Gujarati News

Gujarati News

News of Monday, 12th October 2020

બત્તી ગુલ... મીટર ચાલુ...

વીજ કંપનીના ખાનગીકરણ સામે છ યુનિયનોએ બાંયો ચડાવી

ખાનગી કંપની પ્રતિ યુનિટના ૧૦ રૂપિયા સુધીનો ચાર્જ વસુલશે : કર્મચારી સાથે ગ્રાહકોને પણ નુકસાની : ગરીબોની સબસીડીને અસર પડશે

રાજકોટ તા. ૧૨ : સરકારની વિજ કંપનીઓનું ખાનગીકરણ કરવા હીલચાલ શરૂ થઇ છે ત્યારે વીજ ક્ષેત્રના ૬ યુનિયનો દ્વારા એકી સાથે આ ખાનગીકરણ સામે વિરોધ દર્શાવ્યો છે. કેમકે ખાનગી કંપનીથી કર્મચારીઓ સાથે ગ્રાહકોને પણ અસર પડશે અને 'બતી ગુલ મીટર ચાલુ' જેવી સ્થિતિ સર્જાવાની ભીતી છે.

 

આ અંગેની વિગતો મુજબ કેન્દ્ર સરકાર દ્વારા કેન્દ્ર અને રાજ્યો હેઠળ કાર્યરત વીજ વિતરણ કંપનીઓનું ખાનગીકર કરવાની નીતિઓનો વિરોધ કરવા અને કર્મચારીઓના ભવિષ્ય અને હિતોના રક્ષણ માટે રાજ્યની પ્રજાને પડનારી મુશ્કેલીને લઇ જીયુવિએનએલ તથા સંલગ્ન કંપનીઓમાં કાર્યરત કર્મચારી યુનિયનો દ્વારા ગુજરાત ઉર્જા સંયુકત સંકલન સમિતિના નેજા હેઠળ લડત આપવાનો બેઠકમાં સર્વાનુમતે ઠરાવ કરાયો છે.

ગુજરાતમાં વીજ કર્મચારીઓના સંગઠનોએ અત્યારથી સરકાર સામે લડત આપવાની શરૂઆત કરી છે. ખાનગીકરણથી વીજ કંપનીઓ, કર્મચારીઓની સાથે ગ્રાહકોને નુકસાન થવાની શકયતા છે. ખાનગી કંપનીઓ નફો કરવા માટે વીજ કંપનીઓનું સંચાલન કરશે અને તેના કારણે વીજળીનો ભાવ પ્રતિ યુનિટ ૬ રૂપિયા તે વધીને ૧૦ રૂપિયા થઇ શકે છે. ઉપરાંત ગ્રાહકો પાસે વીજ કંપનીઓ અલગ અલગ પ્રકારની સર્વિસ માટે પણ બમણા અને ત્રણ ઘણા ચાર્જ વસૂલ કરે તેવી શકયતા છે. ખેડૂતોને મળતી જુદી જુદી સબસીડીઓ પર પણ માઠી અસર થશે અને પછાત વિસ્તારમાં મળતી વિજળી પર નકારાત્મક અસરો પેદા થશે જેની સીધી અસર રાજ્યના વિકાસમાં થશે તેમ અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘના જનરલ સેક્રેટરી બળદેવભાઇ પટેલે જણાવ્યું હતું.(૨૧.૧૮)

છ સંગઠનોએ લડત આપવા  ગુજરાત ઉર્જા સંયુકત સંકલન સમિતિ રચી

રાજકોટ : ખાનગીકરણ સામે લડત આપવા આ છ યુનિયનોએ હાથ મિલાવ્યા.

(૧) અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ

(ર) જીઇબી એન્જીનિયર એસોસીએશન

(૩) શ્રી વિદ્યુત કર્મચારી મહામંડળ

(૪) જીઇબી ટેકનીકલ કર્મચારી મંડળ

(૫) ગુજરાત વિદ્યુત કર્મચારી ઉત્કર્ષ મંડળ

(૬) જીઇબી સુપરવાઇઝર સ્ટાફ એસોસીએશન

(1:03 pm IST)