Gujarati News

Gujarati News

News of Saturday, 12th June 2021

અવૈજ્ઞાનિક વર્ષા પરિસંવાદ અને આગહીઓ સામે વિજ્ઞાન જાથાની ચેતવણી : આગામી સપ્તાહે આગાહીઓની હોળી

રાજકોટ તા. ૧૨ : જુનાગઢમાં વર્ષા વિજ્ઞાન મંડળે ગુગલ મીટના માધ્યમથી વરસાદ પરિસંવાદનું ઓનલાઇન આયોજન કરતા ૨૦ જેટલા આગાહીકારો જોડાયા હતા અને ૪૦ જેટલી આગાહીઓ કરવામાં આવી હતી. જેમાની આઠથી દસ આની સરેરાશ વરસાદ, મધ્યમ વરસાદા વગેરે જાહેરાતો હતી. આ સામે ભારત જન વિજ્ઞાન જાથાની રાજય કચેરીએ મંડળને આધારા પુરાવા જાહેર કરવા પડકાર ફેંકયો છે.

જાથાએ એક યાદીમાં જણાવ્યુ છે કે છેલ્લા ૨૦ વર્ષથી આવા વરતારા સંપૂર્ણ ખોટા પડતા આવ્યા છે. આવી આગાહીઓ બંધ કરવા જાથાએ ચેતવણી ઉચ્ચારી આગામી સપ્તાહમાં પસંદગી મથકો પર આગાહીઓની હોળી કરવા કાર્યક્રમ બનાવ્યો છે.

વર્ષા પરિસંવાદમાં વરતારાના અવલોકનમાં વાવણીલાયક વરસાદ જુનના ચોથા અઠવાડીયામાં થાય તેવું અનુમાન, જુલાઇના ત્રીજા ચોથા અઠવાડીયામાં અતિવૃષ્ટી થવાની શકયતા, ૧૬ ઓગષ્ટ બાદ વરસદા ખેંચાય તેવા સંજોગો... વગેરે આગાહીઓ થઇ તેમાં શકયતા, અનુમાન, સંજોગો રજુ થયા છે. કોઇ વૈજ્ઞાનિક તર્કબધ્ધતા સ્પષ્ટ જણાવાઇ નથી. આગાહીકારો માત્ર પોતાની પ્રસિધ્ધી માટે આવા વરતારા કરતા હોય તેવું જણાઇ આવતુ હોવાનું જાથાના રાજયના ચેરમેન એડવોકેટ જયંત પંડયાએ જણાવ્યુ છે.

તેઓએ જણાવ્યુ છે કે આપનું હવામાન ખાતુ જે આગાહી કરે છે તે મુળ લોક અને વિજ્ઞાનીઓએ કરેલા અનુભવ અને નિરીક્ષણમાંથી થાય છે. કદાચ હવામાન શાસ્ત્રની આગાહી ખોટી પડે તો તેના કારણો પણ વૈજ્ઞાનિક રીતે આપવામાં આવે છે. લોકો દ્રશ્ય શ્રાવ્ય સાધનો દ્વારા જોઇ શકે અનુભવી શકે છે.

જયારે વરતારા અને ભડલી વાકયોના અધારે થતી વરસાદની આગાહીઓ વ્યર્થ છે. જે બંધ થવી જોઇએ. આ સામે વિજ્ઞાન જાથાએ પડકાર ફેંકયો છે. આવા વરતારાના પરિસંવાદોમાં દર વર્ષે કોના વરતારા ખોટા પડયા તેનું કોઇ વિશ્લેષણ કરતુ નથી. વિજ્ઞાન જાથાનું મુખ્ય કાર્ય લોકોને સાચી સમજ આપવાનું, વ્હેમ, અંધ શ્રધ્ધા અને તેના પરિણામે ઉપસતા શારીરીક, માનસિક, આર્થિક નુકશાનીમાંથી લોકોને બચાવવા માટે માર્ગદર્શન પુરૂ પાડવાનું છે.  આગાહીકારો માત્ર અવૈજ્ઞાનિક સાધનો, સ્ફુરણા આધારીત ગપગોળા સિવાય કશુ જ નથી. આવા વરતારા બંધ કરવા જાથાએ ફરી એક વખત ચેતવણી ઉચ્ચારી છે. આગામી સપ્તાહમાં વરતારની હોળી પણ કરશે. જાથાની વિચારધારા સાથે સંમત લોકોએ મો.૯૮૨૫૨ ૧૬૬૮૯ ઉપર સંપર્ક સાધવા જણાવાયુ છે.

(3:00 pm IST)