Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020

બેંક ઓફ બરોડાના કર્મચારીઓ આંદોલનના માર્ગે : સાંજે દેખાવોઃ બીજીએ હડતાલ પાડશે

કર્મચારીઓને ફરજીયાત રજા ઉપર ઉતારી દેવાની નીતિના વિરોધમાં : સાંજે રીજીયન ઓફિસ સામે દેખાવો થશેઃ બીજી નવે.ની હડતાલમાં સૌરાષ્ટ્ર-કચ્છના ૮પ૦ કર્મચારીઓ જોડાશે

રાજકોટ તા. ૧૪ :.. બરોડા બેંકના મેનેજમેન્ટની અમુક નીતિઓના વિરોધમાં આ બેંકના કામદારોએ આંદોલનનું રણશિંગું ફુંકયું છે જે અંતર્ગત આજે બેંકની રીજીયન ઓફીસ સામે સાંજે પ કલાકે દેખાવો કરવામાં આવી રહ્યા છે અને બીજી નવેમ્બરે હડતાલ છે અને બીજી નવેમ્બરે હડતાલ  પાડવામાં આવશે.

ગુજરાત બેંક વર્કર્સ યુનિયનની એક યાદી અનુસાર તા. ર નવે. ર૦ર૦ના રોજ ઓલ ઇન્ડિયા ઓફ બરોડા કો.ઓર્ડીનેશન કમીટીના આદેશ અનુસાર બેંક ઓફ બરોડાના કર્મચારીઓ પૂરા ભારતમાં હડતાલ પર જશે. બેંક ઓફ બરોડાએ દ્વિ-પક્ષીય સમાધાનનું ઉલ્લંઘન કરી કર્મચારીની ઇચ્છા વિરૂદ્ધ પ્રતિકુળ સંજોગો હોવા છતાં રજા ઉપર ઉતરવાનું ફરમાન કરેલ છે. બેંકનું આ ફરમાન દ્વિ-પક્ષીય કરારના ભંગ સમાન છે. કર્મચારી જયારે ઇચ્છે ત્યારે રજા આપવાનો સ્ટાફ સોર્ટેજને કારણે ઇન્કાર કરવામાં આવે છે અને કર્મચારીને ફરજીયાત ઇચ્છા ન હોય માંગણી ન હોય સ્ટાફ શોર્ટેજ હોય તો પણ રજા ઉપર ઉતરવાનું જણાવવામાં આવે છે.

કર્મચારી આ મહામારીના સમયમાં કોઇપણ સ્થળે જઇ શકે તેમ નથી અને જો ઘેર બેસી રહે તો તેની માનસિક પરિસ્થિતિને પ્રતિકુળ અસર પહોંચે, કર્મચારી ડીપ્રેશનમાં ચાલ્યા જાય તેવી પરિસ્થિતિ પણ છે.

છેલ્લા પંદર દિવસથી ગુજરાતના બેંક ઓફ બરોડના કર્મચારીઓ સમયને અનુકુળ શાંત આંદોલન ચલાવી રહયા છે. બેંકનું સ્થાનીક મેનેજમેન્ટ જયારે તેમની સમક્ષ રજૂઆત કરવા કર્મચારીઓ જાય છે ત્યારે વડી કચેરીનો હવાલો આપે છે. આ સંજોગોમાં કર્મચારીઓને હડતાલ સિવાય કોઇ વિકલ્પ ન હોય તા. ર નવે. ભારતના બેંક ઓફ બરોડાના કર્મચારીઓ તેના રાષ્ટ્રીય સંગઠનના આદેશ મુજબ હડતાલ પર જશે.  સૌરાષ્ટ્ર-કચ્છનાં બેંક ઓફ બરોડાના ૮પ૦ કર્મચારીઓ આ હડતાલમાં સામેલ થશે.

(3:40 pm IST)