Gujarati News

Gujarati News

News of Thursday, 12th January 2023

બેંક કર્મચારી મંથને ૩૦ લાખની ચીલઝડપનું નાટક કરી પોલીસને ધંધે લગાડીઃ ગણતરીના સમયમાં ભેદ ખુલ્‍યો

મકાનના સોદાની રકમ ચુકવવાની આજે તારીખ હતી, પણ રૂપિયા ન હોઇ તૂત ઉભુ કર્યુ : બેંક કર્મચારી યુવાન રોકડનો થેલો લઇ મીલપરામાં પેમેન્‍ટ કરવા આવતાં બે શખ્‍સ બાઇક પર ભાગી ગયાની જાણ થતાં ભક્‍તિનગર પીઆઇ એમ. એમ. સરવૈયા અને ટીમ પહોંચીઃ ક્રાઇમ બ્રાંચ, એસઓજી પીઆઇ અને તેમની ટૂકડીઓ પહોંચીઃ ઘટનાની ખરાઇ કરવા તપાસનો ધમધમાટ શરૂ થયો અને સત્‍ય સામે આવી ગયું

તસ્‍વીરમાં ઘટના સ્‍થળે પહોંચેલા ડીસીપી ક્રાઇમ પાર્થરાજસિંહ ગોહિલ, ડીસીપી સજ્જનસિંહ પરમાર, પીઆઇ મયુરધ્‍વજસિંહ સરવૈયા, પીઆઇ વાય. બી. જાડેજા સહિતનો કાફલો નજરે પડે છે. છેલ્લે તસ્‍વીરમાં ભોગ બનેલા યુવાન મંથન (દાઢીધારી) પાસેથી ઘટનાની વિગતો મેળવી રહેલા પોલીસ અધિકારી, કર્મચારીઓ દેખાય છે.  વોકે આ ઘટના તપાસને અંતે ખોટી ઠરી હતી. કોઇપણ ચીલઝડપ થઇ ન હોવાનું સ્‍પષ્‍ટ થઇ ગયુ હતું. (ફોટોઃ અશોક બગથરીયા)

રાજકોટ તા. ૧૧: શહેરના મીલપરામાં ભરબપોરે ત્રીસ લાખની ચીલઝડપની ઘટના બનતાં દોડધામ મચી ગઇ છે. બેંક કર્મચારી યુવાન બાઇક પર ત્રીસ લાખની રોકડ લઇ મીલપરામાં રહેતાં મકાન વેંચનાર વ્‍યક્‍તિને પેમેન્‍ટ કરવા આવી રહ્યો હતો ત્‍યારે તેની પાસેથી આ રકમ ડિસ્‍કવર બાઇક પર આવેલા બે શખ્‍સ ખુંચવીને ભાગી ગયાનું જાહેર થતાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પહેલેથી જ શંકાસ્‍પદ જણાતી આ ઘટના બહુ ટુંકી તપાસને અંતે ખોટી ઠરી હતી. યુવાનને આજે મકાનનું પેમેન્‍ટ કરવાની તારીખ હતી. પરંતુ પૈસાનો મેળ થયો ન હોવાથી યુવાને ચિલઝડપની ખોટી સ્‍ટોરી ઘડી કાઢયાનું ફલીત થતાં ખોટી કહાની ઉભી કરી પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરવા બદલ તેની સામે ગુનો નોંધવા તજવીજ કરવામાં આવી છે.

બનાવની પ્રાપ્‍ત માહિતી મુજબ મંથન રાજેશભાઇ માંડલીયા (ઉ.વ.૨૫-રહે. આનંદનગર મેઇન રોડ બ્‍લોક નં. ડી-૧, ફલેટ નં. ૪૭૬) નામનો યુવાન બપોરે રોકડા રૂા. ૩૦ લાખ હિન્‍દુસ્‍તાન બેંકમાંથી લઇને નીકળ્‍યો હતો. પોતે આ બેંકમાં જ એકાઉન્‍ટન્‍ટ તરીકે નોકરી કરે છે. આ રકમ તેણે યશ બેંકમાંથી ઉપાડયા હતાં. આ રકમ સુરેશભાઇ રાઘવજીભાઇ પારેખ (ઉ.વ.૬૮-રહે. મિલપરા-૧૯)ને આપવા માટે આવ્‍યો હતો. સુરેશભાઇએ મકાન વેંચ્‍યું હોઇ તેના પેમેન્‍ટની આ રકમ હતી. મંથન પોતાની રકમ બેંકમાંથી ઉપાડી પેમેન્‍ટ કરવા આવ્‍યો હતો. મંથન મિલપરા-૧૯માં પહોંચ્‍યો ત્‍યાં જ ડિલક્‍સ પાન નજીક ડિસ્‍કવર બાઇક પર આવેલા બે શખ્‍સે મંથનના બાઇકને ઠોકર મારી પછાડી દીધો હતો અને પ્‍લાસ્‍ટીકની કોથળીમાં રહેલી ૩૦ લાખની રોકડ લઇ બંને ભાગી ગયા હતાં.

મંથને પોલીસને ઉપરોક્‍ત વિગતો જણાવી હતી. પરંતુ પોલીસને ઘટના પ્રારંભથી જ શંકાસ્‍પદ લાગતી હોઇ ઉંડી તપાસ શરૂ કરી હતી. બનાવની જાણ થતાં ભક્‍તિનગર પીઆઇ મયુરધ્‍વજસિંહ એમ. સરવૈયા, નિલેષભાઇ મકવાણા, ડી. સ્‍ટાફ પીએસઆઇ રાયજાદા, દિલીપભાઇ બોરીચા સહિતનો કાફલો પહોંચ્‍યો હતો અને તપાસ આરંભી હતી. ક્રાઇમ બ્રાંચ પીઆઇ, એસઓજી પીઆઇ અને તેમની ટીમો પણ બનાવ સ્‍થળે પહોંચી હતી. પોલીસે સીસીટીવી કેમેરા ચેક કરતાં કોઇ બાઇક જોવા મળ્‍યું નહોતું. યશ બેંકમાંથી નાણા ઉપાડયાનું કહેતાં પોલીસે ત્‍યાં તપાસ કરતાં ત્‍યાં પણ ટ્રાન્‍જેક્‍શન નહિ હોવાનું ખુલ્‍યું હતું. આકરી પુછતાછ થતાં જ મંથને કબુલી લીધુ હતું કે પોતાને આજે મકાનના સોદાના પૈસા ચુકવવાના હતાં. પણ પૈસા ન હોઇ ખોટી સ્‍ટોરી ઘડી કાઢી હતી. સત્‍ય સામે આવતાં પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો.

પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવ, સંયુક્‍ત પોલીસ કમિશનરશ્રી સોૈરભ તોલંબીયા, ડીસીપી સજ્જનસિંહ પરમાર, ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલની રાહબરીમાં એસીપી બી. વી. જાદવ પણ તપાસમાં જોડાયા હતાં. દરમિયાન પીઆઇ મયુરધ્‍વજસિંહ સરવૈયા, નિલેષભાઇ મકવાણા, પીઆઇ વાય. બી. જાડેજા, પીઆઇ એલ. એલ. એલ. ચાવડા, પીઆઇ બી. ટી. ગોહિલ સહિતની ટીમોએ તપાસ આરંભી હતી અને પળવારમાં દૂધનું દુધ અને પાણીનું પાણી કરી નાખ્‍યુ હતું.  ખોટુ બોલી પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરનાર મંથન વિરૂધ્‍ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. 

(4:57 pm IST)