Gujarati News

Gujarati News

News of Monday, 12th October 2020

ડીસીબીના કોન્સ્ટેબલ બે કલાક સુધી બુટલેગરની બોલેરોના ઠાઠામાં જીવના જોખમે ફંગોળાયાઃ અંતે ગાડી ઝાડમાં ભટકાઇ

આજીડેમ ચોકડી નજીક ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ વી. જે. જાડેજા અને ટીમે દારૂ ભરેલી ગાડીને આંતરતા ચાલકે પોલીસમેન સ્નેહભાઇને કચડી મારવા પ્રયાસ કર્યો ને ગાડી ભગાવીઃ સર્પાકારે ગાડી ફુલસ્પીડે ભાગતાં ઠાઠામાં રહેલા કોન્સ્ટેબલ લોખંડના પાઇપમાં આમતેમ અથડાતા રહ્યાઃ પીકઅપમાંથી દારૂ-બીયરનો જથ્થો કબ્જેઃ અમરેલી દરેડના રમેશ રાણાભાઇ ગેરૈયાના નામનું ડ્રાઇવીંગ લાયસન્સ મળ્યું: પોલીસમેન બે ગાડી વચ્ચે દબાતા બચવા ઠેંકડો મારી ઠાઠામાં ચડી ગયાઃ છતાં ચાલકે ઉભી ન રાખી અને દસેક ગામડા ફેરવ્યાઃ કોન્સ. સ્નેહભાઇ ભાદરકાને નાકમાં ફ્રેકચરઃ હત્યાની કોશિષનો ગુનોઃ કોઠારીયા ચોકડી થઇ કોઠારીયા ગામ, ખોખડદળ, લોઠડા, કોટડા સાંગાણી, રાજગઢ, ખાંડાધાર, રામોદ, સાંઢવાયા, બગદળીયા ગામથી કરમાળ પીપળીયા વાળા રોડ પર તેણે સતત આશરે ૬૦ કિ.મી. સુધી ગાડી ભગાવ્યે રાખી

રાજકોટ તા. ૧૨: ક્રાઇમ બ્રાંચની ટીમે આજીડેમ ચોકડી નજીક બાતમી આધારે પહોંચી દારૂ-બીયરનો જથ્થો ભરેલી બોલેરો પીકઅપ ગાડીને ઘેરી લેતાં તેના ચાલકે આ ગાડી રિવર્સમાં ભગાવી પાછળ ઉભેલા કોન્સ્ટેબને પોતાની ગાડી અને પોલીસની કારની વચ્ચે દબાવી દઇ મારી નાંખવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ કોન્સ્ટેબલ સમયસુચકતા વાપરી છલાંગ મારી બોલેરો પીકઅપના ઠાઠામાં ચડી જતાં અને પોતે પોલીસ છે એવી ઓળખ આપવા છતાં ચાલકે બોલેરો પીકઅપ ભગાવી મુકી હતી અને પાછળથી પોલીસમેનને પછાડી દેવા સર્પાકાર ગાડી હંકારી બે કલાક સુધી અલગ-અલગ દસ ગામડાના રોડ પર ગાડી દોડાવ્યે રાખી હતી. છેલ્લે પોલીસમેને પાછળ પડેલા લોખંડના પાનાથી આ ગાડીના ડ્રાઇવર-ખાલી સાઇડના કાચ ફોડી નાંખવા છતાં તેણે ઉભી રાખી નહોતી. બાદમાં ગોંડલ-રામોદ નજીક કરમાળ પીપળીયાના વળાંકમાં ગાડી રોડ નીચે ઉતરી જતાં અને ઝાડમાં ભટકાતાં ગાડી રેઢી મુકી ચાલક ભાગી ગયો હતો. પોલીસમેનને નાકમાં ફ્રેકચર થતાં દાખલ કરાયા હતાં. જીવના જોખમે તે બે કલાક સુધી પાછળ ઠાઠામાં રહ્યા હતાં.

આ અંગે ડીસીબી પોલીસ મથકના કોન્સ. સ્નેહભાઇ ગોપાલભાઇ ભાદરકાની ફરિયાદ પરથી બોલેરો પીકઅપ (યુટીલીટી) નં. જીજે૦૭વાયઝેડ-૨૨૩૬ના ચાલક તથા તપાસમાં ખુલે તેની સામે આઇપીસી ૩૦૭, ૩૨૫, ૩૩૭, ૪૨૭, ૧૮૬, એમવીએકટ ૧૩૪, ૧૮૪, ૧૭૭, પ્રોહીબિશન એકટની કલમો હેઠળ ગુનો નોધી ભાગી છુટેલા બુટલેગરની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

સ્નેહભાઇએ ફરિયાદમાં જણાવ્યું છે કે ૧૧મીએ રાતે ત્રણ વાગ્યે હું તથા એએસઆઇ રાજદિપસિંહ ગોહિલ, જયેશભાઇ નિમાવત, ચેતનસિંહ ચુડાસમા, હિતેન્દ્રસિંહ ઝાલા, જયદિપસિંહ જાડેજા, કોન્સ. અમીનભાઇ સહિતના પીએસઆઇ વી. જે. જાડેજા સાથે દારૂ-જૂગારના કેસ માટે હિતેન્દ્રસિંહની બ્રેઝા કાર જીજે૦૩જેઆર-૭૫૦૫ તથા એએસઆઇ જયેશભાઇના મિત્રની સ્કોડા કાર જીજે૦૩જેસી-૪૫૨૩માં પેટ્રોલીંગમાં નીકળ્યા હતાં.

આ વખતે બાતમી મળી હતી કે આજીડેમ ચોકડી માનસરોવર સોસાયટી ગોકુલ સ્કૂલવાળી શેરીમાં પહોંચતા જીજે૦૭વાયઝેડ-૨૨૩૬ નંબરની આગળના ભાગે જયશ્રી દ્વારકાધીશ લખેલી બોલેરો પીકઅપ ગાડીમાં દારૂનો જથ્થો છે. આથી ત્યાં પહોંચતા બાતમી મુજબની પીકઅપ ગાડી ઉભેલી જોવા મળી હતી. અમે પહોંચ્યા ત્યાં જ એક શખ્સ તેની ડ્રાઇવર સીટ પર બેસી ગયો હતો. અમને પોલીસને જોઇ તેણે બોલેરો ચાલુ કરી દીધી હતી. હું બોલેરોની પાછળ હતો. મેં ચાલકને ઉભા રહેવા સુચના આપી હતી. પરંતુ તેણે મને બોલેરો નીચે કચડી મારવાના ઇરાદે રિવર્સમાં ગાડી દોડાવતાં એએસઆઇ જયેશભાઇ નિમાવતની સ્કોડા કાર ઉભી હોઇ બોલેરો પીકઅપના ચાલકે મને તેની ગાડી ઉભી ન રાખતાં હું તેની અને સ્કોડા કારની વચ્ચે આવી ગયો હતો. મેં બચવા માટે ઠેકડો માર્યો હતો અને બોલેરો પીકઅપના ઠાઠામાં ચડી ગયો હતો. બાદમાં બોલેરોનું ઠાઠુ સ્કોડાની ડ્રાઇવર સાઇડમાં અથડાતાં નુકસાન થયું હતું. મેં ચાલકને પોલીસની ઓળખ આપી હતી. છતાં તેણે પોતાની ગાડી ભાગવી મુકી હતી. હું પાછળથી પડી જાઉ એ માટે થઇને તેણે સર્પાકારે આ ગાડી ફુલ સ્પીડથી હંકારી હતી અને આ કારણે હું પાછળ ઠાઠામાં આમતેમ ફંગોળાતો રહ્યો હતો. જેથી હું લોખંડના એંગલમાં ભટકાતાં બંને આંખ વચ્ચે નાક પર ઇજા થતાં લોહી નીકળવા માંડ્યું હતું.

સતત ચાલકને હું પોલીસ છું તેવી ઓળખ આપવા છતાં તેણે ગાડી ઉભી રાખી નહોતી. માંડા ડુંગરથી આજીડેમ ચોકડી થઇ રોંગ સાઇડમાં કોઠારીયા  ચોકડી તરફ જતાં અમારી પોલીસની બે ગાડી અમારી પાછળ આવી હતી. ચાલકને સતત બૂમો પાડી પીકઅપ ઉભી રાખવા કહ્યું હતું. પણ તેણે ગાડી ભગાવ્યે રાખી હતી. કોઠારીયા ચોકડી થઇ કોઠારીયા ગામ, ખોખડદળ, લોઠડા, કોટડા સાંગાણી, રાજગઢ, ખાંડાધાર, રામોદ, સાંઢવાયા, બગદળીયા ગામથી કરમાળ પીપળીયા વાળા રોડ પર તેણે સતત ગાડી ભગાવ્યે રાખી હતી.

ઠાઠામાં એક પાનુ પડ્યું હોઇ તે ઉઠાવી મેં ડ્રાઇવર સાઇડ તથા ખાલી સાઇડના બંને દરવાજા બંધ હોઇ તેના કાચ તોડી નાંખી ડ્રાઇવરને વાહન ઉભુ રાખવા કહ્યું હતું. પરંતુ તે માન્યો નહોતો. અંતે બગદળીયા ગામથી કરમાળ પીપળીયા જતાં રસ્તે વળાંક આવતાં ચાલકે કાબુ ગુમાવ્યો હતો અને ગાડી રોડ સાઇડમાં ઉતરી ઝાડમાં ભટકાઇ ગઇ હતી. આ વખતે ચાલકને ઇજા થઇ હતી. આમ છતાં તે ત્યાંથી ગાડી મુકી ભાગીગયો હતો.

એ પછી પાછળ પીએસઆઇ વી. જે. જાડેજા સહિતની અમારી ટીમ આવી ગઇ હતી અને મને ગોંડલની ક્રિષ્ના હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યો હતો. ત્યાંથી રાજકોટ વિદ્યાનગર રોડ પર સોૈરાષ્ટ્ર હોસ્પિટલમાં   દાખલ કરવામાં આવ્યો હતો. તબિબી તપાસમાં નાક પર ફ્રેકચર થયાનું નિદાન થયું હતું.

બીજી તરફ ઝાડમાં ભટકાયેલી પીકઅપ ગાડીમાં અમારી ટીમે તપાસ કરતાં દારૂની ૮૪ બોટલો મળી હતી. જેમાંથી ત્રણ ફુટેલી હતી અને બીયરના ૧૪૪ ટીન હતાં. જેમાંથી ૦૫ ફુટી ગયેલા હતાં. આમ કુલ રૂ. ૪૨૨૫૦નો દારૂ બીયર મળતાં તે તથા ગાડી કબ્જે કરાયા હતાં. પીકઅપ ગાડીની કેબીનમાંથી રમેશ રાણાભાઇ ગરૈયા (દરેડ તા. બાબરા જી. અમરેલી)ના નામનું ડ્રાઇવીંગ લાયસન્સ, ચુંટણી કાર્ડ, આધાર કાર્ડ, ડેબીટ કાર્ડ મળ્યા હતાં. તેના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. પીઆઇ વી. કે. ગઢવીએ આ ગુનાની વધુ તપાસ હાથ ધરી છે.

(1:03 pm IST)