૨૭ કરોડની જોગવાઇ કરવા માટે દરખાસ્‍ત મુકાશે. જ્‍યારે બાકીના ૨૭ કરોડનો ૨૦૨૪-૨૫ના બજેટમાં સમાવેશ કરવામાં આવશે. હાલ જો કે રેલ્‍વેની મંજુરી મળી ન હોય પ્રોજેકટ ખોરંભે ચડયો છે. રેલ્‍વેના ભાગવાળા વિસ્‍તારમાં માટે તેની મંજુરી જરૂરી છે.

મનપા દ્વારા રેલ્‍વેને ૫૪ કરોડમાંથી ૧૦ કરોડ આપવા રજુઆતો કરાયેલી છે. પણ રેલ્‍વે તંત્ર દ્વારા તે માટે રાહ જોવાનું કહેવાતા કોકડુ વધુ ગુચવાયું છે. મનપા દ્વારા સાંઢીયા પુલની બંને તરફ એંગલ ફીટ કરી મોટા વાહનો માટે પ્રવેશ બંધ પણ કરી દેવામાં આવ્‍યો છે.

જામનગર રોડ સાંઢિયા પુલ પર ભારે વાહનોની અવર-જવર બંધ કરવા હુકમ ફરમાવતા જાહેરનામાંના અનુસંધાને મહાનગરપાલિકા દ્વારા ૨.૫ મીટર ઉંચાઈના એંગલ ફીટ કરવામાં આવ્‍યા છે. તેથી ભારે કોમર્શિયલ વાહનો, મલ્‍ટી એક્ષેલ વાહનો, ST બસ, વોલ્‍વો બસ તથા ૨.૫ મીટરથી વધુ ઉંચાઈવાળા વાહનોએ વૈકલ્‍પિક રસ્‍તાઓ પરથી અવર-જવર કરવાનું ચાલુ કર્યું છે.

વૈકલ્‍પીક રસ્‍તાઓમાં સિવિલ હોસ્‍પિટલ ચોક થી જામનગર રોડ તરફ જવા માટે ઓવર બ્રિજ ઉતર્યા બાદ રૂડા કચેરી પાસેથી વળીને રેસકોર્સ રીંગ રોડ થઈને રૈયા રોડ અથવા એરપોર્ટ રોડ પરથી માધાપર ચોકડી તરફ  અને માધાપર ચોકડીથી આવતા સંજયનગર ૨૪ મી. મેઈન રોડ અથવા બજરંગવાડી મેઈન પરથી ૧૫૦ ફૂટ રીંગ રોડ અને સિટી તરફ જઈ શકાય છે.

જ્‍યારે ઉપરોક્‍ત ભારે વાહનો સિવાયના તમામ ૨ વ્‍હીલર, ૩ વ્‍હીલર, ૪ વ્‍હીલર, છકડો રીક્ષા, ટેમ્‍પો રીક્ષા વગેરે રાબેતા મુજબ સાંઢિયા પુલ પરથી અવર-જવર ચાલુ રાખવામાં આવી છે.

વૈકલ્‍પીક રસ્‍તાઓને કારણે રૈયા રોડ- એરપોર્ટ રોડ ઉપર ભારે વાહનો દોડવા લાગ્‍યા છે. તેમાં પણ હાલ રૈયા રોડ ઉપર પીવાના પાણીની લાઇન નાખવાનું કામ ચાલી રહ્યું હોય આઝાદ ચોકથી અંબિકા પાર્ક સુધીનો એક તરફના રસ્‍તો બંધ હોવાથી અકસ્‍માત સર્જાવાનો પણ ભય ઉભો થયો છે.

દરમ્‍યાન આ બ્રીજના નવનિર્માણની ડિઝાઇન તૈયાર થઇ ગઇ છે. ૫૪ કરોડના ખર્ચે આ પ્રોજેકટ ટુ લેનમાંથી ફોર લેન કરાશે. આ માટેનો ડીપીઆર રેલ્‍વેમાં મોકલાયો છે. હાલ બ્રીજની પહોળાઇ ૮ મીટર છે તે ૧૬ મીટર કરવામાં આવશે. તો બ્રીજની લંબાઇ ૬૦૦ મીટર કરવામાં આવશે. રેલવે સાથે પણ મનપા દ્વારા સંકલન કરાયું છે.

હાલ  આ ડિઝાઇન રેલ્‍વેમાં  મોકલાયેલી હોય, આ મંજુરી બાદ તુરંત આ કામના ટેન્‍ડર બહાર પાડવામાં આવશે. કામ શરૂ થયાના સમયથી બે વર્ષ બ્રીજને બનતા લાગશે. જેથી ટ્રાફીક સમસ્‍યા પણ ઉદભવાની શકયતા છે.

(3:17 pm IST)