Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

હિરાસર એરપોર્ટ નજીક યુપીના વિનોદને દારૂની મહેફીલમાં ડખ્‍ખો થતાં સાથી શ્રમીકોએ પતાવી દીધો'તો

ક્રાઇમ બ્રાંચના પી.આઇ. એલ.એલ.ચાવડા સહિતે રાજારામ અને દિનેશ સહિત ચાર શ્રમીકોને સકંજામાં લઇ પૂછપરછ હાથ ધરી

રાજકોટ તા. ૧૩ : કુવાડવા રોડ પર હીરાસર એરપોર્ટની સાઇટ પર મજૂરી કામ કરતા યુપીના યુવાનની હત્‍યામાં ક્રાઇમ બ્રાંચની ટીમે ચાર શખ્‍સોને પકડી લઇ પૂછપરછ હાથ ધરી હતી.

મળતી વિગત મુજબ હીરાસર એરપોર્ટની સાઇટ પર મજૂરી કામ કરતો ઉત્તરપ્રદેશનો વતની વિનોદ મનીચંદભાઇ ખરવાર (ઉ.૩૮) ગત તા. ૭ના સાઇટ પર ભેદી રીતે લાપતા થઇ જતા તેના પરિવારજનોએ તેની શોધખોળ હાથ ધરી હતી. દરમિયાન ગત શનિવારે સાઇટ નજીક બાવળની ઝાડીમાંથી તેની કોહવાયેલી લાશ મળી આવી હતી. બાદ પોલીસને જાણ કરતા એરપોર્ટ પોલીસે સ્‍થળ પર પહોંચી યુવાનના મૃતદેહને પોસ્‍ટમોર્ટમ માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. યુવાનનું ગળાટૂંપો દઇ મોતને ઘાટ ઉતારાયાનો ફોરેન્‍સીક પોસ્‍ટમોર્ટમ રીપોર્ટમાં આવતા પોલીસે અજાણ્‍યા શખ્‍સો વિરૂધ્‍ધ હત્‍યાનો ગુનો દાખલ કરી પીઆઇ એમ.એ.ઝણકાંત, પી.એસ.આઇ. આર.એન.સાકરીયા તથા રાઇટર અંશુમાનભાઇ ગઢવી સહિતે તપાસ હાથ ધરી હતી. આ બનાવમાં વિનોદની હત્‍યા તેની સાથે જ કામ કરતા કેટલાક શ્રમીકો સામેલ હોવાની માહિતી મળતા ક્રાઇમ બ્રાંચના પી.આઇ. એલ.એલ.ચાવડા સહિતના સ્‍ટાફે એરપોર્ટની સાઇટ પર કામ કરતા રાજારામ, દિનેશ સહિત ચાર બીહારી શખ્‍સોને સકંજામાં લઇ પૂછપરછ કરતા ચારેયે વિનોદની વાયરથી ગળેટૂંપો દઇ હત્‍યા કર્યાની કબુલાત આપી હતી. ચારેય શખ્‍સો વિનોદની સાથે દારૂ પીવા માટે બેઠા હતા. દરમિયાન ચારેય શખ્‍સો સાથે બોલાચાલી થયા બાદ વિનોદ નજીકમાં ટેકરા ઉપર ફોનમાં વાત કરતો હતો. ત્‍યારે ચારેય શખ્‍સો પાછળથી આવી વાયરથી વિનોદને ગળેટૂંપો દઇ ત્‍યાં જ બાવળની ઝાડીમાં એક ખાડામાં ફેંકી દીધો હતો. બાદ ચારેય શખ્‍સો ઓરડીમાં આવી સૂઇ ગયા હતા. બાદ પરિવારજનો વિનોદની શોધખોળ કરતા હતા ત્‍યારે આ ચારેય શખ્‍સો અજાણ બની તેના પરિવારજનોની સાથે જ હતા. આ અંગે ક્રાઇમ બ્રાંચની ટીમે ચારેયની વધુ પૂછપરછ હાથ ધરી હતી.

(3:58 pm IST)