Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

આજથી રાજકોટ શહેર જિલ્લામાં તા.૧૩ થી ૧૮ સુધી સરકારી તંત્ર દ્વારા મગફળી ખરીદી બંધ : ૧૯મીથી પુનઃ રાબેતા મુજબ ખરીદી ચાલુ થશે

૧૭ દિવસમાં ૨૫૦૦થી વધુ મેટ્રીક ટન મગફળીની ખરીદી કરાઈ : ૨૨૦૦૦ ખેડૂતોને એસએમએસ મોકલાયા : ખેડૂતોને ૩ કરોડ રૂપિયા ચૂકવાઈ ગયા

રાજકોટ, તા. ૧૩ : આજથી તા.૧૮ સુધી રાજકોટ શહેર જિલ્લામાં સરકારી તંત્ર દ્વારા મગફળી ખરીદી દિવાળીની રજાને કારણે બંધ કરી દેવાઈ છે. રાજકોટ જીલ્લા પુરવઠા અધિકારી અને પુરવઠા નિગમ દ્વારા શહેર જિલ્લાના ૨૨ કેન્દ્રો ઉપર તા.૨૬થી મગફળી ચાલુ હતી. ખરીદવાની અને ૧૭ દિવસની અંદર કુલ રજીસ્ટર થયેલ ૯૬૦૦૦ ખેડૂતોમાંથી ૨૨,૫૦૦ ખેડૂતોને એસએમએસ મોકલાયા હતા અને તેમની પાસેથી ૨૫૦૦ મેટ્રીક ટનથી વધુ મગફળીની ખરીદી થઈ છે.

જે ખેડૂતો પાસેથી મગફળી ખરીદી થઈ છે. તેમને ગયા અઠવાડીયાથી પૈસા ચૂકવવાનુ પણ ચાલુ કરી દેવાયુ છે. ઓડીટ કમીટી દ્વારા ઓડીટ થયા બાદ અત્યાર સુધીમાં રાજકોટ શહેર જીલ્લાના ખેડૂતોને ૩ કરોડથી વધુ રકમની ચૂકવણી થઈ ગયાનું પુરવઠા નિગમના અધિકારીઓએ જણાવ્યુ હતું. રાજકોટ યાર્ડમાં ૧૩ થી ૧૮ સુધી રજા જાહેર થઈ હોય મગફળીની ખરીદી તા.૧૮ સુધી બંધ રહેશે. ૧૮મીએ બપોર પછી ખેડૂતોને એસએમએસ મોકલવાનુ શરૂ કરાશે અને એકી સાથે ૨૦૦૦થી વધુ ખેડૂતોને એસએમએસ દ્વારા બોલાવાશે. ૧૯મીથી મગફળીની ખરીદી રાબેતા મુજબ ચાલુ થઈ જશે તેમ પુરવઠા ખાતાના અધિકારી સૂત્રોએ અકિલા સાથેની વાતચીતમાં જણાવ્યુ હતું.

(12:37 pm IST)