Gujarati News

Gujarati News

News of Tuesday, 14th June 2022

જામનગર રોડના સન્‍ની પાજી દા ધાબામાં રાતે જમવા આવેલા શખ્‍સોની ધમાલઃ ધાબો સળગાવી દેવાની ધમકી

જમતી વખતે ગાળો બોલતાં હોઇ કર્મચારી મેહુલ હાડગરડાએ શાંતી રાખવાનું કહેતાં ત્રણ શખ્‍સોએ ડખ્‍ખો કર્યો : જમ્‍યા બાદ પૈસા ન આપી ‘કાલથી હોટલ બંધ કરી દેજે નહિતર સળગતા વાર નહિ લાગે' કહી એક શખ્‍સે પોતાનું નામ પ્રતાપ ડવ હોવાનું કહી મોબાઇલ નંબર પણ જણાવ્‍યાઃ ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી શોધખોળ આદરી

રાજકોટ તા. ૧૪: શહેરના જામનગર રોડ પર આવેલા અને પંજાબી જમવાના શોખીનોમાં જાણીતા એવા સન્‍ની પાજી દા ધાબા ખાતે ગત મોડી રાતે જમવા આવેલા ત્રણ શખ્‍સોએ ધમાલ મચાવી કર્મચારીને માર મારી ગાળો દઇ જમવાના પૈસા નથી દેવા, તારા શેઠને કહેજે હોટલ કાલથી બંધ કરી દે, નહિતર સળગતા વાર નહિ લાગે તેમ કહી ધમકી દેતાં વાત પોલીસ સુધી પહોંચી હતી.

આ ઘટનામાં ગાંધીગ્રામ પોલીસે પડધરીના તરઘડી ગામે રહેતાં અને સન્‍ની પાજી દા ધાબામાં નોકરી કરતાં મેહુલ હમીરભાઇ હાડગરડા (ભરવાડ) (ઉ.વ.૨૬)ની ફરિયાદ પરથી પ્રતાપ ડવ અને બે અજાણ્‍યા શખ્‍સો વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો છે. મેહુલ હાડગરડાએ જણાવ્‍યું હતું કે રાત્રે સવા બારેક વાગ્‍યે હું ધાબા ખાતે કામ કરતો હોઇ એક ટેબલ પર ત્રણ શખ્‍સો જમવા બેઠા હોઇ તે ખુબ દેકારો કરતાં હોઇ જેથી હું તેને સમજાવવા ગયો હતો કે તમે અવાજ ન કરો અહિ બીજા ગ્રાહકો અને પરિવારજનો પણ જમવા આવ્‍યા છે. તમારે જે જોઇએ તે મને કહો હું લેતો આવીશ...તેમ કહેતાં આ શખ્‍સોએ મારી સાથે ગાળાગાળી અને ઝઘડો ચાલુ કર્યા હતાં. આ ત્રણેયએ જમી લીધું હોઇ મેં તેને બીલ આપતાં તેણે બીલના પૈસા નથી આપવા કહી ગાળો દીધી હતી. એ પછી  આ લોકો મને બહાર રોડ પર લઇ ગયા હતાં અને ત્‍યાં ઝપાઝપી કરી ગાળો દઇ ઢીકાપાટુનો માર મારવા લાગ્‍યા હતાં અને કહ્યું હતું કે- તારા શેઠ સનીને કહી દેજે કે કાલથી હોટલ બંધ કરી દે, નહિતર હોટેલને સળગતા વાર નહિ લાગે, તારા શેઠની હોટલ બંધ કરાવી દઇશું.

એ પછી એક શખ્‍સે કહેલું કે મારું નામ પ્રતાપ ડવ છે અને મારા મોબાઇલ નંબર ...છે. તારા શેઠને કહી દેજે. ત્‍યારબાદ અમારા શેઠ અમનવીરસિંઘ ઉર્ફ સનીભાઇ આવી ગયા હતાં અને પોલીસને તેમણે જાણ કરી હતી. તેમ વધુમાં મેહુલે જણાવતાં હેડકોન્‍સ. બી. ઝેડ. રતને ગુનો નોંધ્‍યો હતો. પીઆઇ જી. એમ. હડીયાની રાહબરીમાં હેડકોન્‍સ. સંજયભાઇ કુમારખાણીયાએ આરોપીઓની તપાસ હાથ ધરી છે.  હોટેલ સંચાલક અમનવીરસિંઘે જણાવ્‍યું હતું કે આ શખ્‍સો નશો કરીને આવ્‍યા હોય તેમ લાગતું હતું. પોલીસે તેની શોધખોળ આદરી છે.

(1:15 pm IST)