Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020

કોરોનાકાળમાં ઘરગથ્થુ અને આયુર્વેદના સમન્વયથી રંગોળી કલાકાર પ્રદિપ દવેએ ૩૦ કિલો વજન ઉતાર્યું

રાજકોટ,તા. ૧૪: રાજકોટ માહિતી કચેરીમાં ફરજ બજાવતા પાણીમાં રંગોળી બનાવતા રંગોળી કલાકાર  પ્રદીપભાઈ દવેએ પોતાનું વજન ૧૦૪ કિલોમાંથી ૭૪ કિલો એટલે કે ૩૦ કિલો જેટલું વજન તેમજ કમરનો ધેરાવો ૪૭ ઇંચ માંથી ૩૪ ઇંચ એટલેકે ૧૩ ઈંચ જેટલી ઘટાડવામાં સફળતા પ્રાપ્ત કરેલ છે.

વજન ઘટાડવાના કારણ વિશે જણાવતાં પ્રદીપભાઈએ કહ્યું કે, 'મારું વજન જયારે ૧૦૪ કિલો પર પહોંચ્યું ત્યારે મેં મારું બોડી ચેકઅપ કરાવ્યું.

રિપોર્ટમાં ડાયાબિટીસ બોર્ડર પર આવ્યું અને ડોકટરે ૨૫ કિલો જેટલું વજન ઘટાડવાની સલાહ આપી.'

હવે મારી પાસે શરીર ઘટાડવા માટેનો એક જ વિકલ્પ હતો આયુર્વેદિક ઘરગથ્થુ ઉપચાર. લોકડાઉન શરૂ થયું ત્યારથી કસરત, ડાયટિંગ અને ઘરગથ્થું આયુર્વેદિક ઉપચાર પર ધ્યાન આપવાનું શરૂ કર્યું અને માત્ર ત્રણ જ મહિનામાં તેનું ખૂબ જ સારું પરિણામ મળ્યું.

પ્રદીપભાઈ દવેએ જણાવ્યું હતું કે, 'દરરોજ વોકિંગ, જમ્પિંગ જેવી કસરત કરવી.ઘરે સીડી ચડવા ઉતરવાની પણ કસરત હતી. ગરમ પાણીમાં લીંબુ નાખીને પીવું. દહીમાં તજનો પાવડર નાખીને સવારે નરણાં કોઠે લેવું. તેમજ ગરમ પાણીમાં સૂંઠ પાવડર, અળસી પાવડર મિકસ કરીને લેવું. દાળિયા ,સામો ,છાશ ,દહીંનું ઘોળવું ,સલાડ ,લીલા શાકભાજી, દાળ, કઠોળમાં ચણા , મગ , મઠનો વધારે માત્રામાં ઉપયોગ કરવો. જમ્યાના એક કલાક પહેલાં અને બાદ પાણી પીવું નહીં. જમીને ચાલવું અથવા વજ્રાસનમાં બેસવુ. અને રાત્રે સૂતી વખતે ગરમ પાણીમાં એક ચમચી ત્રિફળા ચૂર્ણ લેવું .

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ શરૂ કરેલા અભિયાન 'ફિટ ઇન્ડિયા' ને એક વર્ષ તાજેતરમાંજ પૂર્ણ થયું છે ત્યારે રંગોળીકાર પ્રદીપભાઈ દવેએ  પોતાની જાતને ફિટ બનાવી આ અભિયાનમાં જોડાયને ૈઉમદા ઉદાહરણ પુરૂ પાડ્યું છે.

(2:58 pm IST)