Gujarati News

Gujarati News

News of Thursday, 12th November 2020

ઇશ્વરીયા પાર્ક-ઓસમ ડુંગર ખોલવા અંગે કાલે નિર્ણય : રેમ્યા મોહન

સીટી પ્રાંત-૧ પાસેથી વિગતો જાણી નિર્ણય લેવાશેઃ ઇશ્વરીયા પાર્ક હજારો લોકો ઉમટી પડે તો : તંત્રને મોટી ભીતી : કોરોનાના કેસો થોડા વધ્યા હોય લોકો માસ્ક પહેરે-સોશ્યલ ડીસ્ટન્સ જાળવેઃ સીનીયર સીટીઝન-નાના બાળકો માટે હાઇએલર્ટ : સીવીલ હોસ્પીટલના પ૬ ડોકટર -નર્સ-લેબ ટેકનીશ્યન-વોર્ડ એટેડેન્ટ-સિકયુરીટી ગાર્ડનું કલેકટરના હસ્તે સન્માન : શાળા ખોલવા અંગે જીલ્લા શિક્ષણાધીકારી સાથે મીટીંગ કરી રીપોર્ટ લીધા બાદ કાર્યવાહી થશે ખાસ એસઓપી તો છે જ : આમ છતા દરેક સ્કુલ અંગે પણ જોવાશે : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ૧૯ મીના સ્નેહ મિલન અને પ૦૦ થી ૭૦૦ લોકો આવનાર હોય-સોશ્યલ ડીસ્ટન્સ અંગે વિગતો મેળવાશેઃ નિર્દેશ

રાજકોટ, તા., ૧૨ : રાજકોટ જીલ્લા કલેકટર શ્રી રેમ્યા મોહને આજે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે દિવાળી ઉપર ઈશ્વરીયા પાર્ક તથા વિખ્યાત ધાર્મિક સ્થળ પાટણવાવ - ઓસમ ડુંગર ખોલવા અંગે સંભવિત આવતીકાલે નિર્ણય લેવાશે. તેમણે જણાવેલ કે બન્ને સ્થળે રજાના માહોલમાં ભારે ભીડ થાય તેવી શકયતા રહેલી છે અને તંત્રને એ વાતનો જ ડર છે. ખોલવા કે ન ખોલવા તે અંગે કાલે સીટી પ્રાંત-૧ સાથે કરી બાદમાં નિર્ણય લેવાશે.

અત્રે એ નોંધનીય છે કે, ઈશ્વરીયા પાર્ક રાજકોટથી સાવ નજીક છે અને દિવાળીના તહેવારોમાં ત્યાં હજારો લોકો ઉમટી પડે તેવી શકયતા છે. હાલ કોરોના થોડો વધ્યો છે. જો ઈશ્વરીયા પાર્ક ખોલાય અને ભીડ ઉદ્ભવે તો અને તેમાં  કોરોના સંક્રમિત કોઇ આવી જાય તો પછી પાછળથી સ્થિતિ બેકાબૂ બની જાય તેવી તંત્રને ભીતી છે એટલે એસઓપી જાણી ત્યારબાદ નિણર્ય લેવાશે, લગભગ તો બંધ રખાય તેવી જ શકયતા રહેલી છે.

દરમિયાન કલેકટરે અપીલ કરી હતી કે રાજકોટ શહેર-જિલ્લામાં કોરોનાના કેસોમાં માઇનોર વધારો થયો છે, હાલ દિવાળીના તહેવારોમાં બજારોમાં ખાસ્સી ભીડ જોવા મળી રહી છે, લોકો ખાસ માસ્ક પહેરે, સોશ્યલ ડીસ્ટન્સ રાખવા, સેનેટાઇઝ કરે, સિનીયર સીટીજન અને ૧૦ વર્ષથી નીચેના બાળકો ઘરની બહાર ન નીકળે તેવી અપીલ કરી હતી.

સ્કુલો ખોલવા અંગે

કલેકટરે આગામી તા. ર૩ નવેમ્બરથી ધો. ૯ થી ૧રના વર્ગો સાથે સ્કુલો ખોલવાના સરકારના નિણર્ય અંગે કહ્યું હતું કે એસ.ઓ.પી. મુજબ કાર્યવાહી થશે, તે ઉપરાંત જીલ્લા શિક્ષણાધિકારી સાથે વિગતવાર મીટીંગ મેળવી જીલ્લાની  દરેક સ્કુલો અંગે રીવર્સ મેળવી તેમજ સ્કુલોમાં કેટલા વર્ગ, રૂમો કેટલા, કેટલા મોટા રિસેસ અને છુટવા સમયેે બાળકો કેવી રીતે એકઠા થાય છે, વિગેરે બાબતો ચકાસી ખાસ ગાઇડ લાઇન જાહેર કરાશે.

હોસ્પિટલના પ૬ ડોકટરો તથા સ્ટાફનું સન્માન

કલેકટર કચેરીમાં આજે ત્રીજા માળે કલેકટર ઉપરાંત અન્ય અધિકારીઓ એડી. કલેકટર શ્રી પરિમલ પંડયા, સિવિલ સર્જન ડો. પંકજ બૂચ, અધિકારીઓ શ્રી રૂપારેલીયા, ડો. ભંડેરી, શ્રી મહેતાના હસ્તે કોરોના દરમિયાન સફળ કામગીરી કરનાર પ૬ ડોકટરો-નર્સ-વોર્ડ એટેડેન્ટ, લેબ ટેકનીશીયન સિકયુરીટી ઓફીસર-સ્ટાફનું સન્માન કરાયું હતું. આ પ૬માં જેમની શ્રેષ્ઠ કામગીરી તેમનું આજે રૂબરૂ સન્માન કરાયું હતું. અને પ્રમાણપત્ર અપાયા હતા, અન્યો તમામને પણ પ્રમાણપત્ર અપાયાનું એડી. કલેકટર શ્રી પરિમલ પંડયાએ  ઉમેર્યુ હતું. 

સૌરાષ્ટ્ર યુનિ. અને સ્નેહ મિલનઃ તપાસ કરાશેઃ કલેકટરનો સંકેત

સૌરાષ્ટ્ર યુનિ. દ્વારા ૧૯ મીએ તમામ ભવનના વડા, સ્ટાફ, અધિકારીઓનું સ્નેહ મિલન યોજના એક પરિપત્ર જાહેર થયો છે, અને ફરજીયાત હાજર રહેવાનો આદેશ થયો હતો, સ્નેહ મિલનમાં પ૦૦ થી ૭૦૦ લોકો એકઠા થનાર હોય તેની ભારે ટીકા થઇ રહી છે, ૧૯ મીએ સોશ્યલ ડીસ્ટન્સના ધજાગરા થવાની શકયતા છે, આ બાબતે કલેકટરનું ધ્યાન દોરાતા તેઓ પણ ચોંકી ઉઠયા હતા અને આ બાબતે યુનિ.ના સત્તાધીશો સાથે સ્નેહમિલનના કાર્યક્રમ અંગે વિગતો મેળવવા અંગે ખાત્રી આપી હતી.

રર કારખાનામાં તપાસઃ આજે શાપર-વેરાવળ તથા મેટોડામાં દરોડા

કારખાનાઓમાં ફાયર સેફટી અંગે ગઇકાલે જીપીસીબીની ટીમો દ્વારા ગ્રીનલેન્ડ ચોકડીથી કુવાડવા સુધીના કારખાનાઓમાં તપાસ થઇ હતી, કુલ રર કારખાનામાં તપાસ થઇ તેમાં ૧પ કારખાનાના ગોડાઉનમાં ફાયર સેફટીનો અભાવ જણાતા આ તમામ કારખાનાના માલીકને કોર્પોરેશન દ્વારા નોટીસ આપી કાર્યવાહી કરાશે તેમ એડી. કલેકટર શ્રી પરિમલ પંડયાએ ઉમેર્યુ હતું, તેમણે નિર્દેશ આપેલ કે આજે શાપર-વેરાવળ તથા મેટોડાના કારખાનાઓમાં બપોરથી તપાસણી હાથ ધરાશે.

સિવિલ હોસ્પિટલના સન્માનિત તબિબોનું લિસ્ટ

કોરોના કાળમાં સિવિલ હોસ્પિટલમાં અવિરત ફરજ બજાવતાં તબિબોનું સન્માન કરવામાં આવ્યું છે.

(3:41 pm IST)