Gujarati News

Gujarati News

News of Thursday, 12th January 2023

ઉત્તરાયણના દિવસે ૪૯ દિવસ સુધી બાણશય્યા ઉપર સૂતેલા ગંગા પુત્ર ભીષ્મ પિતામહને કોઇ યાદ કરતું નથી..! આ ભીષ્મ કોણ ? આપણી આસપાસ જ છે...

તારીખ ૧૪ જાન્યુઆરી ના દિવસે મકરસંક્રાંતિનો પાવન તહેવાર છે. આ દિવસે જ ભીષ્મપિતામહે પ્રાણત્યાગ કર્યા હતા. મહાભારતના યુદ્ધ વખતે અર્જુનના બાણથી ઘવાયેલા ભીષ્મઍ તત્કાળ પ્રાણત્યાગ કરવાને બદલે ઉત્તરાયણ સુધી બાણશૈયા પર શરીરને ટકાવી રાખ્યું હતું. આપણને આ વાર્તા જેવું લાગે પણ વેદવ્યાસજી આ પ્રસંગ દ્વારા બહુ મોટો સંદેશો આપે છે.
ભીષ્મના શરીર પરનું ઍક ઍક બાણ કૌરવોના ઍક ઍક દુષ્કૃત્યનું પ્રતીક છે. કૌરવોઍ કરેલી ભૂલોને ભીષ્મઍ બાણ રૂપે પોતાના પર લઇ લીધી જેથી કૌરવોને તકલીફ ના પડે. જ્યાં સુધી દાદાઍ બાણ ઝીલ્યા ત્યાં સુધી કૌરવો ટકી શક્યા પછી ખતમ થઈ ગયા.
આપણા દરેકના પરિવારમાં પણ ઍક ભીષ્મ હોય છે જે આપણી ભૂલોના બાણ પોતાના પર લઇ લે છે અને ઍટલે આપણે સૌ ટકી શકીઍ છીઍ. જે પરિવાર ટકી શક્યો હોય તે પરિવારમાં કોઈને કોઈ સ્વરૂપે ભીષ્મ હાજર હોય જ છે. ઍ દાદા, દાદી, પપ્પા, મમ્મી, ભાઈ, બહેન, પતિ, પત્ની, દીકરો કે દીકરી કોઈપણ સ્વરૂપે હોય પણ ઍમના અસ્તિત્વથી જ પરિવાર ટકી રહેતો હોય. પરિવારના બાકીના સભ્યોને ઍમ હોય કે આપણા કુટુંબમાં કોઈ મુશ્કેલી જ નથી આપણે સુખી છીઍ જ્યારે વાસ્તવિકતા ઍ હોય કે આવા ભીષ્મ મુશ્કેલીઓનું પોટલું પોતાના માથે ઉપાડી લેતા હોય ઍટલે આપણને મુશ્કેલી અનુભવાતી જ ના હોય.
ભીષ્મ તો ઉતરાયણે જતા રહેશે પણ આપણે આપણા ભીષ્મને ઓળખીને સાચવી લેવા નહીંતર કૌરવોની જેમ આપણું અસ્તિત્વ પણ ખતમ થઈ જશે. આ ઉતરાયણે આપણે આપણા ભીષ્મને શોધવાનો પ્રયાસ કરીઍ. થોડીવાર આંખો બંધ કરીને વિચારો તમારી સમસ્યાઓને તમારા સુધી ના પહોંચવા દેનાર ઍ કોણ છે ? વિચારો કે તમારી ભૂલોને પોતાના માથે ઓઢી લેનાર ઍ કોણ છે ? વિચારો કે ઍવુ કોણ છે જેના કારણે તમને સુરક્ષાનો અનુભવ થાય છે ? ઍવું કોણ છે જેની ગેરહાજરી આખા પરિવારને પારાવાર મુશ્કેલીમાં મૂકી દે ? ઍવું કોણ છે જેનો સાથ તમને સદાય હળવાફૂલ રાખે છે ?
બસ આ જ તમારા ભીષ્મ છે. આજના મકરસંક્રાંતિના પાવન પર્વઍ આ ભીષ્મને ઓળખીને ઍનું જતન કરીઍ, જાળવીઍ, સાચવીઍ કારણકે ઍ છે તો આપણે છીઍ.
આપને અને આપના પરિવારને મકરસંક્રાંતિ ની હૃદયપૂર્વકની શુભેચ્છાઓ.


ભરતભાઇ કાનાબાર 
મો. ૯૮ર૪ર પ૧૧પર
સોશ્યલ મિડીયાની પોસ્ટ સાભાર 

 

 

(12:01 pm IST)