Gujarati News

Gujarati News

News of Tuesday, 14th June 2022

રાષ્‍ટ્રીય નેત્ર જ્‍યોતિ અભિયાન : રાજકોટ જિલ્લો મોતિયો બેકલોગ ફ્રી બનાવવા ખાસ એકશન પ્‍લાન તૈયાર

૫૦ વર્ષથી મોટી ઉંમરના તમામ લોકોનું આરોગ્‍ય વિભાગ દ્વારા સ્‍ક્રીનીંગ કરાશે

રાજકોટ તા. ૧૪: મોટી ઉંમરે અંધાપા માટે જવાબદાર આંખે મોતિયો આવી ચૂકેલા તમામ જરૂરિયાતમંદ લાભાર્થીઓની મોતિયોંની સર્જરી સમયબદ્ધ થઈ શકે અને તેઓના જીવનમાં પુનઃ ઉજાસ પથરાયેલો રહે તે માટે કેન્‍દ્ર સરકાર દ્વારા ‘રાષ્‍ટ્રીય નેત્ર જયોતિ અભિયાન' નો પ્રારંભ કરવામાં આવ્‍યો છે.

આ માટે ગુજરાત રાજયમાં પણ ખાસ પોર્ટલની રચના કરવામાં આવી છે. જેમાં ૫૦ વર્ષથી મોટી ઉંમરના લોકોનું આરોગ્‍ય વિભાગ દ્વારા સ્‍ક્રીનિંગ કરવામાં આવશે. જરૂરિયાતમંદ તમામ લાભાર્થીઓનો ડેટાબેઝ તૈયાર કરવાં આવશે.  ચોક્કસ  સમય મર્યાદામાં તમામ લોકોના મોતિયોંની સફળ સર્જરી શક્‍ય બને તે માટે તમામ જિલ્લાના કલેકટરો, મ્‍યુનિસિપલ કમિશનરો તેમજ જિલ્લા વિકાસ અધિકારીઓ જોડાઈ કેન્‍દ્ર સરકરના મિશનને સફળ બનાવવામાં સહભાગી બનશે.   

રાજકોટ જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુના વડપણ હેઠળ કેન્‍દ્ર સરકારની ગાઈડલાન્‍સ મુજબ જિલ્લામાં મોતિયોની સર્જરીનો ડેટાબેઝ તૈયાર કરવાની કામગીરી, સર્જરી બેકલોગ સમય મર્યાદામાં પરિપૂર્ણ થાય તે માટે મોતિયાની સર્જરીને પહોંચી વળવા જરૂર પડ્‍યે સ્‍ટાફને વિશેષ તાલીમ, સંસાધનોનો મહત્તમ ઉપયોગ સહીત વિશેષ આયોજન હાથ ધરવામાં આવ્‍યું છે.

(1:27 pm IST)