Gujarati News

Gujarati News

News of Monday, 12th October 2020

કાલે રા.લો. સંઘમાં બળાબળના પારખાઃ નવેસરથી સમાધાનના પ્રયાસો

બેય જુથને 'હેતપૂર્વક' ભેગા બેસાડવાના બદલે 'હેતુપૂર્વક' સામસામા રાખવાનું માઠુ પરિણામ : અરવિંદ રૈયાણી કહે છે અમારી પાસે પૂરતા સભ્યો છે, પાર્ટીનો નિર્ણય શિરોમાન્યઃ ઢાંકેચા કહે છે અમારી બહુમતી છે, જીત નક્કી : સમાધાન માટે એક જુથને ચેરમેનપદ, બીજા જુથને ચેરમેન પદ અથવા બન્ને જુથને અઢી-અઢી વર્ષ સત્તા આપવાની ચર્ચાઃ પહેલા અઢી વર્ષ માટે ખેંચતાણઃ મતદાનમાં બેયને સરખા મત મળે તો ચીઠ્ઠી ખેંચીને વિજેતા નક્કી કરાશે

રાજકોટ તા. ૧ર :.. સહકારી ક્ષેત્રે 'આકર્ષક' ગણાતા રાજકોટ લોધિકા સહકારી સંઘના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી આવતીકાલે સવારે ૧૦.૩૦ વાગ્યે ચૂંટણી અધિકારી ચરણસિંહ ગોહીલની હાજરીમાં યોજાનાર છે. ભાજપના જિલ્લા ઉપપ્રમુખ સંઘના વર્તમાન ચેરમેન નીતિન ઢાંકેચા અને ભાજપના ધારાસભ્ય અરવિંદ રૈયાણીના જૂથ વચ્ચે બળાબળના પારખા થશે. આજે સવારની સ્થિતિને બન્ને જૂથ વચ્ચે દેખીતી રીતે દસ-દસ સભ્યો છે છતાં સહકારી રાજકારણમાં ગમે ત્યારે ગમેતે કારણથી હૃદય 'પરિવર્તન' થઇ જતુ હોવાથી સમીકરણ બદલવાનો વિકલ્પ છેલ્લી ઘડી સુધી ખૂલ્લો રહે છે. મતદાનમાં બન્ને તરફી સરખા મત પડે તો ચીઠ્ઠી ખેંચીને વિજેતા નકકી કરવાની જોગવાઇ છે. સંઘર્ષના દાંડિયાની રમઝટ વચ્ચે ગમે ત્યારે સમાધાનની સૂરાવલી વહેવાની શકયતા નકરાતી નથી.

રા. લો. સંઘની ચૂંટણીમાં આજની સ્થિતિ મુજબ ૧૬ ચૂંટાયેલા, ૩ સરકાર નિયુકત અને ૧બેંકના પ્રતિનિધી સહિત તમામ ર૦ સભ્યો મતાધિકાર ધરાવે છે. ચેરમેનપદ માટે નીતિન ઢાંકેચા અને અરવિંદ રૈયાણી વચ્ચે ખરાખરીનો ખેલ છે. વાઇસ ચેરમેન પદ માટે નરેન્દ્રસિંહ જાડેજા અને મનસુખ સરધારાના નામ ચર્ચામાં છે. બન્ને જૂથોએ પોતાના સભ્યોને 'સાચવી' રાખ્યા છે. એક સભ્યએ બન્ને તરફી 'ગોળગોળ' વલણ રાખતા તેને પોતાના તરફ ખેંચવા બન્ને જૂથના આગેવાનોએ ગઇકાલે ગોંડલ અને જામકંડોરણા સુધી દોડધામ કરવી પડી હતી.  આખરે ચૂંટણી વખતે જેની સાથે હતા તે જૂથ પોતાની તરફે રાખવામાં સફળ થયું છે. કાલે મતદાન થાય તો છેવટે કોની સાથે રહે છે ? તે નિર્ણાયક બનશે. બેય જૂથ એક - એક મત માટે તમામ તાકાત કામે લગાવી રહ્યુ છે.

જે તે વખતે બન્ને જૂથ વચ્ચે સમાધાન કરાવવા જયેશ રાદડિયા, ડી. કે.સખિયા, રમેશ રૂપાપરા અને લાલજીભાઇ સાવલિયાની સમાધાન સમિતિ બની હતી. સમિતિએ સર્વાનુમતે ઉમેદવારો નકકી કરાવ્યા બાદ ઉમેદવારીના દિવસે જ સમાધાનનો માચડો હચમચી ગયો હતો. ત્યાર પછી રાજકીય અને કાનૂની દાવપેચનો દોર ચાલ્યો હતો.  સમાધાન સમિતિની 'તટસ્થતા' સામે પણ પ્રશ્નો ઉઠવા લાગ્યા હતાં. આખરે સત્તા કોના હાથમાં ? તે નકકી કરવાનો દિવસ આવી પહોંચ્યો છે. આજની તારીખે અરવિંદ રૈયાણી કહે છે અમારી પાસે પૂરતા સભ્યો છે. પણ નિર્ણય પાર્ટીના આગેવાનો પર છોડયો છે. નીતિન ઢાંકેચા કહે છે અમારી પાસે બહુમતી છે. કાલે અમારી જીત નકકી છે. રૈયાણી જૂથ  આશાવાદી છે, ઢાંકેચા જૂથમાં પ્રચંડ ઉત્સાહ દેખાય છે.

તાલુકા-જિલ્લા પંચાયતોની ચૂંટણી નજીક આવી રહી છે તે જ વખતે ભાજપના બે જૂથોની લડાઇથી સરકાર અને સંગઠનની આબરૂ દાવ પર લાગી છે. સમાધાન શકયતાને આકાર આપવા નવેસરથી પ્રયાસ કરી રહેલા આગેવાનો એક જૂથને ચેરમેન પદ અને બીજા જૂથને વાઇસ ચેરમેન પદ અથવા બન્ને જુથને વાઇસ ચેરમેન પદ અથવા બન્ને જૂથને અઢી-અઢી વર્ષ સત્તા જેવા 'ઇલાજ' સૂચવી રહ્યા છે. જુથવાદનું 'દર્દ' વધુ  વકરી ગયુ હોવાથી આવા 'ઇલાજ' કેટલા કારગત નિવડે છે તે તો સમય જ બતાવશે. કાલે ચૂંટણીના સમય સુધીમાં કોઇપણ રાજકીય, વહીવટી કે કાનૂની નવો ફણગો ફુટવાની સંભાવના નષ્ટ થઇ નથી.

(3:06 pm IST)