Gujarati News

Gujarati News

News of Saturday, 13th February 2021

અલવિદા સંસારઃ કાલે ૯ મુમુક્ષુઓ દીક્ષા ગ્રહણ કરશે

પર્પઝ વિનાનું જીવન, એડ્રેસ વિનાના કવર જેવું હોય છેઃ રાષ્ટ્રસંત પૂ. નમ્રમુનિ મ. સા.

રાજકોટ, તા. ૧૩ : રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના સાંનિધ્યે, શ્રી નેમીનાથ પરમાત્માનો ભકિતભીનો દિવ્ય દરબાર શોભાવી રહેલાં ઊંચા ઊંચા ગિરનારની ગોદમાં શ્રી ગિરનાર જૈન દીક્ષા મહોત્સવના ઉપક્રમે આયોજિત નવ નવ આત્માઓના દીક્ષા મહોત્સવનો આજનો અવસર હજારોની આત્મધરાને સ્નેહભીના તરંગોથી સ્પંદિત કરી ગયો હતો.

 સમગ્ર દીક્ષા મહોત્સવના અનુમોદક ધર્મવત્સલા બીનાબેન અજયભાઈ શેઠ પરિવાર તેમજ લાભાર્થી નટવરલાલ વચ્છરાજ ચોકસી પરિવારના સહયોગે મુમુક્ષુઓ ફેનિલકુમાર અજમેરા, શ્રેયમબેન ખંધાર, એકતાબેન ગોસલીયા, નિરાલીબેન ખંધારઅલ્પાબેન અજમેરા, આયુષીબેન મહેતા, નિધિબેન મડીયા, મિશ્વાબેન ગોડા તેમજ દીયાબેન કામદારના સતર સતર દિવસથી ચાલી રહેલાં અભયદયાણં આત્મકલ્યાણંદીક્ષા મહોત્સવના અવસરોમાં We Jain-One Jain સાથે જોડાએલાં સમગ્ર ભારતના 108 થી વધુ શ્રી સ્થાનકવાસી જૈન સંદ્યોની સાથે વિદેશના અનેક સંદ્યો, વિવિધ ક્ષેત્રોમાં બિરાજિત પૂજય સંત-સતીજીઓ તેમજ હજારો ભાવિકો લાઈવના માધ્યમે જોડાઈને અનુમોદનાનો અનુપમ લાભ પામી રહ્યાં છે. અત્યંત અહોભાવપૂર્વક મુમુક્ષુઓના સ્વાગત વધામણા કરવામાં આવ્યાં હતાં.

આત્મ ચૈતન્યને જાગૃત કરી દેનારી મધુર વાણી ફરમાવતાં પરમ ગુરુદેવે સમજાવ્યું હતું કે, પરિસ્થિતિઓનો જયાં સ્વીકાર છે ત્યાં આનંદ અને આનંદ હોય છે, અસ્વીકાર ભાવ હોય ત્યાં માત્ર ને માત્ર આંસુ હોય છે. આ સંસાર એટલે Zero + zero = zero ની યાત્રા માત્ર. આ વાત જયારે સમજાય છે ત્યારે અનુભવાય છે કે, લાઈફનું કોઈ Purpose હતું જ નહીં, Purpose વિનાનું જીવન એટલે એડ્રેસ વિનાનું કવર. જીવનના દરેક સંબંધો અને દરેક પાત્ર તે સંસારની રમતના રમકડાં માત્ર. સંસારની રમત પૂરી, જીવન પૂરું અને વાત પૂરી. માટે જ પ્રભુ કહે છે કે, સંયમ જીવન ચાહે અંગિકાર કરી શકાય કે ન કરી શકાય પરંતુ સરળતાથી જીવવાનો જીવનનો Purpose બનાવી લઈએ. સંસાર છૂટે કે ન છૂટે, પરંતુ વડીલો પ્રત્યેના અવિનયને ચોડી દઈએ. અંતરના અહંકારભાવને છોડીને વડીલોના, માતા-પિતાના ચરણોમાં વિનય વિદ્યાર્થી બનીને નમી જઈએ. માતા-પિતાના ચરણમાં જે નમે છે એને જગત કદી નમાવી શકતું નથી.  એમ વગરની લાઇફ એક ગેમ હોય છે. સંયમ લાઇફ કદાચ જીવી ન શકાય, પણ સરળ લાઇફ જીવી છે એ લાઇફનો પર્પસ હોવો જોઈએ. જેની લાઇફનો કોઈ પર્પસ ન હોય એની લાઇફ સર્કસ હોય છે.આ અવસરે મુમુક્ષુઓ એકતાબેન, અલ્પાબેન અને દીયાબેને અંતરના ઉપકારભાવ સાથે માતા-પિતાની ચરણપૂજન વિધિ અને પ્રદક્ષિણા વંદના કરતાં અદભૂત દૃશ્યો સર્જાયા હતાં. આ મુમુક્ષુઓએ પોતાના ભાઈઓની કલાઈ પર સંસાર જીવનનું અંતિમ આત્મરક્ષાબંધન કરીને સર્વત્ર સ્નેહભાવ પ્રસારિત કર્યો હતો.આવતીકાલ તા. ૧૪ રવિવાર સવારના ૮.૩૦ કલાકે નવ નવ આત્માઓને સંસાર સાગરથી તારનારા શ્રી ભાગવતી જૈન દીક્ષા મહોત્સવ માં પરમ ગુરુદેવના શ્રીમુખેથી સંયમના દાન અર્પણ કરવામાં આવશ.

(2:52 pm IST)