Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

માનસિક અસ્‍વસ્‍થ યુવાનને બેફામ મારકુટઃ મોત

નવાગામની પથુબા એજ્‍યુકેશન ટ્રસ્‍ટ નામની સંસ્‍થામાં ૯મીએ વહેલી સવારે એક માનસિક અસ્‍વસ્‍થને બીજા માનસિક અસ્‍વસ્‍થ શખ્‍સે ધોલધપાટ કરતાં સારવારમાં હતોઃ આજે દમ તોડી દેતાં બી-ડિવીઝન પોલીસે કાર્યવાહી કરી

રાજકોટ તા. ૧૩: નવાગામમાં આવેલી સંસ્‍થામાં એક બિનવારસ માનસિક અસ્‍વસ્‍થ યુવાનને બીજા માનસિક અસ્‍વસ્‍થ યુવાને બેફામ ધોલધપાટ કરતાં બેભાન થઇ જતાં સારવાર માટે દાખલ કરવામાં આવ્‍યો હતો.  તેનું આજે મોત નિપજ્‍યું હતું.

જાણવા મળ્‍યા મુજબ નવાગામમાં આવેલી પથુબા એજ્‍યુકેશન ટ્રસ્‍ટ નામની સંસ્‍થામાં માનસિક અસ્‍વસ્‍થ લોકોને રાખવામાં આવે છે અને તેમની દેખરેખ રાખવામાં આવે છે. આ સંસ્‍થામાં રાખવામાં આવતાં બીનવારસ માનસિક અસ્‍વસ્‍થ વ્‍યક્‍તિના નામ પણ સંસ્‍થા દ્વારા રાખવામાં આવતાં હોય છે.  અહિ રખાયેલા મનિષ નામના આશરે ૩૫ વર્ષના આવા એક યુવાનને ગત તા. ૯ના વહેલી સવારે ચારેક વાગ્‍યે તેની જ સાથે રખાયેલા તેના જેવા જ એક યુવાને કોઇ કારણોસર બેફામ ઢીકાધૂંબાનો માર મારતાં દેકારો મચી ગયો હતો. સામે માર ખાનારે પણ મારામારી કરી લીધી હતી.  બનાવને પગલે સિક્‍યુરીટી સ્‍ટાફ દોડી ગયો હતો અને બંનેને છોડાવ્‍યા હતાં. જેમાં બેફામ મારને કારણે આશરે પાંત્રીસ વર્ષનો મનિષ બેશુધ્‍ધ જેવો થઇ જતાં સંસ્‍થાના સ્‍ટાફ દ્વારા તેને સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવતાં આ અંગે જે તે વખતે હોસ્‍પિટલ પોલીસ ચોકીના સ્‍ટાફ દ્વારા બી-ડિવીઝન પોલીસને જાણ કરવામાં આવતાં પ્રાથમિક કાર્યવાહી કરવામાં આવી હતી. સારવાર હેઠળ રહેલા મનિષનું આજે મોત નિપજતાં નોંધ કરાવવામાં આવતાં બી-ડિવીઝનના પીએસઆઇ એ. વી. બકુતરા અને રાઇટર ભાવેશભાઇએ જરૂરી કાર્યવાહી કરી હતી. આ બનાવમાં પોલીસે મૃતદેહનું ફોરેન્‍સિક પોસ્‍ટમોર્ટમ કરાવ્‍યું હતું. મોતનું ચોક્કસ કારણ જાણવા વિસેરા લેવામાં આવ્‍યા હતાં.

(3:28 pm IST)