Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

રામકૃષ્‍ણ મિશનમાં મંત્રદીક્ષા એટલે શું તેની સ્‍વામી નિખિલેશ્વરરાનંદજીએ માહિતી આપીઃ આધ્‍યાત્‍મિક શિબિર સંપન્‍ન

રાજકોટઃ શ્રીરામકૃષ્‍ણ આશ્રમ, રાજકોટ દ્વારા સ્‍વામી વિવેકાનંદ સ્‍થાપિત સંસ્‍થા રામકૃષ્‍ણ મિશનની ૧૨૫ મી વર્ષગાંઠ નિમિત્તે એકદિવસીય આધ્‍યાત્‍મિક શિબિરનું આયોજન કરવામાં આવ્‍યું.  જેમાં ૩૦૦ જેટલા આધ્‍યાત્‍મિક જિજ્ઞાસુઓએ ભાગ લીધો. શિબિરની શરૂઆત ભગવાન શ્રીરામકૃષ્‍ણદેવની પૂજા, શ્રીરામકૃષ્‍ણ નામ-સંકીર્તન, શ્રીરામકૃષ્‍ણ અષ્ટોત્તરશતનામ તથા ગીતાપાઠ દ્વારા કરવામાં આવી. ત્‍યારબાદ શિબિરમાં રામકૃષ્‍ણ મિશન, ભોપાલના સચિવ સ્‍વામી નિત્‍યજ્ઞાનાનંદજી મહારાજે જિજ્ઞાસુઓને રામકૃષ્‍ણ મિશનમાં સાધનાની પરંપરા વિષય પર માર્ગદર્શન આપ્‍યું.

શ્રીરામકૃષ્‍ણ આશ્રમ, રાજકોટના અધ્‍યક્ષ સ્‍વામી નિખિલેશ્વરાનંદજી મહારાજે રામકૃષ્‍ણ મિશનમાં મંત્રદીક્ષા એટલે શું, તેના લાભો, કોણ મંત્રદીક્ષા લઈ શકે વગેરે અંગેની માહિતી આપી તથા મંત્રદીક્ષા અંગેની લોકોની ગેરસમજ દૂર કરી. આ ઉપરાંત આશ્રમના વિદ્વાન વકતાઓએ જિજ્ઞાસુઓને ભગવાન શ્રીરામકૃષ્‍ણ દેવ, શ્રીમા શારદા દેવી તથા સ્‍વામી વિવેકાનંદના જીવન અને સાધના અંગે ભક્‍તોને માર્ગદર્શન આપ્‍યું. શિબિરમાં રામકૃષ્‍ણ મિશનના આદર્શ અને પ્રવૃત્તિઓ અંગેની ડોકયુમેન્‍ટરી પણ બતાવવામાં આવી. ત્‍યારબાદના પ્રશ્નોત્તરી સત્રમાં આશ્રમના સંતો દ્વારા જિજ્ઞાસુઓની સાધના તથા જીવનની સમસ્‍યા અંગેની મૂંઝવણો દૂર કરવામાં આવી. સર્વે પ્રતિભાગીઓને આધ્‍યાત્‍મિક પુસ્‍તકોનું વિતરણ કરવામાં આવ્‍યું.

(3:40 pm IST)