Gujarati News

Gujarati News

News of Thursday, 12th January 2023

ગોંડલ અને જસદણમાં વ્‍યાજખોરીના ૫ કિસ્‍સાઃ ૧૪ શખ્‍સો સામે ગુન્‍હો નોંધાયો

વ્‍યાજખોરોના ત્રાસનો ભોગ બનેલ ગોંડલના ર વેપારી, બાંદ્રા ગામના ખેડુત અને જસદણના ર મજુરોની પોલીસમાં ફરીયાદ

રાજકોટ, તા., ૧રઃ વ્‍યાજખોરો સામે રાજયવ્‍યાપી ઝુંબેશ અન્‍વયે ગોંડલ પંથકમાં  ૩ અને જસદણમાં ર વ્‍યાજખોરીના કિસ્‍સા બહાર આવ્‍યા છે.  આ અંગે કુલ ૧૪ વ્‍યાજખોરો સામે અલગ-અલગ પોલીસ મથકમાં પાંચ ફરીયાદો નોંધાઇ છે.

પ્રથમ ફરીયાદમાં ગોંડલ તાલુકાના બાંદ્રા ગામે રહેતા અને ખેતી કામ કરતા  અતુલભાઇ બાબુભાઇ જેસાણીએ તે જ ગામના અનિલ નાગજીભાઇ જેસાણી સામે તાલુકા પોલીસમાં  ફરીયાદ કરી છે. ફરીયાદમાં જણાવ્‍યા મુજબ  ફરીયાદીએ બીમારી સબબ આરોપી પાસેથી પ૦ હજાર રૂપીયા પ અને ૧૦ ટકા વ્‍યાજે લીધા હતા. નક્કી થયેલ મુદતે વ્‍યાજ સહીત ૬.૬૦ લાખ ચુકવ્‍યા છતાં ૮૦ હજારની કડક ઉઘરાણી  કરતા હોવાનું જણાવતા તાલુકા પોલીસે અનિલ સામે ગુન્‍હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

બીજી ફરીયાદમાં ગોંડલના નવા યાર્ડ પાછળ શ્રીજી સોસાયટી બ્‍લોક નં. પ માં રહેતા મૂળ ચરખડી ગામના વેપારી ભાવેશ  હરસુખભાઇ લીલાએ નરેશ બાવચંદભાઇ બાવીસીયા, રાજુ લખમણભાઇ ફાસરા, જીજ્ઞેશ નવીનચંદ્ર ખખ્‍ખર, સંજય મોહનભાઇ કણસાગરા તથા જીજ્ઞેશ ઉકાભાઇ સોજીત્રા રહે. તમામ ગોંડલ સામે ગોંડલ સીટી પોલીસમાં ફરીયાદ નોંધાવી છે. ફરીયાદમાં જણાવ્‍યા મુજબ આરોપીઓએ નાણા ધીરધારના વગર લાયસન્‍સે ફરીયાદીને મકાનની ખરીદી તથા ધંધા માટે ર૭ લાખ રૂપીયા ઉંચા વ્‍યાજે આપેલ હતા. જેના વ્‍યાજ પેટે આજ દિન સુધીમાં ૭ર લાખ ચુકવ્‍યા હોવા છતા મૂળ રકમ તથા ચડત વ્‍યાજ ચુકવી આપવા  ફરીયાદીને દબાણ કરી મકાન ખાલી કરી નાખવા અથવા વેચી નાખીને રૂપીયાની પઠાણી ઉઘરાણી કરી સતામણી કરી પતાવી દેવાની ધમકી આપી હતી. આ ફરીયાદ અન્‍વયે ગોંડલ પોલીસે ઉકત પાંચેય સામે ગુન્‍હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

ત્રીજી ફરીયાદમાં ગોંડલના ગુંદાળા રોડ પર નંદનવન સોસાયટીમાં રહેતા  વેપારી  દિનેશ બચુભાઇ શીંગાળાએ કાંતી ગાંડાભાઇ  કાલરીયા રહે. ગુંદાળા રોડ પટેલ કોલોની  ગોંડલ સામે ગોંડલ સીટી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે. ફરીયાદમાં જણાવ્‍યા મુજબ ફરીયાદીએ આરોપી પાસેથી ધંધા માટે કટકે કટકે ૪૮.૧૧ લાખ વ્‍યાજે લીધા હતા અને વ્‍યાજ સહીત ૯૦ લાખ રૂપીયા ચુકવી દીધેલ હોવા છતા આરોપી વધુ રૂપીયાની પઠાણી ઉઘરાણી કરી ધમકી આપે છે. આ ફરીયાદ અન્‍વયે  ગોંડલ પોલીસે ગુન્‍હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

ચોથી ફરીયાદમાં જસદણના જુની ગરબી ચોકમાં રહેતા યાત્રીક રાજેન્‍દ્રભાઇ શેઠએ અફજલ મુલતાની રહે. કોડઠા પીઠા,  હાલ જસદણ, નિલેશ ઉર્ફે અફલી બાબુભાઇ કુકડીયા રહે. મફતીયાપરા જસદણ, વિવેક હરેશભાઇ ખાચર રહે. મફતીયા પરા જસદણ,  શાંતુ ઉર્ફે સંદીપ મામા ધાંધલ રહે. જસદણ, તથા ઋતુરાજ દરબાર રહે. જસદણ સામે  જસદણ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે. ફરીયાદમાં જણાવ્‍યા મુજબ ફરીયાદીને રૂપીયાની જરૂર પડતા આરોપી નં. ૧નાએ ફરીયાદીને કટકે કટકે માસીક ૩૦ ટકા વ્‍યાજે દોઢ લાખ આપેલ. તેનું ફરીયાદીએ કુલ ૧.૯૪ લાખનું વ્‍યાજ ચુકવેલ હોવા છતાં વધુ વ્‍યાજની માંગણી કરેલ. તેમજ આરોપી નં. રનાએ ફરીયાદીને માસીક ૩૦ ટકા લેખે પ૦ હજાર વ્‍યાજે આપેલ જેના ૯૮,ર૦૦ વ્‍યાજ ચુકવેલ હોવા છતા વધુ વ્‍યાજની માંગણી કરેલ. તેમજ આરોપી નં. ૪ તથા પનાએ આરોપી નં. ૩ મારફતે ૬૦ હજાર ફરીયાદીને વ્‍યાજે આપેલ. તેનું ફરીયાદીએ ર.૧ર લાખ વ્‍યાજ ચુકવેલ હોવા છતા ઉકત તમામ આરોપીઓ ઉંચા વ્‍યાજની ઉઘરાણી કરી ફરીયાદી પાસેથી ફરીયાદીના સહીવાળા રકમ ભર્યા વગરના કોરા ચેક નંગ પ બળજબરીથી પડાવી લીધા હતા. આ ફરીયાદ અન્‍વયે જસદણ પોલીસે ઉકત પાંચેય સામે ગુન્‍હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

પાંચમી ફરીયાદમાં જસદણના પાટીદારવાળી શેરીમાં રહેતા અને મજુરીકામ કરતા લાલજીભાઇ છગનભાઇ સાકળીયાએ રમેશ બાવચંદભાઇ મકવાણા રહે. મુળ જંગવડ, હાલ ભુતડા ડાડાવાળી શેરી જસદણ, તથા અજાણ્‍યા શખ્‍સ સામે જસદણ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે. ફરીયાદમાં જણાવ્‍યા મુજબ ફરીયાદીએઆરોપી પાસેથી માસીક ૧૦ ટકા લેખે ર૦ હજાર રૂપીયા વ્‍યાજે લીધા હતા. અને ફરીયાદીએ ૧૭ હજાર રૂપીયા વ્‍યાજ આપ્‍યું હોવા છતા આરોપી વ્‍યાજના ૩પ હજાર રૂપીયા તથા મુળ રકમ બાબતે ફરીયાદીને ધમકી આપી તેમજ આરોપીનં. ર અજાણ્‍યો શખ્‍સ ફરીયાદીના મોબાઇલમાં અવાર નવાર ફોન કરી વ્‍યાજની ઉઘરાણી કરતો હોવાનું જણાવ્‍યું હતું. આ ફરીયાદ અન્‍વયે જસદણ પોલીસે ગુન્‍હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(1:24 pm IST)