Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

પાણી પુરવઠા વિભાગમાં નોકરી માટે પસંદ થયેલા ઉમેદવારોએ વિધાનસભાની કામગીરી જોઇ - જાણી

અગ્રસચિવ ધનંજય દ્વિવેદીનું પ્રોત્‍સાહન અને અધિક સચિવ જયદીપ દ્વિવેદીની જહેમત

રાજકોટ તા. ૧૧ : પાણી પુરવઠા વિભાગમાં તાજેતરમાં જ, ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલી સીધી ભરતીની સ્‍પર્ધાત્‍મક પરીક્ષા પસાર કરીને, નિયુક્‍ત થયેલા સિનિયર ક્‍લાર્કની પૂર્વસેવા તાલીમ ગાંધીનગર ખાતે આવેલી જલ સેવા તાલીમ સંસ્‍થા' ખાતે ચાલી રહી છે.  તાલીમાર્થીઓના અભ્‍યાસક્રમમાં વિધાનસભા કામકાજ'નો મુદ્દો સમાવિષ્ઠ કરેલો છે. તાલીમ દરમિયાન જ, હાલ વિધાનસભા સત્ર ચાલુ હોઈ, તાલીમાર્થીઓને પ્રત્‍યક્ષ વિધાનસભામાં લઈ જઈને, કામગીરી પ્રત્‍યક્ષ બતાવી, તાલીમ આપવાનો વિચાર ફેકલ્‍ટી તરીકે આવ્‍યો... અગ્ર સચિવ શ્રી ધનંજય દ્વિવેદી દ્વારા પ્રોત્‍સાહન મળ્‍યું અને વિધાનસભા ઉપરાંત સચિવાલય, પાણી પુરવઠા બોર્ડ અને એકાદ પાણી પુરવઠા યોજનાની પ્રત્‍યક્ષ મુલાકાત કરાવવા સૂચવ્‍યું. જલ સેવા તાલીમ સંસ્‍થાના અધિકારીઓ અને કર્મચારીઓ એ જરૂરી પ્રક્રિયા સત્‍વરે પૂર્ણ કરી, પ્રત્‍યક્ષ તાલીમનું આયોજન કર્યુ. તેમ વિભાગના અધિક સચિવ શ્રી જયદીપ દ્વિવેદીનું કહેવું છે.

 સ્‍પર્ધાત્‍મક પરીક્ષામાં, રાજયના ખૂણે ખૂણેથી  ઉત્તીર્ણ થઈને નિમણૂક પામીને, તાલીમમાં આવેલ તાલીમાર્થીઓના ચહેરાઓ પર કાઈક નવું જોવા, જાણવા અને શીખવાનો આનંદ જોઈ, આ સમગ્ર ઘટનામાં નિમિત્ત બનવાનો સંતોષ થયો. કારકિર્દીના અંતિમ તબક્કે કર્મયોગ કર્યાનો પરમ સંતોષ પ્રાપ્ત થયો. તેમ અધિક સચિવનું કહેવું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, અધિક સચિવ શ્રી જયદીપ દ્વિવેદી આગામી ૩૧ જુલાઇએ નિવૃત્ત થઇ રહ્યા છે. નવી પેઢીને તાલીમ આપવાના તેમના જુસ્‍સાનો અગ્રસચિવ શ્રી ધનંજય દ્વિવેદીએ તેમના આ વર્ષના પરફોર્મન્‍સ એપ્રીસીએટ રીપોર્ટમાં ઉલ્લેખ કર્યો છે.

 

(3:40 pm IST)