Gujarati News

Gujarati News

News of Tuesday, 14th June 2022

આજી નદીના પટ્ટમાં ૧૮૨ બાંધકામો દૂર કરવા પર એક દિવસનો સ્‍ટે

ચોમાસા બાદ ડીમોલેશન : વૈકલ્‍પિક આવાસો ફાળવવા અસરગ્રસ્‍તોની માંગ

રાજકોટ,તા.૧૪ : શહેરના સૌથી મોટા પૈકીના એક એવા આજી રીવરફ્રન્‍ટ પ્રોજેકટમાં કપાતમાં આવતા આજી નદીના કાઠાના વિસ્‍તારોમાં ડીમોલેશનનું આયોજન કાગળ પર થઇ રહ્યું છે ત્‍યારે ચોમાસામાં ડુબમાં જઇ શકે તેવા મકાનોના સર્વેના અંતે ૧૮૦ મકાનો વરસાદ પહેલા દૂર કરવાની તૈયારી મનપા દ્વારા શરૂ કરવામાં આવી હતી ત્‍યારે અસર ગ્રસ્‍તો એ હાઇકોર્ટમાં જાહેરરીતની અરજી દાખલ કરી હતી અને આ તમામ પરીવારોને વૈકલ્‍પિ વ્‍યવસ્‍થા પુરી પાડવામાં આવે તેવી માંગ કરાઇ છે. મનપા દ્વારા આજે આ બાંધકામો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી પરંતુ કોર્ટે હાલ પુરતી બાંધકામ દૂર કરવાની પ્રક્રીયા પર સ્‍ટે આપ્‍યો છે.

અરજદારો દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે જંગલેશ્વર વિસ્‍તારમાં આ પરિવાર વર્ષોથી વસવાટ કરી રહ્યા છે અને હવે તેમને નોટીસ આપવામાં આવી છે પરંતુ તેમની પાસે રહેવા માટે વૈકલ્‍પિક કોઇ વ્‍યવસ્‍થા નથી આ મામલે કોર્ટે આજે તેમના રહેંણાક મકાનો દર્શાવતા ફોટોગ્રાફ રજુ કરવા જણાવ્‍યુ હતુ.

સુનવણી દરમ્‍યાન કોર્ટે મનપા તંત્રને ટકોર કરી હતી કે આ બાંધકામ અનઅધિકૃત હોય તો આટલા વર્ષો સુધી કાંઇ ન કર્યુ અને હવે નોટીસો આપી છે.મનપા તંત્રએ જણાવ્‍યુે હતુ કે અત્‍યાર સુધી આ જમીન કલેકટર તંત્ર પાસે  હતી હવે  અમને સોંપવામાં આવી છે.

અત્રે ઉલ્લખનીય છે કે, વિશાળ ૧૧ કી.મી.ના આજી નદીના પટ્ટમાં ભારે વરસાદ વખતે પૂર આવે છે અને નદી પટ્ટથી ૭૦ મીટરના ભાગમાં પાણી ફરી વળે છે. આથી આ પૂરના કારણે ડૂબમાં જઇ શકે તેવા મકાનોનો સર્વે કરવામાં આવ્‍યો હતો. જેમાં વોર્ડનં ૪ના ભગવતીપરા અને વોર્ડનં ૧૬ના જંગલેશ્વર વિસ્‍તારના ૧૮૨ મકાનો આવતા હોવાનો રિપોર્ટ ટી.પી. શાખાએ તૈયાર કર્યો હતો.

દર વર્ષે મનપા દ્વારા સ્‍થળાંતર અને બચાવની કામગીરી કરવામાં આવે છે. થોડા દિવસ પહેલા ટાઉન પ્‍લાનીંગ શાખા દ્વારા આ વિસ્‍તારમાં ૧૮૨ મકાન ધારકોને ૭ દિવસમાં જગ્‍યા ખાલી કરવા નોટીસ આપવામાં આવી હતી આ નોટીસના ભાગરૂપે ગત સપ્‍તાહએ તંત્ર દ્વારા જગ્‍યા ખાલી કરાવવા મૌખિક સુચના આપી હતી અને  ચોમાસા પહેલા એટલે કે આજે ડીમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર હતી પરંતુ આ વિસ્‍તારવાસીઓએ કોર્પોરેશનની નોટીસ સામે હાઇકોર્ટમાં જાહેર હીતની અરજી કરી છે અને આ પરિવારોને વૈકલ્‍પિક વ્‍યવસ્‍થા પુરી પાડવામાં આવે તેવી માંગ કરાઇ છે. કોર્ટે આજીના પટ્ટમાં બાંધકામો દૂર કરવા પર એક દિવસનો સ્‍ટે આપ્‍યો છે.

કોર્ટ દ્વારા એક દિવસનો સ્‍ટે આપવામાં આવતા તંત્ર દ્વારા ચોમાસા બાદ આ વિસ્‍તારમાં ડીમોલેશન હાથ ધરવામાં આવશે કેમ કે નિયમ મુજબ ચોમાસામાં ડીમોલેશન થઇ શકે નહી.  

(3:34 pm IST)