Gujarati News

Gujarati News

News of Monday, 12th October 2020

કોચિંગ કલાસને ખોલવાની મંજૂરી આપવા માંગ કાળી પટ્ટી બાંધીને સંચાલકોનું વિરોધ પ્રદર્શનઃ અટકાયત-મુકિત

હવે સમજો તો સારૂ..બધું ચાલે, બસ ટ્યૂશન કલાસિસ ન ચાલે!...આ લોકોના પરિવારજનોનો શું વાંક-ગુનો?

 

રાજકોટઃ શહેરમાં ટ્યુશન કલાસિસ અને કોચિંગ કલાસિસના સંચાલકોએ વિરોધ કર્યો હતો. રાજકોટ રેસકોર્સ મેદાન ખાતે એકઠા થઈ સંચાલકોએ વિરોધ દર્શાવ્યો હતો. હાથમાં કાળી પટ્ટી ધારણ કરી પોતાની સમસ્યા જણાવી હતી. તેમજ અલગ-અલગ સુત્રો સાથેના બેનરો રાખીને કોચિંગ કલાસીસ ચાલુ કરવા દેવા યોગ્ય નિર્ણય લેવામાં આવે તેવી માંગણી કરી હતી. પોલીસને જાણ થતાં  વિરોધ કરનારા તમામની અટકાયત કરી પોલીસ હેડકવાર્ટર ખાતે લઇ જવામાં આવ્યા હતાં. બાદમાં ત્યાંથી તમામને મુકત કરાયા હતાં.

ટ્યુશન-કોચિંગ કલાસના સંચાલકો સફેદ વસ્ત્રો ધારણ કરીને પહોંચ્યા હતાં અને  વિરોધ નોંધાવ્યો હતો. તેમજ કહ્યું હતું કે, ટ્યૂશન કલાસિસ સાથે સંકળાયેલાઓના પરિવારનો શું વાંક-શું ગુનો? વિરોધના પગલે પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને રેલી સ્વરૂપે આ લોકો આગળ વધે એ પહેલા પોલીસે તમામની અટકાયત કરી હતી.  રેસકોર્સ મેદાન ખાતે આવેલા ટ્યૂશન સંચાલકોના હાથમાં અલગ અલગ લખાણના બેનરો જોવા મળ્યા હતા. જેમાં લખવામાં આવ્યું હતું કે, સાહેબ આ તે કેવું શાસન તમારૂ?...પરિવાર તો અમારો પણ છે, આર્થિક સહાયની લ્હાણી કેમ અમારા સુધી પહોંચી જ નહીં? હવે સમજો તો સારૂ...બધું ચાલે બસ ટ્યૂશન કલાસિસ ન ચાલે?!... કોચિંગ ઈન્સ્ટિટ્યુટ સાથે જોડાયેલા લોકોના પરિવારનો શું વાંક?, અમે તો આત્મનિર્ભર જ હતા, અમને આત્મનિર્ભર રહેવા દો... સહિતના લખાણો સાથેના બેનર જોવા મળ્યાં હતા.

(1:01 pm IST)