Gujarati News

Gujarati News

News of Monday, 12th October 2020

કોરોનાના દર્દીઓની સારવાર માટે તબિબોને પ્રેરકબળ પુરૂ પાડતાં ડો. અનુરથ સાવલીયા

પ્લાઝમા ડોનર બની ડોકટરોને આપી રહ્યા છે : સાથઃ નિર્ભિક બની પ્લાઝમા ડોનેટ કરવા અપીલ

રાજકોટ તા. ૧૨ : રાજકોટની પ્લાઝમા બેન્ક ખાતે અનેક ડોકટર્સ તેમજ અન્ય લોકોએ પ્લાઝમા દાન કરી કેટલાય દર્દીઓને નવજીવન આપવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવી છે. આવા જ એક પ્રેરકબળ પૂરું પાડતા  પ્લાઝમા ડોનર આંખના સર્જન ડો. અનુરથ સાવલીયા કહે છે કે એક ડોકટર તરીકે પ્લાઝમા આપી હું મારા જ ડોકટર ભાઈઓને સાથ આપી રહ્યો છું. કોરોનાના દર્દીઓની અને ખાસ કરીને જેઓ ગંભીર અને મોટી વયના હોઈ તેમને સારવાર સાથોસાથ મારા જેવા લોકોનું પ્લાઝમા આપી સારવાર મળતા દર્દીઓ જલ્દી સ્વસ્થ થશે. આપણે પ્લાઝમા દાન કરી સમાજમાં હકારાત્મક વિચાર આગળ વધારવાનો છે.

હું જયાં પ્લાઝમા દાન કરી રહ્યો છું તે મારી માતૃ સંસ્થા છે. મારી ધર્મપત્ની પણ આજ સંસ્થામાં મેડિકલ કોલેજમાં એનેટોમી વિભાગમાં પ્રોફેસર અને ડોકટર તરીકે સેવારત છે. હાલમાં જ મારા સાસુજીનું અવસાન થયુ હોવા છતા મારા ધર્મપત્ની ડો. પ્રવિણા કોરોના વોરિયર્સ તરીકે પુનઃ કોરોનાના દર્દીઓની સારવારાર્થે ફરજ પર લાગી ગયા છે. અમે બંને રાજકોટની મેડિકલ કોલેજ કે જે અમારી માતૃ સંસ્થા છે તેનું ઋણ ચુકવવા શકય તમામ મદદ કરીશું. ડો. સાવલિયા ખાસ અપીલ કરતા કહે છે કે લોકોએ નિર્ભીક બની પ્લાઝમા દાન કરવા આગળ આવવું જોઈએ.

આજ સુધીમાં અનેક લોકો કોરોનાની સારવાર લઈ સ્વસ્થ થયા છે. તેમના શરીરમાં ૨૮ દિવસ બાદ એન્ટી બોડીઝ તૈયાર થતા હોઈ છે જે કોરોનાના દર્દીના શરીરમાં ઈન્જેકટ કરવામાં આવે ત્યારે વાઇરસ સામે રોગપ્રતિકાર કરી જલ્દી સ્વસ્થ થાય છે તેમજ વાઇરસ અન્ય કોઈ ગંભીર નુકસાની કરી શકતો નથી. આ બાબત ડોકટર્સ થી વિશેષ કોણ સમજી શકે ? માટે જ પ્લાઝમાનું દાન કરવામાં ડોકટર્સ હંમેશા અગ્રેસર હોય છે.

(2:48 pm IST)