Gujarati News

Gujarati News

News of Thursday, 12th January 2023

શ્રી પંચનાથ મહાદેવ સાર્વજનિક ટ્રસ્‍ટ દ્વારા ત્રણ વર્ષમાં ૫૦ હજાર અબોલ જીવોને વિનામુલ્‍યે સારવાર અપાઈ

એકસ-રે, સોનોગ્રાફી અને લેબોરેટરીની સુવિધાઃ દેવાંગ માંકડ- મયુર શાહ : દર મહિને ૧૪૦૦થી વધુ પશુ- પક્ષીઓને નિઃશુલ્‍ક નિદાન- સારવારઃ એનિમલ એન્‍ડ બર્ડ ડીસ્‍પેન્‍સરીમાં વેન્‍ટીલેટર સહિતની સુવિધા

રાજકોટઃ શ્રી પંચનાથ મહાદેવ સાર્વજનિક ટ્રસ્‍ટ દ્વારા અબોલા પશુ- પક્ષીઓ માટે ત્રણ વર્ષ પહેલા વિના મૂલ્‍યે એનીમલ એન્‍ડ બર્ડ ડીસ્‍પેન્‍સરીની શરૂઆત કરવામાં આવી. ત્રણ વર્ષ દરમ્‍યાન ૩૦ હજાર અને અત્‍યાર સુધીમાં ૫૦ હજાર જેટલા અબોલા પશુ- પક્ષીઓના વિનામૂલ્‍યે નિદાન તેમજ સારવાર તેમજ દવાઓ પણ આપવામાં આવેલ  હોવાનું યાદીમાં જણાવાયું છે.

સાથે સાથે એનિમલ એન્‍ડ બર્ડ માટે સોનોગ્રાફી વિભાગ અને લેબોરેટરી પણ કાર્યરત છે, ચાલુ વર્ષ દરમ્‍યાન અહી દર મહિને ૧૪૦૦ જેટલા પશુ- પક્ષીઓ સારવાર અને નિદાન મેળવી રહ્યા છે. ગયા વર્ષે વાર્ષિક ખર્ચ ૧૨ લાખ થયેલ પરંતુ હાલમાં પશુ- પક્ષીઓની સારવારમાં ખૂબ જ વધારો થયેલ હોવાથી તેમજ બે નવા નિષ્‍ણાંત ડોકટરોની સેવા પણ સામેલ કરેલ હોય અને પશુ- પક્ષીઓ માટે વધારાનાં ઈકવીપમેન્‍ટ તેમજ સુવિધા વધારવાથી આ વર્ષનો અંદાજીત ખર્ચ ૧૪ લાખ થશે તેવી ધારણા છે.

એનીમલ એન્‍ડ બર્ડ ડીસ્‍પેન્‍સરીમાં નિષ્‍ણાંત ડો.કલોલા પોતાની સેવા આપી રહ્યા છે, ઈમરજન્‍સી સારવાર માટે મો.૯૯૦૪૯ ૭૪૯૫૫ ઉપર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.

ગત વર્ષે એનિમલ એન્‍ડ બર્ડ ડીસેપન્‍સરીમાં વેન્‍ટીલેટર તેમજ મલ્‍ટી પેરામીટરની સુવિધાનો પણ વધારો કરેલ છે, અબોલા જીવોનાં અભયદાન તેમજ અન્‍ય જીવદયા પ્રવૃતિઓનાં વિસ્‍તૃતીકરણ, આધુનિકરણ નિર્વાહ માટે રાજકોટ શહેરીજનો તરફથી આર્થિક સહયોગ આપવા શ્રી પંચનાથ ટ્રસ્‍ટનાં પ્રમુખ દેવાંગભાઈ માંકડ, સેક્રેટરી- મયુરભાઈ શાહ, ઉપપ્રમુખ- વસંતભાઈ જસાણી, ખજાનચી- મહેન્‍દ્રસિંહ ગોહેલ તથા ડી.વી.મહેતા, ટ્રસ્‍ટીઓ અનીલભાઈ દેસાઈ, ડો.રવિરાજ ગુજરાતી, સંદીપભાઈ ડોડીયા, જૈમીનભાઈ જોશી, નિરજભાઈ પાઠક, નીતીનભાઈ મણીઆર, નારણભાઈ લાલકીયાએ અપીલ કરી છે. વધુ માહિતી માટે પ્રોજેકટ ચેરમેન મયુરભાઈ શાહ મો.૯૩૭૪૧ ૦૦૦૭૫, મો.૯૪૨૮૨ ૦૦૦૭૫નો સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.

(3:44 pm IST)