Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

રાજકોટમાં અંગ્રેજી દારૂ રિફીલીંગ કરીને મોંઘી બ્રાન્ડનો ડુપ્લિકેટ અંગ્રેજી દારૂ ઉત્પાદન કરવાની ફેક્ટરી પકડાઈ

રામાપીર ચોકડી પાસે ગાંધીગ્રામ વિસ્તારના ધરમનગરમાં એક મકાનમાં ક્રાઇમ બ્રાન્ચનો દરોડો : કુલ રૂ.2.21 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો: બે આરોપીઓની ધરપકડ

રાજકોટમાંથી પ્રથમવાર અંગ્રેજી દારૂ રિફીલીંગ કરીને મોંઘી બ્રાન્ડનો ડુપ્લિકેટ અંગ્રેજી દારૂ ઉત્પાદન કરવાની ફેક્ટરી પકડાઈ છે. રાજકોટના રીંગરોડ પર રામાપીર ચોકડી પાસે ગાંધીગ્રામ વિસ્તારના ધરમનગરમાં એક મકાનમાં આજે પરોઢીયે ક્રાઈમ બ્રાન્ચના પી.એસ.આઈ.ડી.સી.સાકરિયા સહિતની ટીમે ત્રાટકીને અંગ્રેજી દારૂની ફેક્ટરી શરૂ કરી દેનાર કિસન અશોકભાઈ પાટડીયા સોની (ઉ.વ.26 ) અને તૌકીક મહેબુબભાઈ બુખારી (ઉ. 22)ની મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે.

ડી.સી.બી.પોલીસ મથકમાં પ્રોહી.એક્ટની વિવિધકલમો ઉપરાંત આઈપીસી ક.465, 468, 471, 114 હેઠળ નોંધાયેલ ગુના અંગે પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, આરોપીઓ રૂ।. 300ની બોટલની કિંમત રૂ।. 3000 થઈ જાય તે રીતે ડુપ્લિકેટ મોંઘી બ્રાન્ડનો અંગ્રેજી દારૂ રિફીલીંગ કરતી ફેક્ટરી ચલાવતા હતા. આ માટે સસ્તો દારૂ લઈ આવતા, અને જુદી જુદી બ્રાન્ડના મોંઘા દારૂના સ્ટીકર, લેબલ, વગેરેના ઉપયોગથી રિફિલીંગ કરીને ડુપ્લિકેટ બોટલ બનાવીને તેનું મોટાપાયે વેચાણ કરતા હતા.

(12:38 am IST)