Gujarati News

Gujarati News

News of Thursday, 12th January 2023

ડીગ્રી ન હોવા છતાં દવાખાનુ ખોલી પ્રેકટીશ કરવાના કેસમાં બોગસ ડોકટરનો છૂટકારો

રાજકોટ તા. ૧ર :.. રાજકોટના કોઠારીયા સોલવન્‍ટ, બજરંગ સોસાયટી, મેઇન રોડ, રસુલપરા પાછળ, શ્રી ક્રિષ્‍ના કલીનીકના નામે કોઇપણ જાતની મેડીકલ ડીગ્રી વગર દવાખાનું ખોલી લોકોની સારવાર કરવાના કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવા કોર્ટે હુકમ કરેલ છે.

આ કેસની વિગત મુજબ તા. ૧૭-ર-ર૦૧૯ ના રોજ રાજકોટ તાલુકા પોલીસને બાતમી મળેલ કે, આરોપી ડોકટર ન હોવા છતાં કોઠારીયા સોલવન્‍ટ, બજરંગ સોસાયટીમાં શ્રી ક્રિષ્‍ના કલીનીકના નામે દવાખાનું ખોલી દર્દીની સારવાર કરી તેઓના સ્‍વાસ્‍થ્‍ય સાથે ચેડા કરતા હોય જે બાબતની હકીકત પોલીસને મળતા બનાવવાળી જગ્‍યાએ પંચોને સાથે લઇ જઇ રેડ કરતા આરોપી અમરીતા પ્રોબીસ બિસ્‍વાસ ડોકટરનું રૂપ ધારણ કરી દર્દીઓને એલોપેથીક દવા આપવાનું ઇન્‍જેકશન આપવાનું તથા બાટલા ચડાવતા નજરે પડેલ જેથી પોલીસે આરોપી પાસેથી મેડીકલ પ્રેકટીસ કરવાનો આધાર માંગતા આરોપી પોતે ડોકટર નથી તેવી વિગત જણાવતાં આરોપીની ધરપકડ કરી ફરીયાદ દાખલ કરેલ.

ત્‍યારબાદ આ બોગસ ડોકટર વિરૂધ્‍ધ પુરતો પુરાવો મેળવી લાગતા વળગતા સાહેદોના નિવેદનો લઇ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કર્યા બાદ કેસ ચાલતા ફરીયાદી તરફે પંચ સાહેદોને તપાસતા તેના દ્વારા ફરીયાદને લેશમાત્ર સમર્થન મળેલ નહિં. તેમજ ઉલટ તપાસમાં ખુદ પોલીસ સાહેદ દ્વારા સ્‍વીકારવામાં આવેલ કે, આરોપી બોગસ ડોકટર બની દર્દીની સારવાર કરે છે. તેવી કોઇ ફરીયાદ મળેલ નથી, આજુબાજુના સાહેદો કે સારવાર લીધેલ દર્દીઓના નિવેદનો લીધેલા નથી તેમજ એ વાત સ્‍વીકારેલ કે આ બોગસ ડોકટર અંગેની કોઇ જાણ પોલીસે હેલ્‍થ ઓથોરીટીને કરેલ નથી. આમ, કેસ ચાલી ગયા બાદ બન્ને પક્ષોની દલીલોને ધ્‍યાને લઇ નામદાર કોર્ટે આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરેલ.

આ કામમાં આરોપી વતી રાજકોટના એડવોકેટ હિતેષ આર. ભાયાણી, અવિનાશ રાવલ તથા લીગલ આસીસ્‍ટન્‍ટ તરીકે દર્શીત પાડલીયા રોકાયેલા હતાં.

(1:33 pm IST)