Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

દેણું ઉતારવા શિલ્‍પા લાઇફ સ્‍ટાઇલ શો રૂમના સેલ્‍સમેને પોણા પાંચ કરોડના દાગીના ઓળવી જઇ વેંચી માર્યા!

અક્ષર માર્ગ પરના શો રૂમમાં સાત વર્ષથી નોકરી કરી રહેલા ભીડભંજન સોસાયટીના નિકુંજ આડેસરાએ કરી છેતરપીંડી : મેનેજર પ્રિતેશભાઇ રાણપરાની માલવીયાનગર પોલીસમાં ફરિયાદઃ એમસીએક્‍સના સટ્ટાના રવાડે ચડી ગયો હતોઃ પિતાની મદદથી શો રૂમના દાગીના વેંચી માર્યાની શક્‍યતાએ બંનેને પુછતાછ માટે ક્રાઇમ બ્રાંચે ઉઠાવી લીધા : પીઆઇ વાય. બી. જાડેજાની ટીમે આરોપી અને તેના પિતાની પુછતાછ આદરી

 

રાજકોટ તા. ૧૩: શહેરના અક્ષર માર્ગ પર આવેલા શિલ્‍પા લાઈફ સ્‍ટાઇલ શો રૂમમાં સેલ્‍સમેન તરીકે નોકરી કરતો શખ્‍સ ૪ કરોડ ૭૧ લાખ ૫૦ હજારના સોનાના દાગીના ઓળવી જતાં ચકચાર જાગી છે. માલવીયાનગર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. દરમિયાન ક્રાઇમ બ્રાંચે આરોપીને સકંજામાં લઇ પુછતાછ શરૂ કરતાં મોજશોખ પાછળ અને એમસીએક્‍સના સટ્ટામાં મોટી રકમ ગુમાવતાં આ દાગીના ઓળવી ગયાનું પ્રાથમિક તપાસમાં રટણ કર્યુ છે. આરોપી સાથે તેના પિતાને પણ પોલીસે પુછતાછ માટે ઉઠાવી લીધાનું જાણવા મળે છે.

આ બનાવમાં પોલીસે શો રૂમના મેનેજર પ્રિતેશભાઈ પ્રકાશભાઇ રાણપરા (રહે.પુજારા પ્‍લોટ શેરી નં.૪નો ખૂણો બાલમુકુંદ એપાર્ટમેન્‍ટ ફલેટ નં. ૩૦૨, કાંતાસ્ત્રી વીકાસ ગળહથી આગળ રાજકોટ)ની ફરીયાદ પરથી પોલીસે નીકુંજ જમનાદાસ આડેસરા (ઉ.વ.૨૩-રહે. ભીડભંજન સોસાયટી શેરી નં.૫, શ્રીનાથજી-૨ એપાર્ટમેન્‍ટ ફલેટ નં. ૪૦૨) વિરૂધ્‍ધ ગુનો દાખલ કરાયો છે. મેનેજર પ્રિતેશભાઈ રાણપરાએ જણાવ્‍યું છે કે હું અક્ષર માર્ગ ઉપર એસબીઆઈ બેંકની સામે આવેલ શિલ્‍પા લાઇફ સ્‍ટાઇલ શો-રૂમ પર  બ્રાંચ મેનેજર તરીકે છેલ્લા સત્તર વર્ષથી નોકરી કરૂ છું. આ શો રૂમમાં સોનાના તેમજ હીરાના દાગીનાનું વેચાણ થાય છે.  અહિ સેલ્‍સમેન તરીકે નીકુંજ જમનાદાસ આડેસરા છેલ્લા સાતેક વર્ષથી નોકરી કરે છે.

શો રૂમમા નીકુંજને સોનાના ચેઈન, સોનાના મંગલસુત્ર અને સોનાના પંજાનુ વેચાણ અને સ્‍ટોક મેઇનટેઈન કરવાનું કામકાજ સોંપાયું હતું. તેમજ તેનો હીસાબ તે સંભાળતો હતો અને દરરોજના વેચાણનો હીસાબ રાત્રીના સમયે શો રૂમ બંધ કરવા સમયે  મારી પાસે ટેલી કરાવવાનો હોય છે અને દર મહીને એક વાર આ સોનાના દાગીનાની ગણતરી કરી અને કોમ્‍પ્‍યુટરાઈઝડ સ્‍ટોક સાથે મેળવી ચેક કરી તેનો વેચાણનો હિસાબ દરેક વ્‍યકતી દીઠ અલગ અલગ ચેક કરવામાં આવે છે.

મેનેજર પ્રિતેશભાઇએ આગળ જણાવ્‍યું છે કે  તા. ૧૧/૦૩/૨૦૨૩ના રોજ સાંજના છ વાગ્‍યાની આસપાસ અમે તથા અમારા શો રૂમના માલીક હીરેન પ્રભુદાસભાઈ પારેખ સાથે મળી સોનાના દાગીનાનો હીસાબ ચેક કરતા હતા ત્‍યારે જણાયેલ કે શો રૂમમાં સેલ્‍સમેન તરીકે નોકરી કરતા નીકુંજ જમનાદાસ આડેસરાને અમારા શો રૂમના વેચાણ માટે આપેલ સોનાના ચેઈન, મંગલસૂત્ર અને સોનાના પંજાના ટોટલ સ્‍ટોકમાંથી સોનાના ચેઈને અલગ અલગ ડીઝાઈનના કુલ ૩૮૧ જેનું કુલ વજન ૬,૫૦૦ ગ્રામ જેની કિમત આશરે રૂ.૩,૭૭,૦૦,૦૦૦ (ત્રણ કરોડ સીત્તોતેર લાખ), સોનાના મંગળસૂત્ર નંગ ૧૫૦ જેનું કુલ વજન ૧૩૦૦ ગ્રામ જેની કિંમત રૂા ૭૫,૪૦,૦૦૦ (પીચોતેર લાખ ચાલીસ હજાર ) તથા સોનાના પંજા નંગ-૧૪ જેનું ક્‍લ વજન ૩૨૫ ગ્રામ જેની કિંમત રૂ.૧૮,૨૫,૦૦૦ (અઢાર લાખ પચીસ હજાર) થાય છે. આ દાગીના નિકુંજને વેંચાણ માટે આપેલા હોઇ જેનો વેચાણનો હીસાબ કે સ્‍ટોકનો નંગ મેળનો હિસાબ તેણે આપ્‍યો નહોતો. આ બાબતે તેણે યોગ્‍ય વાજબી જવાબ પણ ન આપતાં તે કુલ રૂા. ૪,૭૧,૫૦,૦૦૦ના ૮૧૨૫ ગ્રામ સોનાના દાગીના ઓળવી ગયાનું જણાતાં અમે ફરિયાદ કરી હતી.

તેમ વધુમાં મેનેજરે જણાવતાં પીઆઇ આઇ. એન. સાવલીયા, પીએસઆઇ એમ. એસ. મહેશ્વરી, એએસઆઇ એ. જે. કાનગડ સહિતે ગુનો દાખલ કરાવ્‍યો હતો અને તપાસ શરૂ કરી હતી. કરોડોની ઠગાઇ થઇ હોઇ પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવ, સંયુક્‍ત પોલીસ કમિશનરશ્રી સોૈરભ તોલંબીયાી સુચનાથી ક્રાઇમ બ્રાંચે પણ તપાસમાં ઝુકાવ્‍યું હતું. ડીસીપી ડો. પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી બી. બી. બસીયાની રાહબરીમાં પીઆઇ વાય. બી. જાડેજા, પીએસઆઇ એમ. જે. હુણ, વિરેન્‍દ્રસિંહ જાડેજા, રણજીતસિંહ પઢારીયા, વિજયભાઇ મેતા સહિતની ટીમે આરોપીને સકંજામાં લઇ પુછતાછ શરૂ કરી હતી. તે સટ્ટામાં અને મોજશોખમાં ખુબ મોટી રકમ ગુમાવી ચુક્‍યો હોઇ તેમજ દેણું થઇ ગયું હોઇ દેણુ ચુકવવા દાગીના વેંચાવી લેણદારોને રકમ ચુકવી દીધાનું પણ રટણ કરે છે. દાગીના વેંચવામાં તેના પિતાએ મદદ કર્યાની શંકાએ તેની પણ પુછતાછ શરૂ કરવામાં આવી છે. જો કે વિધીસર ધરપકડ બાદ પોલીસ તપાસમાં સાચી વિગતો સામે આવશે અને આગળ કાર્યવાહી કરવામાં આવશે.

 

(12:06 pm IST)