Gujarati News

Gujarati News

News of Thursday, 12th January 2023

રવિવારે બાલભવનમાં દિવ્યાંગ મહા પતંગ મહોત્સવ

જે ભગવાન ચેરીટેબલ ટ્રસ્ટ અને શ્રી યુનિક વિકલાંગ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા :૧ હજાર દિવ્યાંગો ભાગ લેશે, થેલેસેમીયા પીડીત બાળકો પણ જોડાશેઃ ભવ્ય આયોજન

રાજકોટઃ શ્રી યુનિક વિકલાંગ ચેરીટેબલ ટ્રસ્ટ ૧૬ વર્ષથી પ્રજ્ઞાચક્ષુ, મુક-બધિર અને શારીરિક તથા માનસિક ક્ષતિ જેવા વિભન્ન પ્રકારના દિવ્યાંગો માટે કાર્યરત છે અને ગુજરાત સરકાર દ્વારા દિવ્યાંગો માટેના ખેલમહાકુંભમાં રાજકોટ અને મોરબી જીલ્લાના સંયોજક તરીકે કાર્ય કરે છે તેમજ દીવ્યાંગો માટે રમત ગમત ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય કક્ષાના દ્વાર ખોલતા 'પેરાલીમ્પીકસ'ના ભાગરૃપે રાજકોટ અને મોરબી જીલ્લાના પેરાલિમ્પિક કમીટી તરીકે કાર્ય કરતું હોવાનું યાદીમાં જણાવાયું છે.

દિવ્યાંગો માટેની સેવાકીય પ્રવૃતિઓ અંતર્ગત તા.૧૫ રવિવારે બાલભવન ખાતે જે ભગવાન ચેરીટેબલ ટ્રસ્ટ (યુનિટેક પરિવાર) સાથે સંયુકત ઉપક્રમે 'દિવ્યાંગ મહા પતંગમહોત્સવ'નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શારીરીક ક્ષતિગ્રસ્ત, માનસીક ક્ષતિગ્રસ્ત, સેરેબલ પાલ્સી, મુક, બધીર સહિતની કેટેગરીના અંદાજે ૧ હજાર દિવ્યાંગો ભાગ  લેશે. જેમાં  શ્રી યુનિક વિકલાંગ ચેરિટેબલ ટ્રસ્ટ, વિરાણી બહેરા મુંગા શાળા સ્નેહ નિર્ઝર સંસ્થા, એકરંગ સંસ્થા, પ્રયાસ સંસ્થા, રામકૃષ્ણ આશ્રમ, સિતારા ટ્રસ્ટ, અંધજન કલ્યાણ મંડળ, જય ગુરૃદેવ ટ્રસ્ટ, સર્વ શિક્ષા અભીયાન, સમાજ સુરક્ષા હેઠળ આવેલ માનસીક ક્ષતિગ્રસ્ત ભાઈઓ અને બહેનોનું ગ્રુપ સહીતની સંસ્થાઓના દિવ્યાંગો ભાગ લેશે.

આ દિવ્યાંગ પતંગ મહોત્સવ દરમિયાન ભાગ લેનાર તમામ દિવ્યાંગ ભાઈ- બહેનોને સવારે ચા- નાસ્તો, પતંગો અને ફીરકી અને બપોરનું ભોજન આપવામાં આવશે. ઉપરાંત આ કાર્યક્રમમાં દિવ્યાંગો માટે ડાન્સ અને મ્યુઝિક રાખવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં કાર્ટુન કેરેકટરો પણ દિવ્યાંગ બાળકોનું મનોરંજન કરતા જોવા મળશે.

કાર્યક્રમ અંગે માહીતી આપતા જે ભગવાન ટ્રસ્ટના શ્રી મનન ત્રિવેદીએ જણાવ્યું હતું કે દિવ્યાંગો પણ સમાજનો એક  ભાગ છે. શ્રી યુનિક વિકલાંગ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શૈલેષભાઈ પંડયા (મો.૯૨૭૭૮ ૦૭૭૭૮)એ જણાવ્યું હતુ કે આ કાર્યક્રમની વ્યવસ્થા દિવ્યાંગોની શારીરીક અને માનસિક સ્થીતી અનુસાર કરવામાં આવી છે.

તસ્વીરમાં સર્વશ્રી શૈલેષભાઈ પંડયા, મનનભાઈ ત્રિવેદી, હરેશભાઈ મુંગરા, દિનેશભાઈ ગાંગાણી, રામભાઈ બાંભવા, મનોજભાઈ રાઠોડ, કમલેશભાઈ ટોપીયા અને દિલીપભાઈ નાગલા નજરે પડે છે

(4:39 pm IST)