Gujarati News

Gujarati News

News of Thursday, 12th November 2020

હિમ્મતના હારઃ જુના-નવા ફિલ્મી ગીતો સાથે સંગીત પ્રેમીઓને નવું જ ગીત પિરસાશે

કલાકારોના લાભાર્થે ૧૯ નવેમ્બરે કાર્યક્રમઃ સગર્ભા બહેનોને રામચરિત માનસ નિઃશુલ્ક વિતરણ : સંગીતરચના શૈલેષભાઈ પંડયાની ગાયકો સૈફ ત્રિવેદી, રાજીવ શ્રીમાળી, તૃપ્તિ દવે, નાઈસા જોશી, તબલા- ભાર્ગવ જાની, ઢોલક- દેવાંગ જાની, ઓકટોપેડ- મહર્ષિ શીંગાળા, ગિટાર પર સચિન શર્મા સંગત કરશે

રાજકોટઃ અકિલા સાંધ્ય દૈનિકના મીડિયા સપોર્ટ અને જનની એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ભારતમાં સૌપ્રથમ વખત ફકત પ્રેરણાત્મક જુના અને નવા હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ તા.૧૯ નવેમ્બરના રોજ સાંજે ૭ વાગ્યે અકિલા દૈનિકના ફેસબુક પેઈજ ઉપર લાઈવ નિહાળી શકાશે.

આ સમગ્ર કાર્યક્રમનો કોન્સેપ્ટ અને વિચાર સુવિખ્યાત સંગીતકાર શૈલેષભાઈ પંડયાને આવ્યો અને એક અલગ જ કોન્સેપ્ટ સાથે કલારસિકોને કંઈક નવું અને મનોરંજક આપવાની ભાવના જાગી.

આ કાર્યક્રમ માટે એક નવું જ ગીત ''હિમ્મતના હાર'' ખાસ કલારસિકો માટે પીરસવામાં આવશે. જેમાં ગીતના શબ્દો ધૂન અને સંગીત રચના શૈલેષભાઈ પંડયાના છે અને આ સુમધુર પ્રેરણાત્મક ગીતમાં સુમધુર કંઠ સૈફ ત્રિવેદી, રાજીવ શ્રીમાળી, તૃપ્તિ દવે અને નાઈસા જોશીએ આપ્યો છે. તબલા પર જાણીતા વાદક ભાર્ગવ જાની ઢોલક પર દેવાંગ જાની ઓકટોપેડ પર મહર્ષિ શીંગાળા અને ગિટાર પર સચિન શર્મા સંગત કરશે.

આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં શૈલેષભાઈ પંડયાનું બહુમુલ્ય યોગદાન છે. આ કાર્યક્રમ દ્વારા નાના અને મધ્યમ વર્ગના કલાકારો જે છેલ્લા ૭ મહિનાથી બેરોજગાર છે. એમની આર્થિક મદદ સાથે માર્ગદર્શન- સહયોગ પૂરો પાડવામાં આવશે.

જનની એજયુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિશેષ સેવા ગર્ભ સંસ્કાર અંતર્ગત સગર્ભા બહેનોને રામચરિત માનસ નિઃશુલ્ક વિતરણ કરીને મૂળ ભારતીય પરંપરાને ઉજાગર કરવાનું કામ કરી રહી હોવાનું જણાવાયું છે.

કાર્યક્રમની વધુ વિગત માટે લલિતભાઈ રાઠોડ અને હરીશભાઈ શીશાંગીયાનો સંપર્ક કરી શકાશે. મો.૯૮૯૮૯ ૦૭૪૧૦ / ૯૨૬૫૨ ૩૬૫૦૭

(11:32 am IST)