Gujarati News

Gujarati News

News of Thursday, 12th January 2023

કાલે રાજકોટનું ગગન દેશી-વિદેશી પતંગોથી છવાશે

આવતીકાલે સવારે ૯.૩૦ કલાકે ડી.એચ.કોલેજ મેદાન ખાતે કોર્પોરેશન અને ગુજરાત પ્રવાસન વિભાગના સંયુકત ઉપક્રમે મહોત્સવ : દેશ-વિદેશના પતંગબાજો ભાગ લેશે : અવનવા પતંગોનો નજારો નિહાળવા પુષ્કર પટેલ, પરેશ પીપળીયાનો અનુરોધ : તડામાર તૈયારી

રાજકોટ, તા. ૧૧ : મહાનગરપાલિકા અને ગુજરાત પ્રવાસન વિભાગના સંયુકત ઉપક્રમે કાલે તા.૧૨ના રોજ સવારે ૯.૩૦ કલાકે ધર્મેન્દ્રસિંહજી કોલેજ (ડી.એચ. કોલેજ)ના ગ્રાઉન્ડ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ૨૦૨૩ યોજાશે. જેનું દીપ પ્રાગટ્ય રાજ્યસભાના  સંસદ સભ્ય રામભાઈ મોકરીયાનાં હસ્તે કરવામાં આવશે.

આ અંગે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા, ગુજરાત પ્રવાસન વિભાગનાં કમિશનર આલોક કુમાર પાંડે, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન પરેશભાઈ પીપળીયાએ જણાવ્યું હતું કે, આ પતંગ મહોત્સવમાં ૧૬ દેશોના ૪૧ કાઈટીસ્ટો જેમકે, ઇન્ડોનેશિયા, મલેશિયા, પોલેન્ડ, નેધરલેન્ડ અને સાઉથ આફ્રિકા જેવા દેશના પતંગબાજો તેમજ ભારતના ૭ રાજ્યોમાંથી રાજસ્થાન, સિક્કિમ, મધ્યપ્રદેશ, પોંડીચેરી, તેલંગણા કર્ણાટક અને ઓડીસ્સાના ૧૮ તેમજ રાજકોટ સહીત ગુજરાતના ૯૯ પતંગબાજો ભાગ લેનાર છે. આ સાથે ઞ્૨૦ સમિટનો પણ બહોળો પ્રચાર-પ્રસાર કરવામાં આવશે.

આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને  મેયર ડૉ. પ્રદિપ ડવ ઉપસ્થિત રહેશે તથા સાંસદ સભ્ય મોહનભાઈ કુંડારીયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ  કમલેશભાઈ મીરાણી, ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી  બિનાબેન આચાર્ય, ધારાસભ્ય રાજકોટ  ઉદયભાઈ કાનગડ, ધારાસભ્ય અને ડે. મેયર ડૉ. દર્શિતાબેન શાહ, ધારાસભ્ય રાજકોટ  રમેશભાઈ ટીલાળા, રાજકોટ શહેર ભાજપ મહામંત્રીઓ  કિશોરભાઈ રાઠોડ, જીતુભાઈ કોઠારી, નરેન્દ્રસિંહ ઠાકુર, શાસક પક્ષ નેતા  વિનુભાઈ ધવા, વિપક્ષ નેતા  ભાનુબેન સોરાણી, દંડક શાસક પક્ષ  સુરેન્દ્રસિંહ વાળા તથા બહોળી સંખ્યામાં પતંગબાજો અને નગરજનો ઉપસ્થિત રહેશે.

આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-૨૦૨૩માં જુદી-જુદી કૃતિઓ, રંગબેરંગી ફુગ્ગાઓ, ગગનમાં ઉડાડી પતંગ પ્રેમીઓ અને બાળકોની ચિચિયારીઓ વચ્ચે ખુલ્લો મુકવામાં આવશે. આ પતંગ મહોત્સવમાં શહેરીજનોને ઉમટી પડવા પ્રદિપ ડવ, પુષ્કર પટેલ, પરેશ પીપળીયા સહિતના પદાધિકારીઓએ અનુરોધ કર્યો છે.(૨૧.૨૩)

મકરસંક્રાંતિ રામચરિત માનસ મંદિર રતનપરના અન્નક્ષેત્ર, ગૌશાળાને ભૂલતા નહિ....

રાજકોટઃ શહેરની ભાગોળે મોરબી રોડ પર રતનપ ખાતે દર્શનીય, સુપ્રસિધ્ધ યાત્રાધામ શ્રી રામચરિતમાનસ મંદિર છેલ્લા ૪૦ વર્ષોથી સિયારામ મંડળીના ઉપક્રમે અનેક સેવાકાર્યો કરે છે. મંદિરના વિશાળ સંકુલમાં ગૌશાળામાં ૭૫ ગૌ માતાઓની સેવા સુશ્રુષા થાય છે. તદ્ઉપરાંત બાલક્રિડાંગણ, સુંદર ઉદ્યાન, ભવ્ય ફૂલછોડ ઉત્સવ, પદયાત્રા, રામનવમી, હનુમાનજયંતિ, પાટોત્સવ, રામાયણના અખંડ પાઠ, અષાઢી બીજની રથયાત્રા, જન્માષ્ટમીનો ભવ્ય લોકમેળો, અન્નકૂટ મહોત્સવ, મહાશિવરાત્રિ વગેરે તહેવારોની ભાવપૂર્વક ઉજવણી થાય છે. દર મહિને શુકલ પૂર્ણિમાએ વ્રતની પૂનમ ભરવાનું અને સત્યનારાયણની કથાનું આયોજન થાય છે. પ્રકૃતિક સૌંદર્યથી ભરપૂર, લીલી હરિયાળીના રમણીય વાતાવરણમાં મોટી સંખ્યામાં ભાવિકો પૂજા, આરતી દર્શનનો ધર્મલાભ લે છે.

આ દેવસ્થાનની મુલાકાતે આવતા તમામ દર્શનાર્થી ભાવિકો માટે ગણા દૂધની ચા તથા બપોરે અને સાંજે બંને સમય અતિથિભાવથી નિઃશુલ્ક ભોજન પ્રસાદની ઉચિત વ્યવસ્થા કાયમી ધોરણે કરેલ છે. તેમજ નિયમિતપણે નિઃશુલ્ક મેડિકલ કેમ્પ નેત્રયજ્ઞનું આયોજન થાય છે.  પૂ.શ્રી રણછોડદાસજી બાપુ તથા પૂ.શ્રી હરિચરણદાસજી મહારાજના શુભાશીષથી પાવન થયેલ રામચરિતમાનસ મંદિર (ફોન- ૨૭૮૮૨૦૨)ના સેવાકાર્યોમાં મકરસંક્રાંતિએ ઉદાર હાથે દાન સહયોગ આપવા સિયારામ મંડળીએ અપીલ કરી છે.(૩૦.૬)

પાવન પર્વે ગીતા વિદ્યાલય ટ્રસ્ટની ધાર્મિક, સામાજિક, શૈક્ષણિક પ્રવૃતિઓ યાદ રાખવા જેવી

રાજકોટઃ જંકશન પ્લોટ શ્રીમનહરલાલજી મહારાજ સ્થાપિત સેવાસંસ્થા ગીતા વિદ્યાલય ટ્રસ્ટ (રજિસ્ટર્ડ ચેરિટેબલ ટ્રસ્ટ એનજીઓ) દ્વારા છેલ્લા ૫૮ વર્ષોથી બાળ વિકાસ, ગીતા પ્રચાર, નિઃશુલ્ક ઉનાળુ છાશ કેન્દ્ર, સંસ્કૃત પ્રચાર, રાહત દરે નોટબુક વિતરણ, નિઃશુલ્ક નિદાન- સારવારના મેડીકલ કેમ્પ, સંતો- વિદ્વાનોના પ્રેરક જ્ઞાનયજ્ઞ, સ્તોત્ર કંઠસ્થ સ્પર્ધા, પારિતોષિત વિતરણ, સાર્વજનિક વાચનાલય, મેડીકલ સાધન સહાય, અનાજ વિતરણ, મહિલા મંડળના ભજન- સત્સંગ, ભગવદ્દગીતા પારાયણ (સામુહિક ગીતાપાઠ), શૈક્ષણિક પ્રવાસ, સતસાહિત્યનું પડતર કિંમતે વિતરણ, બાળમજુરી નાબુદી અભિયાન, માતૃભાષામાં શિક્ષણ અભિયાન, ધાબળા વિતરણ, સામૂહિક સત્યનારાયણની કથા, શાળા- કોલેજમાં શૈક્ષણિક સેમીનાર, વ્યસનમુકિત અભિયાન, પુસ્તકમેળો, મહોત્સવોની ઉજવણી વગેરે અનેક સેવાકીય પ્રવૃત્તિઓનું નિયમિતપણે સંચાલન થાય છે. તદ્દઉપરાંત સંસ્થામાં ગીતા જયંતિ, તુલસીદાસ જયંતિ અષાઢી બીજ, ગુરૃપૂર્ણિમા મહોત્સવ, જન્માષ્ટમી, નવરાત્રિ આરાધના પર્વ, દિપાવલી અન્નકૂટ, મહાશિવરાત્રી, રામનવમી વગેરે મહોત્સવોની ઉજવણી થાય છે. ગીતા વિદ્યાલયના મંદિર પરિસરમાં મહાદેવજી, પાર્વતીજી, ગણપતિ અને કાર્તિકેય એમ શિવજીના સમસ્ત પરિવારના તથા ભારત રાષ્ટ્રના મુખ્ય ચાર ધામના દર્શન એક સાથે થતાં હોય તેમજ મંદિરની દિવાલ ઉપર ગ્રેનાઈટમાં સુવર્ણ અક્ષરે સરળ ગુજરાતી ભાષામાં પ્રમાણિત ગીતાસારનું આલેખન થયેલ હોય તેવું સૌરાષ્ટ્રનું આ એક અજોડ દેવસ્થાન છે. આ સંસ્થાને મળતી રકમમાં આવકવેરાની કલમ ૮૦- જી હેઠળ કરમુકત છે. છેલ્લા ૫૮ વર્ષોથી નાત- જાત કે ધર્મના ભેદભાવ વિના બિનરાજકીય ધોરણે કાર્યરત ગીતા વિદ્યાલય ટ્રસ્ટની સેવા પ્રવૃત્તિઓ માટે  આર્થિક સહયોગ- દાન સ્વીકારાય છે. તેમ ટ્રસ્ટની યાદી જણાવે છે. છેલ્લા ૫૮ વર્ષોથી નિયમિતપણે ભગવદ્દગીતા અને માનવસેવાનો ગુંજારવ થઈ રહ્યો છે. તેવા પવિત્ર દેવસ્થાન ગીતા વિદ્યાલય- ગીતા મંદિરની વિવિધ ધાર્મિક, સામાજિક, શૈક્ષણિક સેવાકીય પ્રવૃતિઓમાં મકરસંક્રાંતિના પર્વ નિમિતે ઉદારતાપૂર્વ આર્થિક સહયોગ આપવા સર્વે દાતાઓ, શ્રેષ્ઠીઓને ગીતા વિદ્યાલય ટ્રસ્ટ પરિવારે હાર્દિક અનુરોધ કરેલ છે. વધુ વિગત માટે જંકશન પ્લોટ, પોલીસ ચોકી પાસે ગીતા વિદ્યાલય ટ્રસ્ટનાં કાર્યાલયમાં (મો.૦૨૮૧- ૨૪૫૯૦૦૦) ઉપર સંપર્ક કરવાનું સંસ્થાની યાદીમાં જણાવાયું છે.(૩૦.૬)

 

(3:20 pm IST)