Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020

બનાવટી ચલણી નોટ છાપવાના ગુનામાં આરોપીની માનવતાની જામીન અરજી રદ

રાજકોટ તા. ૧૪: બનાવટી ચલણી નોટ છાપવાના ગુન્હામાં પકડાયેલ આરોપીની વચગાળાની જામીન અરજી અદાલતે રદ કરી હતી.

આ અંગેની વિગત એવી છે કે, તારીખ ૧૬-૬-૧૯ ના રોજ પોલીસે આસ્થા રેસીડેન્સી પાછળ લક્ષ્મણજુલા પાર્ક શેરી નં. ૩ ''ઓમ'' મકાન વાળા સ્થળે દરોડા પાડી બનાવટી ચલણી નોટ સાથે આરોપી અરવીંદ ધીરૂભાઇ અકબરીને રૂ. ર૦૦૦ની ૩૩ નોટો તથા રૂ. પ૦૦ની ૪ નોટો બનાવટી ચલણી નોટ સાથે પકડી પાડેલ અને સાથે કલર પ્રિન્ટર તથા બનાવટી નોટો બનાવવાની સાધન સામગ્રી કબજે કરેલ.

આ ગુન્હામાં જેલમાં રહેલ આરોપીએ ખેતી કામ કરવા દિવસ ૩૦ માટે માનવતાના ધોરણે જામીન ઉપર છુટવા વચગાળાની જામીન અરજી કરતા સરકાર પક્ષે સરકારી વકીલ મુકેશભાઇ પીપળીયા હાજર થયેલ અને જામીન અરજીનો વિરોધ કરેલ અને રજુઆત કરેલ કે આરોપી સામે રાષ્ટ્રવિરોધી ગુન્હો છે. બનાવટી ચલણી નોટો સાથે પકડાયેલ છે અને જામીન આપવામાં આવશે તો ફરી આવા ગુન્હા કરશે તેથી જામીન અરજી રદ કરવા રજુઆત કરેલ સરકાર પક્ષની રજુઆતને ધ્યાને લઇ સેસન્સ જજ શ્રી એચ. એમ. પવારે જામીન અરજી રદ કરેલ છે. આ કામમાં સરકારપક્ષે એપીપી મુકેશભાઇ પીપળીયા રોકાયેલ હતા.

(2:55 pm IST)