Gujarati News

Gujarati News

News of Monday, 12th October 2020

'પારદર્શિતા પોર્ટલ'થી અરજદાર હવે મોબાઇલ પર જ જાણી શકશે કે પોતાની અરજીનું શું થયું

શહેર પોલીસની પ્રજાજનો માટે વધુ એક ઓનલાઇન સુવિધાઃ ડીજીપી આશિષ ભાટિયાના હસ્તે અનાવરણ : પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ અને જીટીયુના વાઇસ ચાન્સેલર ડો. નવીન શેઠની મુલાકાત વખતે પારદર્શિતા પોર્ટલનું નિર્માણ થયું હતું : તમામ એસીપી, પીઆઇ અને કોમ્પ્યુટર ઓપરેટરોને પી.પી.ટી. સ્લાઇડ શોની મદદથી પોર્ટલનો ઉપયોગ કરવા સમજ અપાઇ : અરજી કરતાંની સાથે જ મોબાઇલમાં લિંક મળશેઃ ઘેર બેઠા ઓનલાઇન અરજદાર મેળવી શકશે માહિતી

રાજકોટ તા. ૧૨: શનિવારે રાજકોટ પધારેલા રાજ્યના મુખ્ય પોલીસવડા-ડીજીપી શ્રી આશિષ ભાટિયાના હસ્તે 'પારદર્શિતા પોર્ટલ'નું અનાવરણ કરવામાં આવ્યું હતું.  તે અંતર્ગત પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી મનોહરસિંહ જાડેજા તથા એસીપી જે. એસ. ગેડમના માર્ગદર્શન હેઠળ ગઇકાલે તમામ એસીપીશ્રીઓ તથા તમામ પોલીસ સ્ટેશનના ઇન્સપેકટર તેમજ તમામ પોલીસ સ્ટેશનના કોમ્પ્યુટર ઓપરેટરોને પી.પી.ટી. સ્લાઇડ શોની મદદથી પારદર્શિતા પોર્ટલનો ઉપયોગ કેવી રીતે કરવો તેની સમજ અપાઇ હતી. આ પોર્ટલનો ઉપયોગ કરી અરજદારો પોતે કરેલી અરજી બાબતે તથા હાલ તેમની અરજી કયા સ્ટેજ પર છે, અરજીના તપાસ અધિકારી કોણ છે? તે સહિતની સંપુર્ણ માહિતી મેળવી શકશે. અરજી કરતાની સાથે જ પોર્ટલની લિંક અરજદારને મળશે અને તે ઘેર બેઠા ઓનલાઇન અરજીની માહિતી મેળવી શકશે.

આ પારદર્શિતા પોર્ટલ જીટીયુ યુનિવર્સિટીના વાઇસ ચાન્લેલર ડો. નવીન શેઠ દ્વારા પોલીસ કમિશનશ્રી મનોજ અગ્રવાલ સાથે તેમની મુલાકાત થઇ ત્યારે બનાવાઇ હતી. હાલની પરિસ્થિતિમાં સાયબર ક્રાઇમના ગુના વધી રહ્યા છે તેને કરી રીતે અંકુશમાં રાખવા તે સહિતની ચર્ચા પણ થઇ હતી. તેમજ ભવિષ્યમાં સાયબર ક્રાઇમને લગતી બાબતોમો કેપેસીટી બિલ્ડીંગ, ટ્રેનિંગ, અવેરનેસ ત્રોગ્રામ અનુસંધાને શહેર પોલીસ અને જીટીયુ સાથે મળી પારદર્શિતા પોર્ટલ બનાવશે તેવો નિર્ણય લેવાયો હતો. જીટીયુ તરફથી પ્રોફેસર દિપક ઉપાધ્યાય અને સોફટવેર ડેવલોપર નરેશકુમાર અને હિતેષકુમારની મદદથી પારદર્શિતા પોર્ટલ બનાવવામાં આવ્યો છે.

આ પોર્ટલનો મુખ્ય ઉપયોગ રાજકોટની જનતા કરી શકશે. જેમાં લોકો પોલીસ સ્ટેશન કે શાખામાં અરજી કરી હોઇ તો અરજી કયા અધિકારી પાસે તપાસમાં છે અને અરજી બાબતે તપાસ કરનારે શું કાર્યવાહી કરી? તેમજ એફઆઇઆર દાખલ થયેલ છે તો તેની માહિતી તથા ચાર્જશીટની માહિતી તેમજ ચાર્જશીટ કઇ કોર્ટમાં જમા કરાવવામાં આવેલ છે? તેની માહિતી પણ અરજદાર-ફરિયાદીને ઘરે બેઠા મોબાઇલ ફોનમાં મળી શકશે.

પારદર્શિતા પોર્ટલમાં કયા પોલીસ સ્ટેશનમાં કેટલી અરજીઓ, કેટલા ગુનાઓ છે તેની માહિતી પોલીસ કમિશનરશ્રી જાતે પણ સુપરવિઝન કરીને મેળવી શકશે. પારદર્શિતા પોર્ટલની તાલિમની શરૂઆત થઇ ગઇ છે અને તમામ પોલીસ સ્ટેશનોમાં અમલ પણ શરૂ થયો છે. આ પોર્ટલ વડે નાગરિકો  પોતાની અરજી સંદર્ભની તમામ કાર્યવાહી ઓનલાઇન જોઇ શકશે. અરજી કર્યા બાદ તુરત જ અરજદારના મોબાઇલ નંબર પર પોર્ટલની લિંક, એસ.એમ.એસ. વડે મોકલવામાં આવશે. જે લિંક પર જઇને થયેલી તપાસ બાબતે અરજદાર જાતે માહિતી મેળવી શકશે. તેમજ કયા અમલદાર તપાસ કરી રહ્યા છે તેની માહિતી પણ ઓનલાઇન મેળવી શકશે.

આમ ડીજીપી શ્રી આશિષ ભાટિયાના હસ્તે આ પોર્ટલનું અનાવરણ થયા બાદ પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલે તમામ પોલીસ સ્ટેશનોમાં આ અંગેનો અમલ શરૂ કરાવી દીધો છે.

(3:33 pm IST)