Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

ભગવતીપરામાં ઘર પાસે ગાળો બોલવા મામલે ધોકા-પથ્‍થર ઉડયાઃ પાંચને ઇજા

ટમુબેન, પુત્ર રોહિત અને પુત્રી શિતલને ઇજાઃ સામા પક્ષે ભરતભાઇ અને જ્‍યોતિબેન ઘવાયા

રાજકોટ તા. ૧૩: ભગવતીપરામાં શાળા નં. ૭ની પાછળ રહેતાં બે પરિવારો વચ્‍ચે મારા મારી થતાં પાંચને ઇજા થઇ હતી. એક બીજા પર ધોકા પથ્‍થરથી હુમલો કરવામાં આવતાં ઘાયલોને હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં.

જાણવા મળ્‍યા મુજબ ભગવતીપરામાં રહેતાં ટમુબેન ભુપતભાઇ સોલંકી (ઉ.વ.૪૦) પર તેના પડોશી ભરતભાઇ સહિતે ધોકાથી હુમલો કરી ઇજા પહોંચાડતાં તેને બચાવવા પુત્રી શિતલ (ઉ.૧૬) તથા પુત્ર રોહિત (ઉ.૧૫) વચ્‍ચે પડતાં તેને પણ ઘાયલ કરવામાં આવતાં ત્રણેયને સિવિલમાં ખસેડાયા હતાં. ટમુબેનના પતિ ભુપતભાઇના કહેવા મુજબ ઘર પાસે ભરતભાઇ ગાળો બોલતો હોઇ તેને ના પાડતાં ઉશ્‍કેરાઇ જઇ હુમલો કર્યો હતો.

સામા પક્ષે ભરતભાઇ રાજુભાઇ બરહાટીયા (ઉ.૫૦) અને જ્‍યોતિ ચકાભાઇ બરહાટીયા (ઉ.૩૦) પણ સારવાર માટે દાખલ થયા હતાં અને પોતાના પર પડોશી ભુપતભાઇ સહિતે હુમલો કરી પથ્‍થરમારો કરી ઇજા પહોંચાડયાની રાવ કરી હતી. બનાવ અંગે હોસ્‍પિટલ ચોકીના પરષોત્તમભાઇ અને જયદિપભાઇએ બી-ડિવીઝન પોલીસમાં નોંધ કરાવી હતી.

(4:52 pm IST)