Gujarati News

Gujarati News

News of Saturday, 13th November 2021

પારડીમાં એકલવાયા જીવનથી કંટાળી ૭૫ વર્ષના રસિકભાઇ બકરાણીયાનો આપઘાત

રાજકોટ તા. ૧૩: લોધીકાના પારડી ગામે રહેતાં રસિકભાઇ કુંવરજીભાઇ બકરાણીયા (સુથાર) (ઉ.વ.૭૫) નામના વૃધ્ધે રાતે સાડા અગિયારેક વાગ્યે શરીરે કેરોસીન છાંટી અગ્નિસ્નાન કરી લેતાં ગંભીર રીતે દાઝી જતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં હોસ્પિટલ ચોકીના વાલજીભાઇ નિનામાએ એન્ટ્રી નોંધી લોધીકા પોલીસને જાણ કરી હતી. સારવાર દરમિયાન રસિકભાઇએ દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

રસિકભાઇ ત્રણ ભાઇ અને બે બહેનમાં મોટા હતાં. તેમને સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી છે. તેમના સગાના કહેવા મુજબ રસિકભાઇના પત્નિનું આગઉ અવસાન થયું હોઇ તેઓ ત્યારથી એકલવાયા જેવુ જીવન જીવતા હતાં. પુત્ર સહિતના પરિવારજનો બાજુમાં જ રહે છે. એકલાવાયા જીવન અને શ્વાસની બિમારીથી કંટાળી જઇ પગલુ ભર્યાનું પ્રાથમિક તપાસમાં જણાવાયું હતું.

વિછીયામાં આરતી ચુલામાં ભડકો થતાં દાઝી

વિછીયા રહેતી આરતી કાંતિભાઇ ડાભી (ઉ.૨૦) ચુલામાં રસોઇ બનાવતી વખતે ભડકો થતાં દાઝી જતાં સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડાઇ છે. તેણી બે ભાઇથી મોટી છ. અકસ્માતે દાઝી ગયાનું પરિવારજનોએ પોલીસ ચોકીના સ્ટાફની પ્રાથમિક પુછતાછમાં જણાવતાં વિછીયા પોલીસને જાણ કરાઇ હતી.

ધારીના જીરા ગામે ૯૫ વર્ષના સોનાબેન દાઝયા

ધારીના જીરા ગામે રહેતાં સોનાબેન વલ્લભભાઇ ટાંક (ઉ.વ.૯૫) દાઝી જતાં સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડાયા છે. વૃધ્ધા એકલા જ રહે છે. પાણી ગરમ કરતી વખતે ઝાળ લાગતાં દાઝી ગયાનું જણાવાયું હતું. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જરૂરી કાર્યવાહી કરી હતી.

(3:22 pm IST)