Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

મવડી ખાતે ભાગવત કથા, ૫૧ કુંડી વિષ્‍ણુયાગ મહાયજ્ઞ અને ૩૪ નવ યુગલોના સમુહલગ્ન

શ્રી બાલાજી ગ્રુપના સ્‍વયંસેવકો અને સિદપરા પરિવાર દ્વારા આયોજન : ડો.મહાદેવ પ્રસાદ મેહતા કથાનું રસપાન કરાવશેઃ સમુહલગ્નમાં કરીયાવરમાં દીકરીઓને ૧૯૦થી વધુ વસ્‍તુઓ અપાશેઃ ભવ્‍ય આયોજન

રાજકોટઃ શહેરના રાજદીપ સોસાયટીના બાલાજી ગ્રુપના સ્‍વયં સેવકો તથા સીદપરા પરિવાર દ્વારા દર દર વર્ષે કરવામાં આવતા આયોજનના ભાગરૂપે રાજકોટ ખાતે ઋષિકેશ ફાર્મ હાઉસ મવડી બાયપાસ કણકોટ રોડ ખાતે તા.૧૫ માર્ચ થી તા.૨૧ માર્ચ સુધી વિવિધ ધાર્મિક અને સામાજીક કાર્યક્રમોનું જેમ કે શ્રીમદ્દ ભાગવત સપ્‍તાહ, જ્ઞાનયજ્ઞ, ૫૧ કુંડી વિષ્‍ણુ મહાયજ્ઞ તેમજ ૩૪ દીકરીઓના સમુહલગ્નનું આયોજન કરવામાં આવ્‍યું છે.

પ્રસિધ્‍ધ ભાગવતાચાર્ય અને પ્રખર વકતા ડો.મહાદેવ પ્રસાદ મહેતા કપિલ પ્રાગટય, નરસિંહ પ્રાગટય, શ્રી કૃષ્‍ણ પ્રાગટય, શ્રી ગોર્વધન પુજન, શ્રી રૂક્ષ્મણી વિવાહ તથા પરિક્ષિત મોક્ષ સહિતના ભાગવત ભગવાનના પ્રસંગોની ઉજવણી થશે.

સતત સાત દિવસ સુધી ચાલનારા આ મહાયજ્ઞમાં ભાગવત સપ્‍તાહ ઉપરાંત તા.૨૩ થી ૨૫ સુધી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરના વિદ્વાન ભૂદેવો વિશ્વ કલ્‍યાણ અર્થે ૫૧ કુંડી વિષ્‍ણુ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે. જેની વ્‍યવસ્‍થા રાજદીપ બાલાજી મંદિરના સ્‍વયંસેવકો સંભાળશે.

આ સાથે તા.૧૯ના સર્વજ્ઞાતિ સમુહ લગ્નનું આયોજન કરવામાં આવેલ છે. જય બાલાજી આયોજીત આ સમુહલગ્નમાં સર્વેજ્ઞાતિની ૩૪ દિકરીઓ પ્રભુતામાં પગલા  માંડશે. જેમાં જય બાલાજી પરિવાર પિયરની જવાબદારી સંભાળશે.  કરીયાવરમાં દીકરીઓને ૧૯૦થી વધુ વસ્‍તુઓ આપવામાં આવશે. જેની વિશેષ માહિતી માટે જયસુખભાઈ ચાંગાણી મો.૯૮૨૫૧ ૯૨૨૮૦ તથા મહેશભાઈ વેકરીયા મો.૯૯૦૪૩ ૫૩૨૬૭, આર.ડી.સોજીત્રા મો.૯૪૨૭૭ ૨૨૦૧૪ સમય સાંજના ૫ થી ૬, ૧૫૦ ફૂટ રીંગ રોડ, પટેલ બોર્ડીંગની બાજુમાં જય બાલાજીની ઓફિસનો સંપર્ક સાધવા જાહેર જનતાને અપીલ  કરાઈ છે.

તસ્‍વીરમાં રમેશભાઈ વેકરીયા, રણછોડભાઈ સોજીત્રા અને મગનભાઈ સીદપરા નજરે પડે છે.(તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

(3:39 pm IST)