Gujarati News

Gujarati News

News of Monday, 12th October 2020

રાજકોટ ડેરીના ચેરમેન તરીકે ગોરધનભાઇ ધામેલિયા

સૌરાષ્ટ્રના સૌથી મોટા સહકારી દૂધ સંઘમાં બે દાયકા બાદ નેતૃત્વ પરિવર્તન : રાણપરિયા રાજનો અંત

ડેરીમાં નવુ નેતૃત્વ : રાજકોટ જિલ્લા ડેરીના ચેરમેન તરીકે બિનહરીફ ચૂંટાયેલા ગોરધનભાઇ ધામેલિયાને કેબીનેટ મંત્રી જયેશ રાદડિયા, ગોવિંદભાઇ રાણપરિયા, ડી.કે.સખિયા, અરવિંદ રૈયાણી, લાખાભાઇ સાગઠિયા, નીતિન ઢાંકેચા, ખીમજીભાઇ મકવાણા વગેરેએ અભિનંદન પાઠવેલ તે પ્રસંગની તસ્વીર. (તસ્વીર : સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૧૨ : સૌરાષ્ટ્રમાં સહકારી ક્ષેત્રે સૌથી મોટી ડેરી તરીકે નામના ધરાવતા રાજકોટ જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘમાં બે દાયકા બાદ નેતૃત્વ પરિવર્તન થયું છે. ડેરીના તમામ ૧૫ સભ્યો બિનહરીફ ચૂંટાયા બાદ આજે ચેરમેનની ચૂંટણી પણ બિનહરીફ થઇ રહી છે. જિલ્લા બેંકના ચેરમેન જયેશ રાદડિયાની મધ્યસ્થીથી સર્વાનુમતી થઇ છે. ગઇકાલે કંડોરણામાં યોજાયેલ સભ્યોની બેઠકમાં વ્યૂહરચનાના ભાગરૂપે વર્તમાન ચેરમેન ગોવિંદભાઇ રાણપરિયાએ જ ગોરધનભાઇ ધામેલિયાને ચેરમેન બનાવવા પ્રસ્તાવ મુકતા તેને સૌ સભ્યોએ સ્વીકાર્યો હતો. ૧૧ વાગ્યે વિધિવત ચૂંટણી યોજાયેલ છે.

રાજકોટ ડેરીમાં છેલ્લા ૨૦ વર્ષથી ગોવિંદભાઇ રાણપરિયા ચેરમેન છે. આ વખતે ડેરીમાં ગોરધનભાઇ ચૂંટણી લડયા ત્યારથી જ સંભવિત નવા ચેરમેન તરીકે તેમનું નામ ચર્ચામાં આવ્યું હતું. ગોવિંદભાઇ સામે છેલ્લા થોડા દિવસોમાં ગેરવહિવટના આક્ષેપો પણ થયા છે. જયેશ રાદડિયાએ ઉમેદવારોની પસંદગીમાં સુલેહસંપ કરાયેલ તેનું પુનરાવર્તન ડેરીના સુકાનીની પસંદગીમાં કર્યું છે. આજથી ડેરીનું સુકાન ગોવિંદભાઇના બદલે ગોરધનભાઇ સંભાળી રહ્યા છે. તેમને શુભેચ્છા આપવા ડેરી પર સહકારી અને રાજકીય કાર્યકરો ઉમટી પડયા હતા.

(3:38 pm IST)