Gujarati News

Gujarati News

News of Monday, 12th October 2020

એક જ રાતમાં પોલીસે ૧૬.૮૦ લાખના દારૂ સાથે ૮ને પકડ્યાઃ નવતર નુસ્ખો-સિમેન્ટ-કોંક્રિટના મિકસચરમાંથી ૧૪.૨૮ લાખનો દારૂ મળ્યો

ડીજીપી આશિષ ભાટીયાની રાજકોટ મુલાકાત બાદ બૂટલેગરો પર તૂટી પડતી પોલીસઃ ૯ દરોડા : ક્રાઇમ બ્રાંચની ટીમે કાળીપાટ પાસે રાજસ્થાની શખ્સને દબોચી કુલ ૨૪,૩૧,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યોઃ ક્રાઇમ બ્રાંચ, પ્ર.નગર, ભકિતનગર, આજીડેમ, બી-ડિવીઝન પોલીસના પણ દરોડા

કાળીપાટ પાસે લાખનો દારૂ ભરેલુ સિમેન્ટ કોંક્રિટ મિકસ કરવાના મિકસચર સાથે પીએસઆઇ યુ. બી. જોગરાણા અને ટીમ, કબ્જે થયેલો દારૂનો જથ્થો અને કઇ રીતે પેટીઓ મિકસચર અંદર છુપાવી હતી તે જોઇ શકાય છે.

રાજકોટ તા. ૧૨: રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ કરાવવા અને દારૂના ધંધા સદંતર બંધ કરાવવા ડીજીપી શ્રી આશિષ ભાટીયાએ આપેલી સુચના અંતર્ગત પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા અને ડીસીપી મનોહરસિંહ જાડેજાએ પોલીસ સ્ટેશન તથા બ્રાન્ચોના ઇન્ચાર્જને આપેલી સુચના અંતર્ગત દરોડોનો દોર શરૂ થયો હતો. જેમાં ક્રાઇમ બ્રાંચ, પ્ર.નગર, ભકિતનગર, બી-ડિવીઝન, આજીડેમ અને ગાંધીગ્રામ પોલીસે કુલ ૯ દરોડા પાડી રૂ.૧૬,૭૯,૪૮૦નો વિદેશી દારૂ જપ્ત કરી ૮ને પકડી લીધા હતાં. જ્યારે ત્રણના નામ ખુલ્યા હતાં અને બે ભાગી ગયા હતાં.

કાળીપાટના પાટીયે દરોડોઃ રાજસ્થાની શખ્સ મોટા જથ્થા સાથે પકડાયો

જયંતિભાઇ ગોહિલ, અભિજીતસિંહ જાડેજા, ઇન્દ્રજીતસિંહ ગોહિલ અને અશોક ડાંગરની બાતમી

ક્રાઇમ બ્રાંચની ટીમે ભાવનગર હાઇવે પર કાળીપાટના પાટીયા પાસે મા આશાપુરા હોટેલ સામેના ભાગે હેડકોન્સ. જયંતિભાઇ ગોહિલ, અભિજીતસિંહ જાડેજા, કોન્સ. ઇન્દ્રજીતસિંહ ગોહિલ અને અશોકભાઇ ડાંગરની બાતમી પરથી પીએસઆઇ યુ. બી. જોગરાણા અને ટીમે વોચ રાખી રૂ. ૧૪,૨૮,૦૦૦નો દારૂનો જથ્થો ભરેલુ સિમેન્ટ કોંક્રિટ મિકસ કરવા માટેનું મિકસચર પકડી લઇરાજસ્થાની શખ્સને દબોચ્યો હતો.

પોલીસે રોયલ ચેલેનજ વ્હીસ્કીની ૭૫ પેટીઓ (૯૦૦ બોટલ) રૂ. ૪,૬૮,૦૦૦ની, મેકડોવેલ્સ નંબર ૧ બ્રાન્ડની ૨૦૦ પેટીઓ (૨૪૦૦ બોટલ) રૂ. ૯,૬૦,૦૦૦ની મળી કુલ ૨૭૫ પેટીઓ રૂ. ૧૪,૨૮,૦૦૦ની, એએમડબલ્યુ કંપીનીનું સિમેન્ટ કોંક્રિટ મિકસચર ટેન્કર જીજે૦૯એએફ-૦૨૬૦ રૂ. ૧૦ લાખનું, ત્રણ મોબાઇલ ફોન મળી કુલ રૂ. ૨૪,૩૧,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

આ વાહનના ચાલક બલવંતસિંઘ સોનારામજી શાહુ (બિસ્નોઇ) (ઉ.વ.૪૫-રહે. સિવાડા, રજાવતકા ગોલીયા એરિયા, થાના શિતલાવાના તા. સાંચોર જી. જાલોર-રાજસ્થાન)ની ધરપકડ કરી તે કોની પાસેથી આ જથ્થો લાવ્યો અને કોને આપવાનો હતો? તેની તપાસ હાથ ધરી છે.

બુટલેગરે પોલીસની નજરથી બચવા સિમેન્ટ કોંક્રિટના મિકસચરની અંદર દારૂની પેટીઓ છુપાવી હતી. પરંતુ પોલીસથી બચી શકયો નહોતો. એસીપી ક્રાઇમ ડી. વી. બસીયા, પીઆઇ વી. કે. ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ યુ. બી. જોગરાણા, એએસઆઇ બી.આર. ગઢવી, સી.એમ. ચાવડા, હેડકોન્સ. સંતોષભાઇ મોરી, જયંતિભાઇ ગોહિલ, અભિજીતસિંહ જાડેજા, કોન્સ. અશોકભાઇ ડાંગર, ઇન્દ્રજીતસિંહ ગોહિલ, કરણભાઇ મારૂ સહિતે આ કામગીરી કરી હતી.

ક્રાઇમ બ્રાંચનો મોટી ટાંકી ચોકમાં દરોડોઃ રિક્ષા સાથે એક પકડાયોઃ ત્રણના નામ ખુલ્યા

ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ પી. બી. જેબલીયા અને ટીમના અંશુમનભા ગઢવી, વિક્રમભાઇ ગમારા, પ્રતાપસિંહ મોયા, ક્રિપાલસિંહ, દેવાભાઇ, જીજ્ઞેશભાઇ સહિતની ટીમે મોડી રાતે મોટી ટાંકી ચોક રજકણ બિલ્ડીંગ નજીક વોચ રાખી જીજે૦૩બીએકસ-૦૧૩૬ નંબરની સીએનજી રિક્ષામાં રૂ. ૬૯૫૬૦નો ૧૬૭ બોટલ દારૂ ભરી નીકળેલા તૈયબ ઉર્ફ તૈબો સુલેમાનભાઇ જુણાચ (ઉ.૩૦-રહે. સદર બજાર જુમા મસ્જીદ પાસેના પટમાં, મુળ હુડકો કવાર્ટર નં. ૧૭, જામનગર રોડ સાંઢીયા પુલ પાસે)ને પકડી લીધો હતો. તેની પુછતાછમાં બીજા ત્રણ ધવલ ઉર્ફ શીવ બકુલભાઇ વડનગરા (રહે. કિર્તીધામ સોસાયટી-૧, ભવાની ચોક જંગલેશ્વર), મુસ્તાક ઉર્ફ મુસો અહેદમભાઇ જુણાચ ભકિતનગર પોલીસે (રહે. જંગલેશ્વર-૧૧) તથા મોઇનબીન ઇમ્તિયાઝબીન કશીરી (રહે. જંગલેશ્વર)ના નામ ખુલતાં તેની શોધખોળથઇ રહી છે. કુલ રૂ. ૧,૦૭,૫૬૦નો મુદ્દામાલ કબ્જે કરાયો હતો.

ક્રાઇમ બ્રાંચનો ત્રીજો દરોડો નંદનવન પાર્કના પટમાં

ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ એચ. બી. ધાંધલ્યા, હેડકોન્સ. સિધ્ધરાજસિંહ જાડેજા, રઘુવીરસિંહ વાળા, રાજેશભાઇ બાળા, સુભાષભાઇ ઘોઘારી, પ્રદિપસિંહ જાડેજા, શકિતસિંહ ગોહિલ સહિતની ટીમે ગોંડલ રોડ પુનિતનગર પાછળ નંદનવન પાર્ક-૩ના ખુલ્લા પ્લોટમાં દરોડો પાડી રૂ. ૨૭ હજારનો દારૂ ભરેલી ફ્રન્ટી કાર જીજે૦૫પીપી-૫૭૨૩ પકડી લઇ કુલ રૂ. ૧,૨૭,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે દરોડો પાડતાં બે શખ્સો ભાગી ગયા હતાં. જેના નામ પુષ્પરાજસિંહ મહાવીરસિંહ જાડેજા (રહે. નંદનવન પાર્ક-૩) તથા જયદ્રથસિંહ મહાવીરસિંહ જાડેજા (રહે. નંદનવન-૩) હોવાનું ખુલતાં બંનેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

પ્ર.નગર પોલીસે મોટી ટાંકી પાસે ૭૬ હજારનો દારૂ પકડ્યોઃ જે આરોપી ભાગ્યો એને ડીસીબીએ પકડ્યો

પ્ર.નગર પીઆઇ એલ. એલ. ચાવડા, પીએસઆઇ કે. ડી. પટેલ તથા ડી. સ્ટાફની ટીમના હેડકોન્સ. દેવશીભાઇ ખાંભલા, વિજયરાજસિંહ જાડેજા, કોન્સ. અશોક હુંબલ, અક્ષય ડાંગર સહિતના પેટ્રોલીંગમાં હતાં ત્યારે દેવશીભાઇને બાતમી મળી હતી કે સદર બજાર વેદાંત હોસ્પિટલની પાછળ કચરા પેટીવાળી ગલીમાં તૈયબ જૂણાચ દારૂનો જથ્થો લઇને ઉભો છે. જેથી દરોડો પાડતાં તે મળ્યો નહોતો. દારૂની ૧૯૨ બોટલ રૂ. ૭૬૮૦૦ની મળી આવતાં કબ્જે કરી તેની શોધખોળ હાથ ધરી હતી.

દરમિયાન રાત્રીના સવા વાગ્યે તૈયબ ઉર્ફ તૈબાને ડીસીબીની ટીમે રિક્ષામાં બીજી ૮૪ બોટલો સાથે પકડી લીધો હતો. એક જથ્થો ઝડપાઇ ગયો છતાં આ શખ્સ બિન્દાસ્ત બીજો દારૂ ભરી રિક્ષામાં મોડી રાતે મોટી ટાંકી પાસે નીકળ્યો હતો અને પકડાયો હતો. બીજા ત્રણ નામ પણ ખુલ્યા હતાં.

ભકિતનગર પોલીસે કેવડાવાડીના ગોૈરવને ૬૬ હજારના દારૂ સાથે પકડ્યો

ભકિતનગર પીઆઇ જે. ડી. ઝાલા, પીએસઆઇ જે. બી. પટેલ અને ટીમે પેટ્રોલીંગ દરમિયાન બાપુનગર શેરી નં. ૨માં દારૂનું કટીંગ થાય એ પહેલા કોન્સ. ભાવેશભાઇ મકવાણા તથા દિવ્યરાજસિંહ ઝાલાની બાતમી પરથી દરોડો પાડી કેવડાવાડી-૨૨ના ગોૈરવ ઉર્ફ ગવો યોગેશભાઇ ચુડાસમા (ઉ.૨૦)ને રૂ. ૬૬ હજારના દારૂ સાથે પકડી લઇ જીજે૦૩એચએન-૯૨૧૧ નંબરનું બાઇક પણ કબ્જે લીધું હતું. ડીસીપી પ્રવિણકુમાર મીણા, એસીપી એચ. એલ. રાઠોડની રાહબરીમાં પીઆઇ ઝાલા, પીએસઆઇ પટેલ સાથે એએસઆઇ ફિરોઝભાઇ શેખ, હેડકોન્સ. સલિમભાઇ મકરાણી, મનરૂપગીરી ગોસ્વામી, રણજીતસિંહ પઢારીયા, હિરેનભાઇ પરમાર, રણજીતસિંહ જાડેજા, મૈસુરભાઇ, વાલજીભાઇ, ભાવેશભાઇ, મનિષભાઇ, દિવ્યરાજસિંહ, રાજેશભાઇ સહિતે આ કામગીરી કરી હતી.

આજીડેમ પોલીસે ૨૪ બોટલ સાથે નરેનને પકડ્યો

આજીડેમ પીઆઇ વી. જે. ચાવડા અને પીએસઆઇ એમ.એમ. ઝાલા તથા ડી. સ્ટાફની ટીમે યુવરાજનગર-૨માં રહેતાં નરેન ઉર્ફ નરેન્દ્ર દિલુભાઇ સોલંકી (ઉ.૩૦)ને તેના મકાનની પાછળની દિવાલ પાસેથી રૂ.૧૦૮૦૦ના ૨૪ બોટલ સાથે પકડી લીધો હતો.

બી-ડિવીઝન પોલીસે હાજીને ત્રણ બોટલ સાથે પકડયો

બી-ડિવીઝન પીઆઇ એમ. બી. ઓૈસુરાની રાહબરીમાં એએસઆઇ કે. યુ. વાળા અને ટીમે ભગવતીપરા ભારત પાન પાસેથી ખોડિયારપરા-૧ પારેવડી ચોકના હાજી સલિમભાઇ વરોધ (ઉ.૨૭)ને એકસેસમાં રૂ. ૧૪૭૦ના ત્રણ બોટલ દારૂ સાથે પકડી લીધો હતો.

ગાંધીગ્રામ પોલીસે બે બોટલ સાથે આયુષને પકડ્યો

જ્યારે ગાંધીગ્રામ પીઆઇ કે. એ. વાળા, પીએસઆઇ પટેલ અને ડી. સ્ટાફના ખોડુભા, ધારાભાઇ સહિતની ટીમે શિતલ પાર્ક મેલડી માતાજીના મંદિર પાસેના રોડ પરથી લાખના બંગલા પાછળ સત્યનારાયણ નગર-૧માં રહેતાં આયુષ ગિરીશભાઇ વાઘેલા (ઉ.૩૪)ને રૂ. ૮૦૦ના બે બોટલ દારૂ સાથે પકડ્યો હતો.

(3:05 pm IST)