Gujarati News

Gujarati News

News of Tuesday, 13th October 2020

જિલ્લા પંચાયતમાં ચૂંટાયેલી પાંખ ર૧ ડીસેમ્બર સુધી યથાવત : છેલ્લે વર્ષ ર૦૦૦માં વહીવટદાર મુકાયેલ

સમિતિઓની બેઠક બોલાવી શકશે, સામાન્ય સભા યોજી શકાશે : રર ડીસેમ્બરથી વહીવટદાર રાજકોટ જિલ્લા પંચાયતની સ્થાપના તા. ૧ એપ્રિલ ૧૯૬૪ના દિવસે થયેલ તે વખતથી અત્યાર સુધીમાં સુધીર માંકડ, એ.કે. લુક, એસ. આર. રાવ અને પ્રવીણ ત્રિવેદી વહીવટદાર તરીકે આવેલ : ચૂંટાયેલી પાંખના સઘળા અધિકાર : વહીવટદાર ભોગવી શકે : પ મહિલા પ્રમુખોએ રાજ કર્યુ

રાજકોટ, તા., ૧૩: રાજયના ચૂંટણી પંચે તમામ તાલુકા-જિલ્લા પંચાયતો અને કોર્પોરેશનોની ચુંટણી ૩ માસ પાછી ઠેલવાનો નિર્ણય જાહેર કરતા નવેમ્બર-ડીસેમ્બરમાં મુદત પુરી થયા બાદ જે તે સ્થાનીક સ્વરાજયની સંસ્થામાં વહીવટદાર રાજના ભણકારા વાગી રહયા છે. રાજકોટ જિલ્લા પંચાયતમાં ૨૦૧૫માં નવા પ્રમુખે રર ડીસેમ્બરે કાર્યભાર સંભાળેલ તેથી હાલની ચુંટાયેલી પાંખની મુદત ર૧ ડીસેમ્બર ર૦ર૦ સુધીની ગણાય. સરકાર નવો કોઇ ખાસ હુકમ ન કરે તોતા. રર ડીસેમ્બરથી પંચાયતમાં વહીવટદાર શાસન આવી જશે. ત્યાં સુધી હાલની સઘળી વ્યવસ્થા યથાવત રહેશે.

રાજકોટ જિલ્લા પંચાયત તા.૧ એપ્રિલ ૧૯૬૪ થી અસ્તિત્વમાં આવેલ છે. ત્યારથી અત્યાર સુધીમાં ૪ આઇ.એ.એસ. અધિકારીઓ વહીવટદાર તરીકે મુકાયેલ. સુધીર માંકડ  (૧૯૯૩-૯૪), એ.કે.લુક (૧૯૯૪-૯પ), એસ.આર.રાવ (૧૯૯પ)નો સમાવેશ થાય છે. છેલ્લે બે દાયકા પુર્વે ર૦૦૦ના વર્ષમાં ૭ જુલાઇથી પ ઓકટોબર સુધી પ્રવીણ ત્રિવેદી વહીવટદાર તરીકે રહયા હતા. છેલ્લા ર૦ વર્ષથી પંચાયતની ચુંટણી સમયસર થતી રહી હોવાથી અને અન્ય કોઇ કારણ ઉભુ થયેલ ન હોવાથી સતા ચંુટાયેલી પાંખ પાસે જ રહી છે. વહીવટદાર શાસન વખતે તમામ સમીતી અને સામાન્ય સભાની સઘળી સતા વહીવટદાર હસ્તક રહે છે. વહીવટદાર અને ડી.ડી.ઓ. વહીવટ ચલાવે છે.

જિલ્લા પંચાયતમાં ગઇ તા.૩૦મીએ સામાન્ય સભામાં વિદાય થઇ ગયેલ. હવે ચુંટણી પાછી ઠેલાતા શાસકોને મુદતના અંતિમ દિવસ સુધી રાબેતા મુજબની કામગીરીની તક મળી છે. સમીતીઓની બેઠક અને સામાન્ય સભા મળવાનો રસ્તો ખુલ્લો છે. કોઇ પણ જાતની આચારસંહિતા નડશે નહી. ર૦ર૧માં ચુંટણી વખતે હાલના સભ્યોએ ભુતપુર્વ સભ્ય તરીકે મતદારો સમક્ષ જવુ પડશે.

(3:33 pm IST)