Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

વ્‍યાજખોરીના ગુનામાં નિવૃત્ત ફૌજીની રિમાન્‍ડ અરજી નામંજુર કરી જામીનમુક્‍ત કરતી કોર્ટ

રાજકોટ તા. ૧૩ : વ્‍યાજખોરી અને ખંડણીના ગુનામાં તલાટી મંત્રી અને નિવૃત ફૌજીની રિમાન્‍ડની અરજી અદાલતે નામંજુર કરી જામીન અરજી મંજુર કરતો હુકમ કર્યો છે.

કેસની વિગત મુજબ,વાંકાનેરના મહિકા ગામે રહેતા ઇલ્‍મુદીન હબીબભાઇ બાદી દ્વારા વાંકાનેર સિટી પોલીસ મથકમાં  ગતા તા. ૬/૨/૨૦૨૩ ના રોજ વાંકાનેરના કાદરીબાપુ(એજાજભાઇ કાદરી) અને અમદાવાદના પ્રહલાદસીંહ બહાદુરસિંહ ચુડાસમાં સામે ફરિયાદ નોંધાવી હતી.જે ફરિયાદમાં જણાવ્‍યું હતું કે,ફરિયાદીએ આરોપી પાસે મિલકત ગીરવે મુકી તેનુ લખાણ કરાવી ૧૨/૧૦/૨૦૨૦ના રોજ ઉંચા વ્‍યાજે ૩૦ લાખ લીધા હતાં.જેનું પાંચ ટકા વ્‍યાજ ચૂકવતા હતાં.દરમિયાન ફરિયાદીની માલીકીની જમીન અને કાર બળજબરીથી પડાવ લીધા બાદ પણ વ્‍યાજની પઠાણી ઉઘરાણી કરતા તેમણે આ ફરિયાદ નોંધાવી હતી.જેના આધારે વાંકાનેર પોલીસે મની લેન્‍ડ સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્‍યો હતો.

ત્‍યારબાદ પોલીસે આ બન્ને આરોપીઓની ધરપકડ કરી હતી અને કોર્ટ સમક્ષ હાજર કરી આરોપીઓના ૩ દિવસના રિમાન્‍ડની માંગણી કરવામાં આવેલ હતી. આરોપીઓના વકીલે ઉચ્‍ચ ન્‍યાયાલયોના ચુકાદાઓને ટાંકી રજૂઆત કરેલ કે આરોપીઓ વગર તપાસ આગળ વધી ન શકે તેવા કોઈ કારણો પોલીસની રીમાન્‍ડ અરજી કે રજૂઆતોમાં જણાય આવતા ન હોય રીમાન્‍ડ અરજી રદ કરવા વિવિધ મુદ્દાઓ પર વિસ્‍તૃત દલીલો કરી હતી.જેને ધ્‍યાને લઈ આરોપીઓના રિમાન્‍ડ નામંજૂર કરવામાં આવ્‍યા હતા અને આરોપીઓએ પોતાના વકીલ મારફત જામીન અરજી દાખલ કરતાં બંન્ને આરોપીઓની જામીન અરજી વાંકાનેર કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવી હતી.

આ કામના આરોપીઓ વતી રાજકોટના વકીલ રૂપરાજસિંહ પરમાર, વિજયભાઈ ગોહેલ, હુસૈનભાઈ હેરંજા તથા મદદમાં અજીતભાઈ પરમાર, શક્‍તિ ગઢવી, જયદેવસિંહ ઝાલા, પાર્થરાજસિંહ ઝાલા, રવિભાઈ લાલ, જીત શાહ અને ફૈઝાન સમા રોકાયા હતા

(3:56 pm IST)