Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

સીંગતેલ-કપાસીયા તેલના ભાવો ફરી સળગ્યા

તહેવારો પૂર્વે કાચા માલની અછતના અહેવાલના બહાના તળે સટોડીયાઓ પુનઃ બેકાબુ : આજે વધુ ૧૦ રૂ.નો ઉછાળોઃ ચાલુ સપ્તાહમાં સીંગતેલ ડબ્બે ૧૦૦ રૂ. અને કપાસીયા તેલમાં ૬૫ રૂ. વધી ગયાઃ અઠવાડીયા પહેલા ભાવો ઘટયા'તા તેટલા જ વધી ગયા ! : સીંગતેલ નવા ટીનના ભાવ વધીને ૨૩૦૦ થી ૨૩૩૦ અને કપાસીયા ટીનના ભાવ વધીને ૧૬૮૦ થી ૧૭૦૦ રૂ. થઈ ગયા !

રાજકોટ, તા. ૧૩ :. દિપાવલીના તહેવારો પૂર્વે કાચા માલની અછતના બહાને તળે ફરી સટોડીયાઓ બેકાબુ બન્યા હોય તેમ સીંગતેલ અને કપાસીયા તેલના ભાવો ફરી સળગ્યા છે. આજે બન્ને ખાદ્યતેલમાં વધુ ૧૦ રૂ.નો ભાવ વધારો થયો છે.

સ્થાનીક બજારમાં સોરાષ્ટ્રના યાર્ડો બંધ હોવાના કારણે મગફળી અને કપાસની આવકો બંધ થતા આજે સીંગતેલ અને કપાસીયા તેલમાં વધુ ૧૦ રૂ.નો ભાવ વધારો થયો હતો. સીંગતેલ લુઝ (૧૦ કી.ગ્રા.)ના ભાવ ૧૩પ૦ રૂ. હતા તે વધીને આજે બપોરે ૧૩૬૦ રૂ. થયા હતા. જયારે સીંગતેલ નવા ટીમના ભાવ ર૩૦૦ થી ર૩ર૦ રૂ. હતા તે વધીને ર૩૧૦થી ર૩૩૦ રૂ.ની સપાટીએ ભાવ પહોંચ્યા હતા. કપાસીયા તેલ લુઝના ભાવ ૯૯૦ રૂ. હતા તે વધીને આજે બપોરે ૧૦૦૦ રૂ. થયા હતા. જયારે કપાસીયા ટીનના ભાવ ૧૬૭૦ થી ૧૬૯૦ રૂ. હતા તે વધીને ૧૬૮૦થી ૧૭૦૦ રૂ.ની સપાટીએ  ભાવ પહોંચ્યા હતા.

ચાલુ સપ્તાહમાં સીંગતેલ ડબ્બે ૧૦૦ રૂ. અને કપાસીયા તેલના ડબ્બે ૬પ રૂ.નો તોતીંગ ભાવ વધારો થયો છે તહેવારો પુર્વે કાચા માલની અછતના બહાને સટોડીયાઓ ફરી બેકાબુ બન્યા હોય તેમ ખાદ્યતેલોના ભાવોમાં રોજબરોજ ઉછાળો થાય છે.  અત્રે નોંધનીય છે કે ગત સપ્તાહમાં સીંગતેલ ડબ્બે ૧૧૦ રૂ. અને કપાસીયા તેલના ડબ્બે ૬૦ રૂ.નો ભાવ ઘટાડો થયો હતો. જો કે સટોડીયાઓએ ફરી કાચા માલની અછતના બહાને ભાવ વધારો કરી આ ભાવ ઘટાડો ધોઇ નાંખ્યો હતો. દિપાવલી બાદ મગફળી અને કપાસની પુષ્કળ આવકો થયે ભાવો ઘટશે કે કેમ? તેવો પ્રશ્ન લોકોમાં પુછાઇ રહયો છે.

(3:26 pm IST)