Gujarati News

Gujarati News

News of Thursday, 12th January 2023

આકાશે અવનવા રંગોના પતંગોથી રંગબેરંગી રંગોળી સર્જાઇ

ડી.એચ. મેદાન ખાતે કોર્પોરેશન અને ગુજરાત પ્રવાસન વિભાગના સંયુકત ઉપક્રમે આયોજન : ઇન્‍ડોનેશિયા, મલેશિયા, પોલેન્‍ડ, નેધરલેન્‍ડ અને સાઉથ આફ્રીકા સહિતના દેશ-વિદેશના ૪૦થી વધુ પતંગબાજો ઉમટયા : ગુજરાતના ૯૯ પતંગવીરો જોડાયાઃ રાજ્‍યસભાના સાંસદ રામભાઇ મોકરિયાના હસ્‍તે ઉદ્‌ઘાટન : મોહનભાઇ કુંડારિયાની ઉપસ્‍થિતિ

રાજકોટ તા. ૧૨ : મહાનગરપાલિકા તથા ગુજરાત પ્રવાસન નિગમના સંયુક્‍ત ઉપક્રમે રાજકોટના ધર્મેન્‍દ્રસિંહજી કોલેજ (ડી.એચ.) મેદાન ખાતે આંતરરાષ્‍ટ્રીય પતંગ મહોત્‍સવ યોજાયો હતો. જેમાં ૧૬ દેશના ૪૧, ૭ રાજ્‍યના ૧૮ અને ગુજરાતના ૯૯ પતંગવીરોએ વિવિધ આકારથી આકર્ષક અને રંગબેરંગી એવી વિરાટકાય પતંગો ઉડાડી આકર્ષણ જમાવ્‍યું હતું. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્‍સવ ૨૦૨૩નું દીપ પ્રાગટ્‍ય રાજયસભાના માન. સંસદ સભ્‍યશ્રી રામભાઈ મોકરીયા તથા ઉપસ્‍થિત સૌ મહાનુભાવોના હસ્‍તે કરવામાં આવેલ. આ કાર્યક્રમના અધ્‍યક્ષ સ્‍થાને મેયર ડો. પ્રદિપ ડવ ઉપસ્‍થિત રહ્યા હતા.

આ પતંગ મહોત્‍સવમાં ઇન્‍ડોનેશિયા,મલેશિયા,પોલેન્‍ડ,નેધરલેન્‍ડ અને સાઉથ આફ્રિકા સહિતના ૧૬ દેશોના ૪૧ કાઈટીસ્‍ટો (પતંગબાજો) તેમજ ભારતના રાજસ્‍થાન, સિક્કિમ, મધ્‍યપ્રદેશ, પોંડીચેરી, તેલંગણા કર્ણાટક અને ઓડીસ્‍સા સહિતના ૭ રાજયોમાંથી ૧૮ તેમજ રાજકોટ સહીત ગુજરાતના એમ કુલ મળીને ૯૯ પતંગબાજોએ ભાગ લીધેલ.

પતંગવીરો દ્વારા ઉડાડવામાં આવેલા જી-૨૦ની થીમ પર આધારિત ૨૫૦ પતંગોની લહેર, સેવ અર્થ, બેટી બચાવો બેટી પઢાવો, કોબ્રા, રીંગ કાઈટ, આઈ લવ રાજકોટ સહિતના સંદેશાત્‍મક પતંગો, મેક્‍સિકોથી  આવેલ પતંગબાજની ૨૫ મીટર લાંબી અને ૧૮ મીટર લાંબી ડ્રેગન કાઇટ તો હૈદરાબાદથી આવેલ ૧૯ વર્ષીય આકાશની ૧૫ કિલો વજનની રેઈનબો સ્‍પિનર સહીત ૨૫૦ પતંગની લેર સહિતની પતંગો શહેરીજનો માટે આકર્ષણનું કેન્‍દ્ર બન્‍યું હતું. 

સાંસદ રામભાઈ મોકરીયાએ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્‍સવમાં દેશ-વિદેશથી પધારેલા તમામ પતંગબાજોને આવકારતા જણાવેલ કે, ભારતીય સંસ્‍કૃતિની ઓળખ આંતરરાષ્ટ્રીય સ્‍તરે વિસ્‍તરી રહી છે. વિદેશના લોકો પણ ભારતીય સંસ્‍કૃતિનો આદર કરે છે. આપણે જોયું કે, રાસગરબા આપણા રાજયની સાંસ્‍કૃતિક ઓળખ છે અને અહી રાસ ગરબાની રજુ થયેલ કૃતિ દરમ્‍યાન વિદેશી પતંગબાજો પણ ઉત્‍સાહભેર ઝૂમી ઉઠ્‍યા હતા. વૈશ્વિક સ્‍તરે ભારતને અગ્રીમ હરોળમાં લઇ જવાના પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના ઐતિહાસિક અભિયાનમાં સૌ નાગરિકો પોતાનું યોગદાન આપી સહભાગી બને.

મેયર ડો. પ્રદિપ ડવે સૌ પતંગબાજોનું રાજકોટની ધરતી પર ઉમળકાભેર સ્‍વાગત કરતા જણાવ્‍યું હતું કે, ભારતદેશ વર્ષોથી મકરસંક્રાંતિના સ્‍વરૂપમાં પતંગ મહોત્‍સવની ઉજવણી કરી રહેલ છે. રંગીલું રાજકોટ વિવિધતામાં એકતાનું ઉત્તમ ઉદાહરણ છે. ભારત ઋષિકાળથી અનેરી સંસ્‍કૃતિ ઉજવતો દેશ છે જેમાં તમામ વર્ગના લોકો હર્ષભેર સામેલ થાય છે. ભાષા, પહેરવેશ, સંસ્‍કૃતિ અને પરંપરા અલગ હોવા છતા સૌ સાથે મળીને વિવિધ પ્રસંગો અને પર્વો હોંશભેર ઉજવે છે. ‘રંગીલા રાજકોટ'ની ઓળખ યથાવત જાળવી રાખવામાં રાજકોટ મહાનગરપાલિકાએ હરહંમેશ નેતૃત્‍વરૂપ ભૂમિકા નિભાવી છે. રાજકોટ એક ‘રહેવા લાયક' અને ‘માણવા લાયક' શહેર છે.

આ પ્રસંગે સંસદ સભ્‍ય રાજકોટ મોહનભાઈ કુંડારીયા,રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી,ધારાસભ્‍ય અને ડે. મેયરડો. દર્શિતાબેન શાહ,ધારાસભ્‍ય રમેશભાઈ ટીલાળા,સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન  પુષ્‍કરભાઇ પટેલ,નાયબ મ્‍યુનિસિપલ કમિશનર આશિષ કુમાર,શહેર ભાજપ મહામંત્રીશ્રીઓ કિશોરભાઈ રાઠોડ,જીતુભાઈ કોઠારી,શાસક પક્ષ નેતા વિનુભાઈ ધવા, સમાજ કલ્‍યાણ સમિતિ ચેરમેન પરેશભાઈ પીપળીયા, વાઈસ ચેરમેન સંજયસિંહ રાણા તથા વિદેશથી આવેલા તથા દેશના જુદા જુદા રાજયોમાંથી આવેલ બહોળી સંખ્‍યામાં પતંગબાજો અને નગરજનો ઉપસ્‍થિત રહેલ.

કાર્યક્રમની શરૂઆતમાં સ્‍ટેન્‍ડીંગ કમિટી ચેરમેન પુષ્‍કરભાઇ પટેલે સૌનું શાબ્‍દિક સ્‍વાગત કરેલ, જયારે સમાજ કલ્‍યાણ સમિતિ ચેરમેન પરેશભાઈ પીપળીયા, વાઈસ ચેરમેન સંજયસિંહ રાણાએ મંચ પર ઉપસ્‍થિત મહાનુભાવોનું પુસ્‍તક વડે સ્‍વાગત કરેલ. પતંગ મહોત્‍સવમાં પધારેલા દેશ વિદેશના પતંગબાજોનું બાળાઓએ કંકુ તિલક વડે સ્‍વાગત કરેલ.

કાર્યક્રમના અંતે સમાજ કલ્‍યાણ સમિતિ ચેરમેન પરેશભાઈ પીપળીયાએ આભારવિધિ કરી હતી. આજે આપણો દેશ સ્‍વામી વિવેકાનંદના જન્‍મ દિવસનેᅠ‘રાષ્ટ્રીય યુવા દિવસ'ᅠતરીકે ઉજવે છે. ત્‍યારે મહાનુભાવોએ આ તકે સ્‍વામી વિવેકાનંદના જીવન ચરિત્ર, મુલ્‍યો અને સિદ્ધાંતોને યાદ કરી તેમના પ્રત્‍યે પૂર્ણ આદરભાવ પ્રગટ કર્યો હતો. બાદમાં મહાનુભાવોના હસ્‍તે રંગીન બલુન અવકાશમાં વહેતા કરી આ પતંગ મહોત્‍સવનો પ્રારંભ કરાયો હતો. આ અવસરે મેયર ડો.પ્રદિપ ડવ તેમજ અન્‍ય મહાનુભાવોએᅠ‘જી-૨૦'ના લોગો વાળી પતંગો ચગાવી હતી. પતંગબાજોએ અવનવી ડીઝાઈનની રંગીન પતંગો આકાશમાં ઉડાવવાનું શરૂ કરતા જ હાજર રહેલ માનવમેદની હર્ષભેર ચીચીયારી અને તાળીઓના ગડગડાટથી મેદાન ગુંજી ઉઠ્‍યું હતું.

(3:24 pm IST)