Gujarati News

Gujarati News

News of Tuesday, 13th July 2021

દૂકાનમાં બૂટ ચપ્પલની સાથે દારૂ પણ મળતો!: ક્રાઇમ બ્રાંચે કાનજીને પકડ્યો

ઘરભાડાનો ખર્ચ કાઢવા ગોવાથી બાટલીઓ લાવી વેંચતો હોવાનું રટણઃ પીઆઇ વી. કે. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ વી. જે. જાડેજા અને ટીમનો દરોડો

રાજકોટ તા. ૧૩: દારૂ-જૂગારના કેસો શોધી કાઢવા અસરકારક કામગીરી કરવા મળેલી સૂચના અંતર્ગત ડીસીબી પોલીસ સ્ટેશનની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે મળેલી બાતમી પરથી કોઠારીયા રોડ સ્વાતિ સોસાયટી શિવ એન્ટરપ્રાઇઝ નામની બૂટ ચપ્પલની દૂકાનમાં બૂટ ચપ્પલ સાથે દારૂ પણ વેંચાય છે! આ બાતમી પરથી દરોડો પાડી ખરાઇ કરતાં ૧૬ હજારની બોટલો મળી આવતાં દૂકાનદારને પકડી લીધો હતો.

પોલીસે મુળ ઉનાના દૈસર ગામના કાનજી અરશીભાઇ પામક-કોળી (ઉ.વ.૨૮-રહે. હાલન્યુ સ્વાતિ સોસાયટી-૧ કોઠારીયા રોડ)ની ધરપકડ કરી તેની દૂકાનમાંથી અલગ અલગ બ્રાન્ડનો ૧૬ હજારનો ૧૮ બોટલ દારૂ કબ્જે કર્યો છે. કાનજીના કહેવા મુજબ હાલમાં બૂટ ચપ્પલના ધંધામાં કંઇ જામતું ન હોઇ ઘર ભાડુ ચડી જતું હોઇ તેનો ખર્ચ કાઢવા ગોવાથી છુટક છુટક બોટલો લાવીને બૂટ ચપ્પલની સાથે દારૂ પણ વેંચવાનું ચાલુ કર્યુ હતું. પોલીસે તેની વિશેષ પુછતાછ હાથ ધરી છે. આ કામગીરી પોલીસ ઇન્સ્પેકટર વી.કે.ગઢવી તથા પોલીસ સબ ઇન્સ્પેકટર વી.જે.જાડેજા, એ.એસ.આઇ. જયેશભાઇ નિમાવત, ચેતનસિંહ ચુડાસમા, પો.હેડ.કોન્સ. ભરતસિંહ પરમાર, હિતેન્દ્રસિંહ ઝાલા, પો.કોન્સ. મહેશભાઇ ચાવડા, સ્નેહભાઇ ભાદરકા તથા શકિતસિંહ ગોહીલએ પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ડી. વી. બસીયાના માર્ગદર્શન અને સુચના હેઠળ કરી હતી.

(12:57 pm IST)