Gujarati News

Gujarati News

News of Monday, 12th October 2020

આયુર્વેદના મહારથી વૈદ્ય શિવલાલભાઇ ગોહેલનો જીવનદીપ બુજાયોઃ કોરોના સામે જંગ હાર્યા

માલવીયા ટ્રસ્ટની શાળાની જગ્યામાં ૧૯૯૪માં આયુર્ર્વેદ દવાખાનું શરૂ થયેલઃ વૈદ્ય સભા સંસ્થાના ઉપપ્રમુખપદે પણ સેવા બજાવી હતીઃ આયુર્વેદક્ષેત્રે કંઇક કરી છુટવાની મહેચ્છા હતી

રાજકોટઃ આયુર્વેદના ઝળહળતા દિપક સમાન પ્રખર મહારથી વૈદ્યશ્રી શિવલાલભાઈ પોપટભાઈ ગોહેલનો જીવનદીપ બુજાયો છે. કોરોનાના યોધ્ધા ખુદ કોરોના સાથે જંગ હાર્યા છે. નાગરાદી ચિકિત્સક સમુહ- રાજકોટ દ્વારા સદગતની જીવન ઝરમર અહિં પ્રસ્તુત કરાઇ છે.

વૈધશ્રી શિવલાલભાઈ પોપટભાઈ ગોહેલે ભાવનગરની આયુર્વેદ કોલેજમાં , પ્રવેશ મેળવીને વૈધ મહારથી પ્રજારામ રાવળના હાથ નીચે આયુર્વેદના નિદાન, વ્યાધિ, ચિકિત્સમાં અગ્નિ દોષના આવરણ, પથ્યા-પથ્ય, પંચકર્મ દ્વારા મૂળભૂત સિધ્ધાંતોને આત્મસાત કર્યા.

સને ૧૯૫૭ થી સરકારી સેવામાં તબીબી અધિકારી તરીકે નિમણૂંક પામીને વિવિધ સ્થળોએ પારિવારિક ફરજોની સાથે નિષ્ઠાપૂવક આરોગ્ય સેવા યજ્ઞને અવિરત પણે પોતાની સંપૂર્ણ નોકરીના સમય દરમ્યાન નિભાવીને પ્રતિષ્ઠા અને સન્માનને પામીને ૧૯૯૨માં સેવા નિવૃત થઈને રાજકોટ ખાતે સ્થાયી થયા. તે દરમ્યાન વૈેદ્ય મિત્ર સ્વ. શ્રી. એચ. જી. સુરાણી, વૈદ્યશ્રી કનકભાઈ દલ સાથે મળીને શ્રી દિલના  નિવાસ સ્થાનેથી ચાલતી આયુર્વેદ સંભાષા વિધિમાં જોડાયા અને આયુર્વેદ ક્ષેત્રે કંઈક વિશેષ કરવાની મહેચ્છા 'પ્રાણાભિસર' વૈદ્યો તૈયાર કરવાનું બીજારોપણ થયુ જેની ફલશ્રૂતિરૂપે નાગરાદિ ચિકિત્સક સમૂહનું નિર્માણ થયું.

'નાગરાદિ ચિકિત્સક સમૂહ' સંસ્થાના નિર્માણબાદ દર અઠવાડિયે જિજ્ઞાસુ વૈદ્યોની ચર્ચા સભા થતી અને આયર્વેદના સિધ્ધાંતોને સમજવા તેમજ વૈધ સમુહને શાસ્ત્ર પ્રત્યે નિઃશંક કરવાના પ્રયત્નો થતા રહ્યા.

 આ સમય દરમ્યાન રાજકોટની પ્રતિષ્ઠિત પી. ડી. માલવિયા કોલેજના કર્તાહર્તા અને કર્મષ્ઠ શેઠશ્રી વસંતભાઈ માલવિયાએ વૈદ્યશ્રી શિવલાલભાઈ પી. ગોહેલ તથા શ્રી સુરાણી  પાસે આયુર્વેદ દવાખાનું શરૂ કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો અને જેને બધા વૈદ્ય મિત્રોએ સહર્ષ સ્વીકારી લીધો. પરિણામ સ્વરૂપ ૧૬ જુલાઈ ૧૯૯૪ના ભીમ અગીયારસના પવિત્ર દિવસે માલવિયા ટ્રસ્ટની ઈગ્લીશ સ્કૂલની જગ્યામાં (જયાં અત્યારે સરકારી કાર્યાલય છે.) દર બુધવારે ૧.૩૦ થી ૪.૩૦ સુધી દવાખાનાનો વિધિવત  પ્રારંભ થયો. સાથે સાથે શ્રી સુરાણી,  શ્રી ગોહેલ  દ્વારા અધ્યયન કાર્ય પણ ચાલતુ રહ્યું. આમ, શેઠશ્રી વસંતભાઈના આત્મીય સહકારથી અને વૈધોની સેવાથી લોકોને આયુર્વેદ ચિકિત્સાનો લાભ મળ્યો વર્ષો સુધી આ સેવાયજ્ઞ ચાલતો રહ્યો જેનો યશ શ્રી સુરાણી, શ્રી ગોહેલ, અને શ્રી દલ ને જતો હતો. સમય જતા વૈધ સમુહની સંખ્યા વધતા આયુર્વેદીક નિઃશુલ્ક નિદાન કેમ્પનું પણ આયોજન થતુ ગયુ અને તેમાં સફળતા અને પ્રતિષ્ઠા મળતા ગયા જેમાં શ્રી ગોહેલની દીર્ધદ્રષ્ટિ, આયોજનની નિપુણતા અને નિષ્ઠાપૂર્વક જવાબદારી નિભાવવાની ભાવના સાથે કાર્યક્રમને સફળ બનાવવા મદદરૂપ થતી. 

શેઠ શ્રી વસંતભાઈ અને વૈધશ્રી સુરાણીના અકાળે દેહાવસાન બાદ પ્રવૃતિઓને આગળ વધારવાની સંપૂર્ણ જવાબદારી વૈદ્યશ્રી ગોહેલ ઉપર આવતા વૈદ્યશ્રી સુરાણીના જન્મદિન નિમિતે તથા પુણ્યતિથિ નિમિતે આયુર્વેદ સેમીનાર તથા ફી નિદાન કેમ્પનું આયોજન તેમજ દર શનિવારે ચર્ચા સભાનું આયોજન કરી અવિરતપણે પ્રયત્નશીલ રહ્યા. આ સાથે વૈદ્યશ્રી ગોહેલે રાજકોટની જાણિતી અને પ્રતિષ્ઠિત વૈદ્યસભા સંસ્થાના ઉપપ્રમુખ પદે પણ સેવા બજાવેલ હતી.

 આ દરમ્યાન માસ્તર સોસાયટીમાં ઈન્દ્રેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં ચિકિત્સા યજ્ઞ શરૂ કરવામાં આવ્યો જેમાં શ્રી ગોહેલ  દરરોજ ૯ થી ૧૨ નિઃશુલ્ક સેવા આપતા અને અસંખ્ય દર્દીઓને રોગમુકત અને ભયમુકત પણ કર્યા હતા. વૈદ્યશ્રી ગોહેલનો સેવાયજ્ઞ અવિરતપણે તેમના અંતિમ શ્વાસ સુધી રોશનભાઈ થોભાણી ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત આયુર્વેદ ઔષધાલય મુકામે ચાલતો રહ્યો. જીવનના અંતિમ શ્વાસ સુધી તેમણે દર્દીઓની નિસ્વાર્થપણે સેવા અને વિદ્યાર્થીઓમાં આયુર્વેદ પ્રત્યેનો જ્ઞાનભાવ જાગૃત કર્યો. સમાજને આયુર્વેદ નિષ્ઠાવાળા અસંખ્ય વૈદ્યો તૈયાર કરવામાં અમુલ્ય યોગદાન આપીને ખરા અર્થમાં સમાજસેવા કરી. 

   પિતા વૈદ્યશ્રી પોપટલાલથી શરૂ થયેલ આયુર્વેદની શાખાના વારસાને શ્રી ગોહેલના પુત્ર-પૌત્રે પણ આગળ વધારીને ચાર-ચાર પેઢી સુધીનું વટવૃક્ષ સમાજને અર્પણ કર્યું એવા નિષ્ઠાવાન, કર્મયોગી, જ્ઞાનવાન, સ્પષ્ટવકતા, હરતુ-ફરતુ  એનસાયકલોપિડિયા સમાન, ઉમદા વ્યકિતત્વ ધરાવતા વૈદ્યશ્રી શિવલાલભાઈ ગોહેલની અણધારી વિદાય અસંખ્ય હૈયાઓને શોકગ્રસ્ત અને વિષાદમય કરી ગઈ. જીવન પર્યત આયુર્વેદ પ્રત્યેની અવિચળ શ્રધ્ધા અને નિષ્ઠાને અકબંધ રાખીને સેવાના ભેખધારી એવા કર્મયોગીશ્રી દીર્દ્યકાળ સુધી લોકો અને વૈદ્યોના હૃદયમાં સદાય જીવંત રહેશે એ નિર્વિવાદ છે. આયુર્વેદનું મૂળભૂત તત્વ 'અગ્નિ'ના ઉપાસક તા. ૪/૧૦/૨૦૨૦ના રોજ પંચમહાભૂતમાં વિલય પામ્યા.

(3:39 pm IST)