Gujarati News

Gujarati News

News of Friday, 14th January 2022

રાજકોટ જિલ્લામાં રસીકરણ અભિયાન હેઠળ ગ્રામ્ય વિસ્તારમાં ૧૦૦ ટકા રસીકરણની સિધ્ધિ.

જેતપુર તાલુકાના ૩૮ ગામો સહિત જિલ્લાના ૧૦ તાલુકાઓના ૧૬૩ ગામોમાં ૧૦૦ ટકા રસીકરણ કરાયું.

રાજકોટ :રાજકોટ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના જણાવાયા અનુસાર, અત્યાર સુધીમાં જિલ્લાના ૧૫૩ ગામોમાં રસીકરણના બંને ડોઝની કામગીરી ૧૦૦% સંપૂર્ણ થયેલી છે. જેમાં સૌથી વધુ જેતપુર તાલુકાના ૩૮ ગામમાં ૧૦૦ ટકા રસીકરણ થયેલું છે. જ્યારે જામકંડોરણા તાલુકામાં ૨૩, રાજકોટમાં ૬, પડધરીમાં ૧૬, લોધિકામાં ૩, ગોંડલમાં ૧૭, જસદણમાં ૧૯, વીંછીયામાં ૫ ધોરાજીમાં ૨૭ અને ઉપલેટા તાલુકાના ૯ ગામો મળી કુલ ૧૬૩ ગામોમાં ૧૦૦ ટકા રસીકરણ કરવામાં આવ્યું છે.

જ્યારે રાજકોટના ભાંગડા, જીવાપર, ખારચીયા, પાડાસણ, રાજગઢ, સૂકી સાજડીયાળી એમ કુલ ૬ ગામોમાં પણ ૧૦૦ ટકા રસીકરણની કામગીરી થયેલ છે. જેમાં જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં પ્રથમ ડોઝ એક ૧૨૧૭૯૮ (૧૦૦.૦૨ટકા ) અને બીજો ડોઝ ૧૦૬૪૫૭૪ (૮૪.ર ટકા) ની કામગીરી કરવામાં આવી છે.
કોરોના રસીકરણ અભિયાન અંતર્ગત રાજકોટ જિલ્લામાં દૈનિક ૩૦૦ જેટલા વેકિસનેશન સેશન ચલાવવામાં આવી રહ્યા છે જે અંતર્ગત ૧૫થી ૧૮ વર્ષના બાળકો તથા ૧૮ વર્ષથી વધુ વયના નાગરિકોને રસી આપવાનું કાર્ય ચાલી રહ્યું છે.
જે અંતર્ગત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના ૫૪ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, નગરપાલિકા વિસ્તારના ૭ અર્બન હેલ્થ સેન્ટર અને ૧૨ સામૂહિક આરોગ્ય કેન્દ્રો તથા પ સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલ ખાતે કોરોના વિરોધી રસી નિઃશુલ્ક આપવામાં આવી રહી છે. આ કામગીરીને વધારવા વૃધ્ધ અને દિવ્યાંગોને ધરે જઈને રસી અપાઇ રહી છે. તદુપરાંત ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર અને વાડી વિસ્તારમાં મજૂરી કામ કરતા લોકો માટે ટીમ બનાવી તેમના અનુકૂળ સમયે જ્યારે શહેરમાં રાત્રીના સમયે પણ રસીકરણની કામગીરી ચાલુ રાખવામાં આવી છે.
રસીકરણ અંતર્ગત જિલ્લા પંચાયતની આરોગ્ય સમિતિની બેઠક યોજાઇ હતી, જેમાં સમિતિના અધ્યક્ષ જ્યોત્સનાબેન પાનસુરીયા તથા સદસ્ય સુનિતાબેન ચાવડા, લીલાબેન ઠુંમર તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર નિલેશ શાહ, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ડાભી તથા જિલ્લા આર.સી.એચ અધિકારી ડો. મિતેશ ભંડેરી અને અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ બેઠકમાં ૬૦ વર્ષથી વધુ ઉંમરના લોકોને પ્રીકોશન ડોઝ તથા ૧૫ થી ૧૮ વર્ષના બાળકોને પ્રથમ ડોઝ આપવાની કામગીરી હાથ ધરવાની અને અન્ય રોગોનો વ્યાપ ન વધે તે અંગેની સૂચનાઓ અપાઈ હતી. અને વિવિધ પેટા કેન્દ્રને લગતા બાંધકામના પ્રશ્નો, સરકારી દવાખાનામાં સાધનોની જરુરીયાત વગેરે જેવા મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી, તેમ મુખ્ય જિલ્લા પંચાયતના મુખ્ય આરોગ્ય અધિકારીની યાદીમાં જણાવાયું છે

(9:19 pm IST)