Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

મારૂતિનગરમાં ધનલક્ષ્મી જ્‍વેલર્સમાં વહેલી સવારે ચોરના પગલાઃ ૩ાા લાખના ચાંદીના દાગીના ચોરાયા

હુડકો પોલીસ ચોકી પાછળના રોડ પર વહેલી સવારે બનાવઃ સીસીટીવીમાં ત્રણેક શકમંદ દેખાયા : પાયલ, બંગડી, ભગવાનની નાની નાની મુર્તિઓ, નજરીયા, કંદોરા, લક્કી, માળા, છઠીયા ચોરાઇ ગયાઃ તસ્‍કરોએ સીસીટીવી કેમેરા પણ તોડી નાંખ્‍યા

જ્‍યાં ચોરી થઇ તે ધનલક્ષ્મી જ્‍વેલર્સ દૂકાન, ઉંચકાવાયેલુ શટર અને તોડી નખાયેલા સીસીટીવી કેમેરા જોઇ શકાય છે (ફોટોઃ અશોક બગથરીયા)

રાજકોટ તા. ૧૩: તસ્‍કરોએ તરખાટ મચાવવાનું શરૂ કર્યુ છે. કોઠારીયા રોડ પર હુડકો પોલીસ ચોકી પાછળના રોડ પર મારૂતિનગર મેઇન રોડ પર આવેલી ગાયત્રીનગરના વેપારીની દૂકાનનું વહેલી સવારે શટર ઉંૅચકાવી તસ્‍કરો રૂપિયા સાડા ત્રણ લાખના ચાંદીના દાગીના, ભગવાનની મુર્તિઓ સહિત ચાંદીની ચીજવસ્‍તુઓ ચોરી જતાં તપાસ શરૂ થઇ છે. વહેલી સવારે આવેલા ત્રણેક તસ્‍કરોએ દૂકાનના સીસીટીવી કેમેરા તોડી નાંખ્‍યા હતાં અને ડીવીઆર પણ લઇ ગયા હતાં. સામેની દૂકાનના કેમેરામાં ત્રણેક શખ્‍સો દેખાયા હોઇ તેના આધારે તપાસ શરૂ થઇ છે.

આ બનાવમાં ભક્‍તિનગર પોલીસે ગાયત્રીનગર-૧ યમુના કુંજ ખાતે રહેતાં દૂકાનના માલિક ચંદ્રેશભાઇ કાંતિલાલ માંડલીયા (ઉ.વ.૪૨)ની ફરિયાદ પરથી ચોરીનો ગુનો નોંધ્‍યો છે.

ચંદ્રેશભાઇ કોઠારીયા રોડ પર હુડકો પોલીસ ચોકીની પાછળ મારૂતિનગર મેઇન રોડ પર પાણીના ટાંકા સામે ધનલક્ષ્મી જવેલર્સ નામે ચોૈદ વર્ષથી દૂકાન ચલાવે છે. દૂકાનમાં તેઓ માત્ર ચાંદીના દાગીના બંગડીઓ, પાયલ, ડોડી, કંદોરા, લક્કી, બ્રેસલેટ, નજરીયા, ભગવાનની નાની મુર્તિ વગેરે તૈયાર કરીને વેંચે છે. આ ઉપરાંત રાજસ્‍થાનમાં જોધપુર, ઉદયપુર, પાલી, શિવગંજ ખાતે પણ ચાંદીના દાગીના વેંચવા જાય છે. આ દૂકાનમાં તેમના મિત્રની દિકરી ચાર્મી દેવેન્‍દ્રભાઇ વાગડીયા દેખરેખ માટે અને દાગીનાનું વેંચાણ કરવા માટે નોકરી પર આવે છે. દૂકાન દરરોજ સવારે દસ વાગ્‍યે ખોલવામાં આવે છે.

ગઇકાલે રવિવાર હોવાથી સવારે સાડા દસેક વાગ્‍યે ચંદ્રેશભાઇએ દૂકાન ખોલી હતી અને એકાદ કલાક બેઠા બાદ દૂકાન વધાવી ઘરે જતાં રહ્યા હતાં. આજે સવારે ૪:૫૭ કલાકે બાજુમાં સીંગ દાળીયાની દૂકાન ધરાવતાં ગિરીશભાઇ સિંધીએ ફોન કરીને જાણ કરી હતી કે તમારી દૂકાનનું શટર ઉંચકાવાયેલુ છે. જેથી ચંદ્રેશભાઇ તુરત પહોંચ્‍યા હતાં અને તપાસ કરતાં દૂકાનમાં બધુ વેરવિખેર જોવા મળ્‍યું હતું. તસ્‍કરો ચાંદીની બંગડીઓ બે કિલ, ચાંદીની પાયલ પાંચ કિલો, ભગવાનની નાની નાની મુર્તિઓ જેમાં લક્ષ્મીજી, વાઘેશ્વરીમા, શ્રીનાથજી, લક્ષ્મીજી-ગણેશજી, ચાંદીના સિક્કા સહિત બે કિલો ચાંદી મળી કુલ ૯ કિલો ૮૦૦ ગ્રામ ચાંદીના દાગીના તેમજ

ચાંદીની લક્કી માળા, નજરીયા, કંદોરા, ડોડી, છઠીયા સહિતના બીજા બે કિલો દાગીના મળી કુલ રૂા. ૩,૫૦,૦૦૦ના ૧૧ કિ.ગ્રા. ચાંદીના દાગીના ગાયબ હતાં.

તસ્‍કરો શટર ઉંચકાવી આ ચોરી કરી ગયા હતાં. ભક્‍તિનગરના એએસઆઇ અચ. એસ. દાફડાએ ગુનો નોંધ્‍યો હતો. ચંદ્રેશભાઇએ જણાવ્‍યું હતું કે તસ્‍કરોએ દૂકાનના સીસીટીવી કેમેરા તોડી નાંખ્‍યા હતાં અને ડીવીઆર પણ સાથે લઇ ગયા હતાં. જ્‍યારે સામેની દૂકાનના સીસીટીવી કેમેરા ચેક કરતાં ત્રણેક શકમંદ શખ્‍સો સવારે ૩:૪૦ કલાકે દૂકાને આવ્‍યાનું જણાયું હતું. પોલીસે આ ફૂટેજને આધારે તપાસ શરૂ કરી છે.

(3:29 pm IST)