Gujarati News

Gujarati News

News of Thursday, 12th January 2023

મવડીની ટી. પી. સ્‍કીમ અંગે મનપાની જમીન ધારકો સાથે બેઠકઃ અસંતોષનો સૂર ઉઠયો

તંત્ર દ્વારા ટીપી અંગે વિસ્‍તૃત સમજ અપાઇઃ ૧ મહિનામાં વાંધા-સુચનો રજૂ કરવાની છુટઃ તંત્ર વાહકો : અધિકારીઓ દ્વારા સંતોષકારક જવાબ ન અપાયોઃ જમીન માલીકોનો આક્ષેપ

રાજકોટ તા. ૧ર :.. શહેરના વિકાસશીલ વિસ્‍તાર મવડીમાં ટી. પી. સ્‍કીમ લાગુ કરવા માટે મનપા દ્વારા આજે જમીન માલીકોને સમજણ આપવા તથા વાંધા સુચનો, રજૂ કરવા હિયરીંગનું આયોજન કરાયેલ. જેમાં  મુસદારૂપે નગર રચના યોજના રાજકોટ નં. ૩૪ અને ૩પ ના જમીન માલીકો મોટી સંખ્‍યામાં હાજર રહ્યા હતાં.

આ અંગે જમીન માલીકોએ આક્ષેપ કરેલ કે, મીટીંગમાં જમીન માલીકોએ વિવિધ પ્રશ્નો બાબતે ચર્ચા કરી હતી પણ હાજર અધિકારીઓ-કર્મચારીઓ દ્વારા સંતોષકારક જવાબ અપાયો ન હતો. ઉપરાંત જમીન માલીકોના પ્રશ્નોના જવાબ આપવાને બદલે અધિકારીઓ વચ્‍ચેથી જ મીટીંગ છોડીને ચાલ્‍યા ગયા હતા. સાથે જ અધિકારીઓ મીટીંગના સમય કરતા ૧ કલાક મોડા પહોંચ્‍યા હોવાનું પણ જણાવેલ હતું.

મનપાની સતાવાર યાદીમાં જણાવ્‍યા મુજબ  ધી ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમન-૧૯૭૬ની કલમ-૪૧(૧)ની જોગવાઈઓ મુજબ મહાનગરપાલિકાની સામાન્‍ય સભા દ્વારા તેમનાં ઠરાવ નં.૧૬ તા.૧૯ જુલાઇ ૨૦૨૨થી ઠરાવ્‍યા મુજબનાં ગામ મવડીનાં વિસ્‍તારો માટે મુસદારૂપ નગર રચના યોજના નં.૩૪-મવડી તૈયાર કરવાનો ઈરાદો જાહેર કરવામાં આવેલ. જે અનુસંધાને આજે  જમીન માલીકોની સભા બોલાવવામાં આવેલ અને યોજનાની દરખાસ્‍તો અંગે વિસ્‍તળત સમજુતી આપવામાં આવેલ છે.

ગામ માવડીનાં સર્વે નંબરો ૧૯૪ પૈકી, ૨૭૬ થી ૨૯૯, ૪૧૪ તથા ૪૧૫ આવરી લેતા વિસ્‍તારો માટે સદરહુ મુસદારૂપ નગર રચના યોજના નં.૩૪-મવડી અધિનિયમની જોગવાઈ મુજબ તૈયાર કરવાની કામગીરી હાથ ધરવામાં આવેલ.

જમીનોની કામચલાઉ દરખાસ્‍તો ઘડીને અધિનિયમની જોગવાઈ હેઠળ આજે જમીન માલીકોની સભા બોલાવવામાં આવેલ અને યોજનાની દરખાસ્‍તો અંગે વિસ્‍તળત સમજુતી આપવામાં આવેલ છે અને એક માસ માટે નાનામવા ચોક, ૧૫૦ ફૂટ રીંગ રોડ ખાતે આવેલ મલ્‍ટી એક્‍ટીવીટી સેન્‍ટર ખાતે ત્રીજા માળે આવેલ ટી.પી.યુનિટની ઓફિસે કચેરીનાં સમય દરમ્‍યાન જાહેર જનતાને જોવા માટે ખુલ્લી રાખવામાં આવેલ છે.

જરૂર જણાયે યોજના અંગેના વાંધા સુચનો એક માસમાં લેખિતમાં રજુ કરવાનાં રહેશે, જેમાં ગુણવતાના ધોરણે યોગ્‍ય લાગે તેવા ફેરફારો વિચારણામાં લેવાશે નું પણ તંત્ર દ્વારા જણાવવામાં આવેલ.

(3:37 pm IST)