Gujarati News

Gujarati News

News of Monday, 12th October 2020

માધાપર ચોકડી નજીક રાજભોગ રેસ્ટોરન્ટમાં રાત્રે ટોળાની બઘડાટીઃ પાણકાના ઘા કર્યાઃ એકને ઇજા

સંચાલકો પ્રદિપભાઇ ઓડેદરા અને સંતોષભાઇ ચાંગલાણીની ફરિયાદ નોંધાવવા તજવીજ : રાતે પોણા વાગ્યે આવી જમવાનું કેમ નથી? કહી સંજય સહિતે ડખ્ખો કર્યો...પોલીસ બોલાવાતાં જતો રહ્યો, પોલીસ જતી રહી પછી ફરી બીજા શખ્સોને લઇને આવ્યોઃ સીસીટીવી ફૂટેજ થયા વાયરલ

પ્રથમ તસ્વીરમાં સંજય સહિતના શખ્સો પહેલીવાર આવ્યા ત્યારનું દ્રશ્ય અને બાદમાં બીજીવાર આવી પથ્થરમારો કર્યો હતો તે જોઇ શકકાય છે. નીચેની તસ્વીરમાં રાઉન્ડ કર્યુ તે ગડબો જોઇ શકાય છે

રાજકોટ તા. ૧૨: માધાપર ચોકડી નજીક સિનર્જી હોસ્પિટલ સામે આવેલા રાજભોગ રેસ્ટોરન્ટમાં રાત્રીના પોણા વાગ્યા આસપાસ આવેલા શખ્સોએ 'જમવાનું કેમ નથી?' કહી કર્મચારી અને સંચાલકના પુત્ર સાથે ધમાલ મચાવી હતી. પોલીસને જાણ કરવામાં આવતાં આ શખ્સો જતાં રહ્યા બાદ થોડીવાર પછી ફરીથી આવ્યા હતાં અને મોટા પથ્થરોના ઘા કરી ધમાલ મચાવતાં રેસ્ટોરન્ટના બે ભાગીદાર પૈકી એકને ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં સારવાર લેવી પડી હતી.

અયોધ્યા ચોક રાધા પાર્કમાં રહેતાં પ્રદિપભાઇ કાનાભાઇ ઓડેદરા (ઉ.વ.૪૯)  રાતે એકાદ વાગ્યે સિનર્જી હોસ્પિટલ સામે આવેલા પોતાના રાજભોગ રેસ્ટોરન્ટ ખાતે હતાં ત્યારે સંજય કાઠી અને તેની સાથેના આઠેક અજાણ્યા શખ્સોએ ઝઘડો કરી પથ્થરોના ઘા કરતાં ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે ગાંધીગ્રામ પોલીસમાં નોંધ કરાવી હતી.

પ્રદિપભાઇએ જણાવ્યું હતું કે તે અને સંતોષભાઇ ચંદુભાઇ ચાંગલાણી ભાગીદારીમાં ઘણા વર્ષોની રાજભોગ રેસ્ટોરન્ટ ચલાવે છે. રાતે પોણા વાગ્યે સંજય સહિતના શખ્સો આવ્યા ત્યારે રેસ્ટોરન્ટમાં ભોજન ખલાસ થઇ ગયું હોઇ બંધ કરવાની તૈયારી થઇ રહી હતી. એ વખતે સંજયે રેસ્ટોરન્ટના ગંગા નામના કર્મચારીને જમવાનું કેમ નથી? કહી ઝઘડો કરતાં ભાગીદાર સંતોષભાઇનો પુત્ર હરજીંદર સમજાવવા આવતાં તેનું ટી-શર્ટ ફાડી નાંખ્યું હતું. આ વખતે હું ઘરે હોઇ મને જાણ થતાં હું રેસ્ટોરન્ટ આવ્યો હતો. પીસીઆર બોલાવતાં સંજય સહિતના માફામાફી કરી જતાં રહ્યા હતાં.

પ્રદિપભાઇએ વધુમાં જણાવ્યું હતું કે પોલીસ જતી રહ્યા બાદ થોડીવાર પછી ફરીથી આ શખ્સો આવ્યા હતાં અને માથાકુટ કરી મોટા મોટા પથ્થરોના ઘા કરતાં મનેઇજા થઇ હતી. અમે આ અંગે પોલીસ ફરિયાદ કરવા કાર્યવાહી કરી છે. સીસીટીવી ફૂટેજમાં આ શખ્સો મોટા મોટા પથ્થરોના ઘા કરતાં દેખાય છે. તેમજ પહેલીવાર આવીને માથાકુટ કરી એ પણ જોઇ શકાય છે.

યુનિવર્સિટી રોડ પરના રેસ્ટોરન્ટમાં કર્મચારીની પગાર પ્રશ્ને ધોલધપાટ

બીજા બે જણાને પણ મારકુટ થયાનો આક્ષેપઃ એકે સારવાર લીધી

રાજકોટ તા. ૧૨: યુનિવર્સિટી રોડ પર આવેલા સાઉથ વેસ્ટ એન્ડ રેસ્ટોરન્ટમાં પ્રકાશ દિપકભાઇ દાઝી (નેપાળી) (ઉ.વ.૨૨-રહે. નાના મવા સર્કલ આવાસ કવાર્ટર)ને રેસ્ટોરન્ટના શેઠ સહિતે અંદર પુરી ધોકાથી માર મારતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતાં યુનિવર્સિટી પોલીસને જાણ કરાઇ હતી. પ્રકાશને હોસ્પિટલે લાવનારા નિલેષભાઇ રાઠોડે કહ્યું હતું કે પગાર માંગવા જતાં શેઠે ડખ્ખો કરી મારકુટ કરી હતી. બીજા બે કર્મચારીને પણ માર મારવામાં આવ્યો હતો. પોલીસમાં આ અંગે અરજી કરવામાં આવી હોવાનું પણ તેણે કહ્યું હતું.

(2:51 pm IST)